ચૂંટણી પંચ બન્યું મહા ‘શક્તિમાન’

April 17, 2019 at 8:53 am


આચારસંહિતાના અમલ માટે પુરા પ્રયાસો કરતા ચૂંટણી પંચે આ વખતે ફૂફાડો માર્યો છે અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, બસપાનાં વડાં માયાવતી, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી ને વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ નિશ્ર્ચિત કલાકો માટે પ્રચાર બંધ કરવાની શિક્ષા કરી હતી. આ પ્રકારનું પગલું લઈને ચૂંટણી પંચે પોતે મહા શક્તિમાન હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે. લોકસભા ચૂંટણી પ્રચારમાં વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચની કામગીરી પર સુપ્રીમ કોર્ટે પણ સંતોષ વ્યક્ત કર્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું કે લાગે છે કે, ચૂંટણી પંચને તેમની શક્તિઓ પરત મળી ગઈ છે.
સુપ્રીમ કોર્ટે શારજાહની એક એનઆરઆઈ યોગા શિક્ષિકાની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં વાંધાજનક ભાષણ કરનારા નેતાઓ કે જે ચૂંટણી પ્રચાર દરમિયાન જાતિ-ધર્મના આધારે ટિપ્પણી કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કડક પગલાંની માગણી કરાઈ હતી. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદિત નિવેદનો આપવા અંગે પંચને કાર્યવાહી કરવા અંગે પૂછ્યું તો પંચે જણાવ્યું કે અમે આવા કિસ્સામાં ફક્ત નોટિસ મોકલીને જવાબ માગી શકીએ છીએ. જેનાથી નારાજ બેંચે જણાવ્યું હતું કે શું તમે એમ કહેવા માંગો છો કે તમે સત્તાહિન છો.સુપ્રીમ કોર્ટની લાલ આંખ બાદ પંચે સપાટો બોલાવ્યો છે તેમ ચોક્કસ કહી શકાય.

Comments

comments