જમ્મુ કાશ્મીરની ધારા ૩૭૦ હટાવવાના સમર્થનમાં બોલીવુડ સેલીબ્રીટીઝે આપી પ્રતિક્રિયા….

August 6, 2019 at 11:01 am


સોમવારના રોજ ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવાની ભલામણ કરી અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સિવાય લદ્દાખ પણ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે તેવી ઘોષણા કરવામાં આવી છે. ત્યારે આ બદલાવને રાષ્ટ્રપતિ તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. સરકારના આ નિર્ણય પર લોકોની જુદી-જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. તો સાથે સરકારના ધારા 370 હટાવવાના નિર્ણય પર બોલિવૂડની હસ્તીઓ પણ સોશિયલમીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહી છે. ઝાયરા વસીમ, કંગના રનૌત, અનુપમ ખેર, વિવેક ઓબેરોય, રવીના ટંડન, પરેશ રાવલ જેવા કલાકારોએ ટ્વીટ કરીને પોતાના પ્રતિભાવો આપ્યા છે. કંગના રનૌતે લખ્યું, ‘આતંક મુક્ત ભારત માટે આ પગલું ખૂબ જ સારું છે. આ નિર્ણય સર્વોત્તમ છે. હું તેમને ઘણા પહેલાથી જ સરાહતી આવી છું. અને હું ખૂબ જ સારી રીતે જાણું છું કે પીએમ મોદી જ છે કે જે દેશનો ઉદ્ધાર કરી શકે છે. આખા ભારતને અભિનંદન આપું છું. આપણે બધા સાથે છીએ અને એક સારી આવતીકાલ તરફ આગળ વધી રહયા છીએ.’ અનુપમ ખેરે ટ્વીટર પર લખ્યું, ‘કાશ્મીરની મુશ્કેલીઓનો હલ નીકળવા લાગ્યો…’ તો સાથે અભિનેતા વિવેક ઓબેરોયે પણ ટ્વીટ કરીને પીએમ મોદી અને અમિત શાહને અભિનંદન આપ્યા હતા. વિવેકે લખ્યું, ‘આભાર નરેન્દ્ર મોદી અને અમિત શાહ… આ નિર્ણય માટે તમને સલામ છે.’ પરેશ રાવલે વડાપ્રધાન મોદીની એક જૂની તસ્વીર શેર કરીએ લખ્યું, ‘તમને સો સો સલામ.’ તેમજ દિયા મિર્ઝાએ પણ આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘હું કાશ્મીરમાં શાંતિની પ્રાર્થના કરું છું.’ બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડને પણ આ નિર્ણય પછી કઈ પણ લખ્યા વિના જ ભારતના ઝંડાવાળી ઘણી ઈમોજી શેર કરીને વ્યક્ત કર્યું છે કે તેઓ આ નિર્ણયથી ખુશ છે. ફિલ્મ ભૂતનાથના ડિરેક્ટર વિવેક શર્માએ લખ્યું છે, ‘લાગે છે મહાદેવ તાંડવ મુદ્રામાં છે. મોદી છે, તો મુમકીન છે.’ અભિનેત્રી કોઈના મિત્રાએ ટ્વીટર પર લખ્યું, ‘કાશ્મીર ભગવાન શિવનું ઘર છે. હવે એ હંમેશા માટે અમારું છે.’ અભિનેતા કમાલ આર ખાને લખ્યું, ‘ભારતમાં ક્યારેય પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદીથી વધુ ચતુર અને તાકાતવર રાજનેતા નહિ હોય. એ બંને સાચી મિત્રના સૌથી મોટા ઉદાહરણ છે. એ બંને એકબીજાનો સાથ ખૂબ જ ખરાબ સમયમાં પણ નથી છોડતા અને આ જ કારણ છે કે આજે તેઓ દેશ પર શાસન કરી રહયા છે.’ અભિનેત્રી પાયલ રોહતગીએ પણ એક વિડીયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે અને દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. અભિનેત્રી ગુલ પનાગે પણ ઘણા ટ્વીટ્સ કર્યા છે, જેમાં લખ્યું છે, ‘370 ગયું, આ એક અતુલનીય પગલું છે. શુભકામનાઓ.’ અને વિક્રાંત મેસ્સીએ લખ્યું, ‘મને લાગતું ન હતું કે ક્યારેય હું કહીશ… પરંતુ આભાર બીજેપી, અમિત શાહ અને નરેન્દ્ર મોદી.’ આમ મોટાભાગના બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

Comments

comments