ચૂંટણી ઢંઢેરાના વાયદા પૂરા નહીં કરનારાઓને સખત જેલની સજાનો કાયદો શા માટે નહીં ?

April 9, 2019 at 9:34 am


‘જો વાદા કિયા વો નિભાના પડેગા, રોકે જમાના ચાહે, ચાહે રોકે ખુદાઈ, તુમકો આના પડેગા’ આ ગીતની પંક્તિઓ બે પ્રેમીઓ વચ્ચેના આંતરિક મેસેજ પર પ્રકાશ પાડે છે. પ્રેમીઓ ક્યારેક વાયદો નીભાવે છે અને ક્યારેક નિષ્ફળ પણ જાય છે. સો ટકા પ્રેમીઓ ગદ્દાર નથી હોતા પરંતુ ચૂંટણીની અને રાજકારણની વાત કરીએ અને રાજનેતાઓની મનોદશા પર ઈમાનદારીથી નજર નાખીએ તો એવું તારણ નીકળે છે કે આ લોકો માટે વાયદા એ વાસ્તવિક રીતે ગરીબોને ઉલ્લું બનાવવા માટેનું એક સોફટ હથિયાર છે. એક લાલચ, પ્રલોભન અને મુર્ખ બનાવવાની સ્કિમ છે તેવા કટાક્ષ હવે સોશ્યલ મીડિયામાં ફરતા થયા છે. સોશ્યલ મીડિયા આવ્યા બાદ દેશની જનતામાં આવેલા વૈચારિક પરિવર્તન અને સમજણની જાણકારી આપણને મળતી થઈ છે. લોકસભાની ચૂંટણી એ આપણા રાજકીય પક્ષો માટે જીવન-મરણ જેવો જંગ બની ગઈ છે. દેશની સેવા કરવા માટે આટલી બધી તડપ, આટલો ઉશ્કેરાટ, આટલી ગાળાગાળી, ધમાચકડી ભલા કોણ કરતું હશે ? તો જવાબ મળે છે કે ખરેખર દેશની સેવા કરવા માટે આ લોકો ઉતાવળા છે કે અમીર ઉંમરાઓ બનવા માટે ઉતાવળા છે.
તાજેતરમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે સર્વે થયા હતા તેમાં દેશની જનતાએ શરમ રાખ્યા વગર એવો અભિપ્રાય આપ્યો હતો કે એમને રાજકીય પક્ષોમાં લેશમાત્ર વિશ્ર્વાસ નથી બલ્કે ભારતની સેનામાં જ સંપૂર્ણ શ્રદ્ધા છે. આવી સ્થિતિમાં 2019ની લોકસભાના મહાસંગ્રામ જેવી ચૂંટણીના ઢંઢેરા બહાર પડી રહ્યા છે. અલગ અલગ રાજ્યોમાં નાની-નાની પાર્ટીઓ અને પ્રાદેશિક મહત્ત્વની પાર્ટીઓએ ઢંઢેરા જાહેર કયર્િ છે અને લોકોને આંબા-આંબલી બતાવ્યા છે ત્યારબાદ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે અને તેની ટીકા પણ ભાજપે સખત રીતે કરી છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો પણ રાજકીય યુદ્ધનું નિમિત્ત બની ગયો છે. જો કે આ તો એ લોકોની અંદરોઅંદરની લડાઈ 75 વર્ષથી ચાલી આવે છે પરંતુ આપણે વાત એ કરવાની છે કે કેટલા ચૂંટણી ઢંઢેરા જાહેર થયા અને તેમાંથી કેટલા વાયદા સાંગોપાંગ પાર ઉતયર્િ છે તેની ચિંતા કે પરવાહ કોઈ રાજકીય પક્ષે કરી છે ખરી?
કેટલાક લોકોના મોઢે અને ખાસ કરીને બુઝર્ગોના મુખેથી એવી કટાક્ષભરી કટારો સાંભળવા મળે છે કે ચૂંટણી ઢંઢેરા એ બીજું કંઈ નથી બલ્કે લોકોના અરમાનો માટેના નવા કફન છે. અરમાનો ક્યારેય પૂરા થવાના નથી પરંતુ લોકોની અપેક્ષાઓ અને વિશ્ર્વાસની ડેડબોડીઓ પર આ લોકો દર વખતને નવું કફન કહેરાવી દે છે. એમના માટે આ એક બિઝનેસ છે, એક ફેશન છે, એક ઔપચારિકતા છે. જનતા માટે આ ત્રાસ સહન કરવાની ધરાર ફરજ પાડતી પ્રક્રિયા છે. દેશના સાચા નાગરિક તરીકે અને રાષ્ટ્રના વાસ્તવિક વિકાસનો વિચાર કરીએ તો એવી માગણી કરવાનું મન થાય છે કે ચૂંટણી ઢંઢેરામાં થયેલા વાયદા પૂરા નહીં કરવાને ગંભીર અને રાષ્ટ્રીય અપરાધ ગણીને તેના માટે આકરામાં આકરી સજાની જોગવાઈ થવી જોઈએ અને આ માટે નવો કાયદો બનવો જોઈએ. દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે કાયદા બને છે. બંધારણમાં સુધારા થાય છે. સુધારેલા ખરડાઓ મુકાય છે તો આવી મહત્ત્વની બાબતો માટે કાયદો ઘડવાનું કેમ કોઈને સુઝતું નથી ? આ વિચાર ખરેખર દાદ માગી લ્યે એવો છે પરંતુ રાજકીય પક્ષો આ વિચારને ક્યારેય મૂર્તિમંત થવા દેશે નહીં તેની પણ ગળા સુધીની ખાતરી છે. કારણ કે એમના હિતો ઘવાય છે ત્યારે આ બધા એક થઈ જાય છે. એમના પગાર અને ભથ્થાની વાત આવે તો સંસદમાં સામસામે ઝભ્ભા અને લેંઘા ઉતારનારા આ રાજકીય પક્ષો ભાંડની જેમ એક અવાજમાં ગીત ગાવા માંડે છે. એમને ખરેખર પબ્લીકની પડી નથી કે પબ્લીકના બેઝીક પ્રશ્ર્નો, એમની આંતરપીડા કે એમના સુખ સમજવાની કે હલ કરવાની કોઈ પરવાહ નથી. આ વાત સમજાવવાની હવે જર પણ રહી નથી કારણ કે દેશની જનતા વર્ષોથી આ તમાશો જોઈ રહી છે. અત્યાર સુધી દેશમાં 16 જેટલી લોકસભાની ચૂંટણીઓ થઈ છે અને સેંકડો ઢંઢેરા બહાર પડયા છે અને તેમાંથી કેટલા વાયદા સાકાર થયા છે તેની તપાસ કરવાની કોઈને પડી નથી તો પછી તેના માટે એક અલગ અને સખત કાયદો બનાવવામાં આવે જેનાથી રાજકીય પક્ષો દેશ પ્રત્યે વધુ ઈમાનદાર, જવાબદાર અને ગંભીર બને અને જનતાને પણ તેના રસોડા ચલાવવામાં અને જીવન પસાર કરવામાં ઘણી સરળતા અને સુગમતા રહે.

Comments

comments

VOTING POLL