ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 80.68 ટકા મતદાન: કાલે પરિણામ

February 5, 2018 at 11:39 am


ગુજરાત વિધાનસભાની મિનિ ચૂંટણી સમાન ગ્રામ પંચાયતોની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 80.68 ટકા મતદાન થયું છે અને હવે આવતીકાલે મત ગણતરી હાથ ધરીને પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ વખત ગ્રામ પંચાયતોની ચૂંટણી ઈવીએમથી યોજવામાં આવેલ હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના 9 જેટલા સ્થળોએ કન્ટ્રાેલ યુનિટ અને બેલેટ યુનિટ બગડતાં આવા તમામ સ્થળોએ ઈવીએમ બદલવાની ચૂંટણી તંત્રને ફરજ પડી હતી.

ચૂંટણી આયોગના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ પોરબંદર જિલ્લાના અડવાણા, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મુળીલા, ધરમપુર, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કમ્બોસણી, વડોદરા જિલ્લાના કરજણ અને સાવલી તાલુકામાં એક-એક, દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાંગાસર અને કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વીજપાસર, જૂના કટારિયા ગામે મળી કુલ 9 સ્થળોએ ઈવીએમ બગડતા કન્ટ્રાેલ યુનિટ અને બેલેટ યુનિટ બદલવાની ફરજ પડી છે.

ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડ બેઠકોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે અને આવતીકાલે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાની ડુંગરપુર ગામ જૂથ ગ્રામ પંચાયતના ઉમેદવારને પ્રતિક ફાળવણીમાં કરવામાં આવેલી કાર્યરિતીની અનિયમિતતાને કારણે વોર્ડ નં.2નું પુનઃ મતદાન આજે હાથ ધરવામાં આવશે. આવી જ રીતે લીમખેડા તાલુકાની ગોરિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમના ખોટકાના કારણે આજે ફેર મતદાન હાથ ધરવામાં આવશે.

ફોર્મ ચકાસણી પછી અને મતદાન શરૂ થાય તે પહેલાં બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના ભાંભણ ગ્રામ પંચાયતના વોર્ડ નં.7ના સભ્યની અને ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામે સરપંચના ઉમેદવારનું અવસાન થતાં આ બન્ને કિસ્સામાં ચૂંટણી રદ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં નવેસરથી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. કુલ 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી. 218 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થયેલ છે અને કેટલીક ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ થયેલ છે.

Comments

comments