ચીન અને પાક.ની ભારત સામે વિલનગીરી ઘુસણખોરીમુકત સરહદો બનાવવા માટે મોદી સરકારે સાહસિક પગલાં લેવા જ પડશે

September 24, 2018 at 11:16 am


વિશ્વ આખું અત્યારે ભારત તરફ નજર દોડાવી રહ્યું છે કારણકે અહી એમને વિકાસની અનલિમિટેડ તક જોવા મળી રહી છે અને ભારતમાં વધુને વધુ વિદેશી રોકાણ લઈ આવવા અને રોજગાર વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. હવે તો જગત જમાદાર અમેરિકા પણ પહેલાની જેમ ભારતની અવહેલના કરી શકે એમ નથી કારણકે તેને ઈકોનોમિકલી એમ કરવું પોસાય એમ નથી. અમેરિકા જાણે છે કે ભૂખ તો એક જ સ્વરૂપની હોય છે પછી તે ભારતની જનતાની હોય, ઈથીયોપીયાની હોય, બમાર્ની હોય કે અમેરિકાની હોય. ભૂખ કોઈની સગી થતી નથી. ભારત સામે વ્યાપારિક નિયંત્રણો લાદવાની વારંવારની ચીમકીઆે આપીને ઈન્ટરનેશનલ જોકર ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ પોતાની જ મશ્કરી કરાવી રહ્યા છે પરંતુ પાકિસ્તાન તરફથી ભારતની સાથે સારા સંબંધો રાખીને પોતાના દેશને મજબૂત કરવાના પ્રયાસો કરવાને બદલે એ જ જુની પુરાણી આતંકી અને દુશ્મનીની પરંપરા ચાલુ રાખવામાં આવી છે તે ખરેખર ભારે આઘાતજનક હકીકત છે.

ભારતીય જવાનોના સરહદ પર મૃતદેહો સાથે ચેડા કરીને એમને ક્ષતવિક્ષત કરવાનું પાપ આ પહેલા પણ પાકિસ્તાને કર્યુ હતું અને ફરીવાર એમણે એક ભારતીય જવાનના શરીરના ટુકડા કર્યા છે અને પોલીસમેનોની હત્યા આતંકવાદીઆેએ શરૂ કરી છે. સરહદ પર સતત ટેન્શન વધારવામાં આવી રહ્યું છે અને ઘુસણખોરીના પ્રયાસો હજુ પણ યથાવત રહ્યા છે. ઈમરાનખાન પાકિસ્તાનના વડાપ્રધાનપદે આવ્યા છે અને પોતાના પ્રથમ પ્રવચનમાં જ એમણે પાડોશી દેશો સાથે સારા સંબંધો રાખવા અને સંવાદ કરવાની વાત કરી હતી પરંતુ તેનાથી તદન ઉલ્ટું અત્યારે થઈ રહ્યું છે અને કાશ્મીર સીમાને સતત સળગતી રાખવામાં આવી રહી છે. બીજી બાજુ ચીન પણ આપણા એરિયામાં દિલ ખોલીને નિડરતાથી મન ફાવે ત્યાં ઘુસણખોરી કરી રહ્યું છે. હવે તો ઉત્તરાખંડની અંદર ઘુસી જવાનું સાહસ પણ તેણે બતાવ્યું છે. એકબાજુથી પાકિસ્તાન સમર્થિત આતંકીઆે કોહરામ મચાવી રહ્યા છે તો બીજી બાજુ ચીનના સૈનિકોની શરમ વગરની ઘુસણખોરી ભારત માટે ચિંતાનો વિષય બની છે.

અમેરિકાએ સાફ શબ્દોમાં એમ કહ્યું છે કે હિઝબુલ મુઝાહીદીન સહિતના કેટલાક આતંકી સંગઠનો સમગ્ર એશિયા ઉપમહાદ્વિપ માટે જોખમી બની ગયા છે અને એમના તરફથી સતત ભય રહે છે. અમેરિકાએ પાકિસ્તાનને ફરી ફરીને ચેતવણીઆે આપી છે કે તેણે પોતાની ધરતી પરથી આતંકીઆેને અને આતંકીના અડ્ડાઆેને સાફ કરી નાખવા પડશે પરંતુ પાકિસ્તાન હજુ સુધી અમેરિકાની આ વોનિ¯ગને ગંભીરતાથી લેતું નથી અને ઉલ્ટાનું ભારત વિરૂધ્ધ એમની હિંસક પ્રવૃિત્તઆે વધી રહી છે. પાકિસ્તાનમાં નવી ક્રાંતિ થશે અને પરિવર્તન જોવા મળશે તેવી આશા હતી કારણકે ઈમરાનખાન પોઝિટિવ એટીટયુડ સાથે આગળ વધવા માગે છે તેવી ચર્ચા હતી. જો કે ઈમરાને પોતાના દેશ માટે કેટલાક પગલાં લીધા છે પરંતુ ભારત તરફી જે આતંકી સંગઠનોની આક્રમકતા છે તેને અટકાવવાનો હજુ સુધી કોઈ પ્રયાસ કર્યો નથી. ન્યુયોર્કમાં ભારત અને પાકિસ્તાન બંનેના વિદેશ મંત્રીઆેની બેઠક લગભગ નકકી થઈ ગઈ હતી. ભારતે પોતાની સહનશીલતાની ઉંચાઈ બતાવીને ન્યુયોર્કમાં આ બેઠક કરવા માટે સંમતિ આપી દીધી હતી પરંતુ એ પહેલા જ કાશ્મીરમાં પોલીસ આેફિસરોની હત્યા કરીને આતંકીઆેએ હાહાકાર મચાવી દીધો છે અને પોલીસ પરિવારોમાં રીતસરનો ભય ફેલાઈ ગયો છે. છેલ્લા અહેવાલો મુજબ 47 જેટલા પોલીસ અધિકારીઆે અને અન્ય કર્મચારીઆેએ રાજીનામા આપવાની દરખાસ્ત મુકી છે. આતંકીઆેએ એવી ધમકી આપી છે કે પોલીસની નોકરી છોડો નહીતર મરવા માટે તૈયાર રહો. તેમણે આ એક અલગ પ્રકારની હિંસક પ્રવૃિત્ત શરૂ કરી છે અને કાશ્મીરમાં વાત વધુને વધુ વણસી રહી છે. ઈમરાનખાન જો ખરેખર પોઝિટિવ એકશનમાં માનતા હોય તો એમણે સૌપ્રથમ સરહદ પરની આ ઘટનાઆેને શાંત કરવા માટેના પગલાં લેવા પડશે અને ત્યારબાદ જ ભારત સાથે સંવાદ કરવાનો આગ્રહ એમણે રાખવો જોઈએ. વિશ્વને રિયલાઈઝ થઈ જવું જોઈએ કે પાકિસ્તાને ખરેખર આતંકીઆે વિરૂધ્ધ પગલા લીધા છે અને હવે ભારત સાથે વાટાઘાટોનો માર્ગ ખોલવો જોઈએ.

ઈમરાનખાને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને તેમાં એવી આેફર કરી છે કે ચાલો આપણે ફરીવાર સાથે બેસીને વાટાઘાટો કરીએ અને અલગ અલગ મુદ્દાઆેને સુલઝાવવાનો પ્રયાસ કરીએ પરંતુ કમનસીબી એ છે કે સમસ્યાઆે વધુને વધુ પેદા કરવામાં આવી રહી છે. વાતને જાણી જોઈને બગાડવામાં આવી રહી છે. ચીનની ઘુસણખોરી ભારતમાં વધી રહી છે તે જોઈને તેના ભાઈબંધ પાકિસ્તાને પણ પોતાની હિંસક વૃિત્ત વધારી હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. એમ બની શકે છે કે ચીન અને પાકિસ્તાને ભારતને પરેશાન કરવા માટે ગુપ્ત સમજુતિ કરી લીધી હોય અને પોતાની આ વ્યુહરચના મુજબ તેઆે બંને ભારત વિરોધી એકશનમાં આગળ વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે હવે આ બંને દેશોને જડબાતોડ જવાબ આપવા માટેની નકકર વ્યુહરચના ઘડી લેવી જોઈએ. થોડાક સાહસિક પગલાંઆેની જરૂર પડે તો તેમાં પણ હવે મોદી સરકારે હિચકિચાટ અનુભવવો જોઈએ નહી કારણકે સહનશિક્તની મર્યાદા આવી ગઈ છે અને વાત દિન પ્રતિદિન બગડતી જાય છે. દેશની જનતામાં વિશ્વાસનું લેવલ ડાઉન થતું જાય છે. મોદી સરકારે ચીન અને પાકિસ્તાન બંનેને સબક શીખવાડવા માટે અને આપણી સરહદોને શાંત અને ઘુસણખોરીમુકત બનાવવા માટે સાહસિક પગલા લેવાનો સમય ખરેખર પાકી ગયો છે. હવે વાતો કરવાનો અને ઈલેકટ્રાેનિક ચેનલો પર મોટી મોટી બડાશો હાંકવાનો સમય પુરો થઈ ગયો છે. હવે તેનાથી જનતા પ્રભાવિત થતી નથી. હવે તો એકશન લે એ જ ભાયડો.

Comments

comments

VOTING POLL