જામનગરના વૃધ્ધની રાજકોટમાં હનીટ્રેપમાં હત્યા

January 23, 2019 at 11:32 am


રાજકોટના રૈયાધારમાં શાંતિ નિકેતન સોસાયટીમાં જામનગરના આણદાબાવા ચકલા પાસે રહેતા 65 વર્ષિય વૃધ્ધની હનીટ્રેપમાં હત્યા થતાં સનસનાટી મચી ગઈ છે. આ બનાવમાં પોલીસે બે યુવતી સહિત ત્રણને સકંજામાં લીધા છે. જ્યારે એક શખસ ફરાર થઈ ગયો હતો જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. રાજકોટમાં જામનગરના વૃધ્ધને મળવા બોલાવી તેની સાથે મોજમજા કરી યુવતીએ અને તેના સાગરીતોએ તેની બ્લૂ ફિલ્મ ઉતારી લીધી હતી અને રૂપિયા પડાવવા માટે વૃધ્ધને માર મારતાં તેનું મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

મળતી વિગતો મુજબ રાજકોટના રૈયાધાર શાંતિનિકેતન સોસાયટી પાસે એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ મોડીરાત્રે કોઈએ પોલીસને કરી હતી. યુનિવસિર્ટી પોલીસ મથકના પીઆઈ બી.બી. ગોયલ અને તેમની ટીમ શાંતિ નિકેતન સોસાયટી પાસે પહાેંચી હતી જ્યાં એક મકાનમાંથી વૃધ્ધની લાશ મળી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો અને આ પ્રકરણમાં તપાસમાં પોલીસે ગાયત્રી, વંશિકા અને અલી નામના શખસને સકંજામાં લીધા હતા.

પ્રાથમિક તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું બહાર આવ્યું હતું. મૃતક અંગે આેળખ મેળવવા પોલીસે તેના મોબાઈલના આધારે તપાસ કરતાં આ લાશ જામનગરના આણદાબાવા ચકલા પાસે રહેતા અને કારખાનું ધરાવતાં તેમજ શેરબજારનું કામ કરતાં કિરીટભાઈ ચંદુભાઈ મહેતા (ઉ.વ.65)ની હોવાનું ખૂલ્યું હતું. તપાસમાં કેટલીક ચાેંકાવનારી હકિકત સામે આવી હતી જેમાં કિરીટભાઈ મહેતાને ગઈકાલે રાજકોટની ગાયત્રી અને વંશિકાએ ફોન કરીને મોજમજા કરવા રાજકોટ બોલાવ્યા હતા અને આ ટોળકીએ હનીટ્રેપમાં વૃધ્ધને ફસાવ્યા હતા.

રાજકોટની શાંતિ નિકેતન સોસાયટીમાં મળવા આવેલા કિરીટ મહેતાએ યુવતી સાથે મોજમજા કરી હતી જેનું મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું અને આ ટોળકીએ આ વીડિયો રેકોર્ડિંગ કિરીટ મહેતાને બતાવી તેની પાસે રૂપિયાની માગણી કરી હતી. રૂપિયા આપવાની કિરીટભાઈએ ના પાડતાં તેની સાથે મારામારી કરી હતી અને તે દરમિયાન કિરીટભાઈનું મોત થઈ ગયું હતું.

આ ઘટનામાં ગાયત્રી, વંશિકા અને અલી સાથે યાસીન નામનો એક શખસ પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. કિરીટભાઈના મોત બાદ યાસીન અને અલીએ કિરીટભાઈની લાશનો નિકાલ કરવા માટે મીઠાના બાચકા મગાવ્યા હતા તે દરમિયાન જ પોલીસને નનામો ફોન આવ્યો હોય પોલીસ ઘટનાસ્થળે પહાેંચતા આ ટોળકીનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે વંશિકા, ગાયત્રી અને અલીને સકંજામાં લીધા છે. જ્યારે યાસીન ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરી છે.

ગાયત્રી અગાઉ પણ તોડકાંડમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે

હનીટ્રેપમાં કિરીટ મહેતાની હત્યા પ્રકરણમાં પોલીસે તપાસ કરતાં આ બનાવમાં સંડોવાયેલી ગાયત્રી નામની યુવતી અગાઉ પણ આ જ મોડેસ આેપરેન્ડીથી તોડ કરવાના પ્રકરણમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે અને તે થોડા સમય પૂર્વે જ જામીન ઉપર મુકત થઈ છે. ગાયત્રીએ એક કારખાનેદારને ફોન ઉપર મળવા બોલાવ્યા બાદ તેને માધાપર ચોકડી પાસે મળવા બોલાવી મોબાઈલમાં શૂટિંગ ઉતારી તેની પાસેથી બ્લેકમેઈલ કરી મોટી રકમ પડાવી હતી. આ પ્રકરણ બાદ ફરી વખત હનીટ્રેપમાં જ ગાયત્રી વિવાદમાં આવી છે. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે.

કિરીટભાઇના બે સંતાનો વિદેશમાં રહે છે, પત્નીનું 19 વર્ષ પૂર્વે અવસાન થયું છે

રાજકોટમાં હનીટ્રેપમાં જેની હત્યા થઈ તે કિરીટભાઈ મહેતાના પત્નીનું બિમારી સબબ 19 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. તેમના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર હેમાંગ કેનેડા અને પુત્રી ખ્યાતિ લંડન હોવાનું અને બન્નેના લગ્ન થઈ ગયા હોવાનું જાણવા મળે છે. કિરીટભાઈ બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતા અને તેમના બે ભાઈનું અગાઉ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Comments

comments

VOTING POLL