જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યાના ચકચારી કેસમાં રાજય સરકાર દ્વારા રાજકોટના સ્પે. પીપી ની નિમણુંક

August 22, 2018 at 12:22 pm


જામનગર તા. ૨૨ : જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોશીની સરાજાહેર નિર્મમ હત્યા નિપજાવવા અંગેના અતિ ચકચારજનક કેસમાં જામનગર બાર. એસો. જામનગર બ્રહ્મ સમાજ તેમજ એડવોકેટના પરિવારની માંગણીને ધ્યાનમાં રાખીને રાજય સરકાર દ્વારા રાજકોટના પ્રખ્યાત એડવોકેટની સ્પે. પી પી તરીકે નિમણુંક કરી છે.

જામનગર શહેરમાં અને ખાસ કરીને જામનગરના વકીલ વર્તુળમાં ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજને હચમચાવી નાખનારા આ ચકચારી હત્યા કેસની વિગતો એવી છે કે જામનગરમાં ટાઉન હોલ વિસ્તારમાં જયોત ટાવરમાં ઓફીસ ધરાવતા અને વકીલ મંડળમાં સારૂ એવુ નામ ધરાવતા એડવોકેટ કિરીટ એચ. જોશીની ભાડુતી હત્યારાઓ દ્વારા તા. ૨૮-૦૩-૨૦૧૮ ની રાત્રીએ ટાઉન હોલ જેવા ભરચકક વિસ્તારમાં છરીના અસંખ્ય ઘા ઝીંકી દઇ સરાજાહેર નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી.

આ બનાવ અંગે મૃતક એડવોકેટના નાના ભાઇ કે જેઓ પણ વકીલાત કરે છે તે અશોક એચ. જોશી દ્વારા જામનગરના સીટી ”બી”” ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઇ હતી. જેમાં જામનગરના જ કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ દ્વારા પુર્વ યોજીત કાવત્રુ ઘડી ભાડુતી માણસોને સોપારી આપી હત્યા નિપજાવાઇ હોવાનું ફરીયાદમાં જણાવાયું હતું આ હત્યા કેસની તપાસ સીધા જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા ચલાવવામાં આવી હતી.

જે હત્યા પ્રકરણમાં છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે મોટરકાર – મોબાઇલ ફોન – પેન ડ્રાઇવ કોમ્પ્યુટરને લગતું સાહિત્ય અને સોપારી મારફતે મેળવાયેલી રોકડ રકમ વગેરે કબ્જે કરાયા હતા અને જુદા-જુદા છ રાજયોમાં તપાસ લંબાવાઇ હતી જયારે મુખ્ય સુત્રધાર જયેશ પટેલ કે જે વિદેશ ભાગી ગયો હોવાથી રેડ કોનર્ર નોટીશ જારી કરાઇ છે અને હજુ ચાર આરોપીઓની શોધખોળ ચલાવાઇ રહી છે. પખવાડીયા પહેલા જામનગરની અદાલતમાં અંદાજે પાંચ હજાર કેસ કાગળો સાથેનું ચાર્જશીટ જામનગરની અદાલતમાં રજુ કરી દેવાયું છે.

જામનગરની અદાલત સમક્ષ કેસ ચાલવા ઉપર આવે તે દરમ્યાન જામનગર બાર એસોસીએશન જામનગર શહેર-જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત એડવાકેટ કિરીટભાઇ જોશીના પરિવાર વગેરેની ઉગ્ર રજુઆત અને માંગણીને ધ્યાને લઇને ગઇકાલે સાંજે રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા સ્પે. સરકારી વકીલ (પબ્લીક પ્રોસીકયુટર) ની નિમણુંક કરવાનો આદેશ કર્યો છે અને રાજકોટના ખ્યાતનામ એડવોકેટ અનિલ દેસાઇની ઉપરોકત ચકચારી હત્યા કેસમાં સ્પે. પીપી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

રાજકોટના ખુબ જ જાણીતા એડવોકેટ અનિલ દેસાઇ હાલમાં રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ છે અને અગાઉ પાંચ વર્ષ સુધી રાજકોટમાં પબ્લીક પ્રોસીકયુટર તરીકેની ખુબ જ અસરકારક રીતે કામગીરી કરીને પોતાની ફરજ બજાવી ચુકયા છે. ગુજરાત રાજય સરકાર દ્વારા અગાઉ પણ સૌરાષ્ટ્ર ભરના અનેક ચકચારી કેસોમાં તેઓની સ્પે. પી પી તરીકેની નિયુકિત કરાઇ હતી અને મુળ ફરીયાદ પક્ષને ન્યાય અપાવવામાં સફળ રહ્યા હતા.

આ ઉપરાંત જામનગરના એડવોકેટ કિરીટ જોશી કે જેઓની હત્યા થઇ છે તેઓ આરોપી જયેશ પટેલ સામેનો જમીનનો કેસ લડી રહ્યા હતા. જેના જામીન અંગેના કેસમાં પણ એડવોકેટ અનિલ દેસાઇ રોકાયા હતા. જામનગર બાર એસો. બ્રહ્મ સમાજ અને એડવોકેટના નાના ભાઇ અને કેસના ફરીયાદી અશોક એચ. જોશી તથા તેમના પરિવારની બુલંદ માંગણીને ધ્યાને લઇને રાજય સરકારના ગૃહ નિમાર્ણ વિભાગ દ્વારા આ નિમણુંક કરાઇ હોવાથી એડવોકેટના પરિવારને આ કેસમાં પુરતો ન્યાય મળી રહેશે તેવી આશા વ્યકત કરાઇ છે અને કેસની લડતમાં મજબુતાઇ આવશે.

Comments

comments

VOTING POLL