જામનગર-મુંબઈ વચ્ચે દોડતી ‘હમસફર’ ટ્રેનમાં મુસાફરી સસ્તી થઈ

September 14, 2019 at 11:51 am


રેલયાત્રિકોને મોટી રાહત આપતાં રેલવેએ પ્રિમીયમ શ્રેણીની હમસફર ટ્રેનોમાંથી ફ્લેક્સી ફેયર યોજનાને ખતમ કરી દીધી છે. આ પગલાંથી હવે હમસફર પ્રકારની ટ્રેનોમાં મુસાફરી કરવી સસ્તી બનશે. રાજકોટથી પણ આ ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ જામનગર-મુંબઈ વચ્ચે દોડતી હોય તેમાંથી પણ ફ્લેક્સી ફેયર હટી જતાં હવે સસ્તા ભાડે સફર કરી શકાશે. આ ઉપરાંત ટ્રેનમાં ચાર સ્લીપર કોચ પણ ઉમેરવામાં આવશે.
રેલવેએ આ રેલગાડીઆેમાં સ્લીપર કોચ લગાવવાનો પણ નિર્ણય લીધો છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ રાહત 35 જોડી હમસફર રેલગાડીઆેમાં લાગુ થશે જેમાં અત્યારે માત્ર એસી શ્રેણીના કોચ લાગેલા હોય છે. ફલેક્સી ફેયરને કારણે મોટાભાગની હમસફર ટ્રેનોમાં સીટો ખાલી પડી રહેતી હતી જેના કારણે રેલવેએ ભાડામાં ઘટાડો કરવા નિર્ણય લીધો છે.

અધિકારીએ કહ્યું કે હમસફર રેલગાડીઆેમાં તત્કાલ ટિકિટભાડું પણ ઘટાડવામાં આવ્યું છે. આ ભાડું હવે મુળ ભાડાના દોઢ ગણાની જગ્યાએ 1.3 ગણું વસૂલવામાં આવશે. દેશભરની તમામ 35 જોડી હમસફર ટ્રેનોમાં હવે કમ સે કમ બે સ્લીપર કોચ પણ લગાવવામાં આવશે જેના કારણે સામાન્ય લોકો આેછા ભાડામાં પોતાની સફર કરી શકે. ઉલ્લેખનીય છે કે રાજકોટથી સપ્તાહમાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર, બુધવાર અને રવિવારે આ ટ્રેન જામનગરથી મુંબઈ વચ્ચે દોડે છે પરંતુ તેમાં માત્ર એસી કોચ જ હોય ટિકિટ બુકિંગને જોઈએ તેવો પ્રતિભાવ મળ્યો નહોતો. જો કે હવે ચાર સ્લીપર કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવતાં અને ફ્લેક્સી ફેયર હટાવવામાં આવતાં ટ્રેન હાઉસફૂલ થઈ જવાની સંભાવના છે.
દરમિયાન અલ્હાબાદથી દિલ્હી વચ્ચે દોડનારી હમસફર એક્સપ્રેસમાં શુક્રવારથી જ ચાર સ્લીપર કોચ લગાવી દેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તેમાં ફલેક્સી ફેયર પણ લેવામાં આવ્યું નહોતું. સાથે સાથે અલ્હાબાદ દિલ્હી વચ્ચે હવે હમસફર એક્સપ્રેસની સેવા દરરોજ શરૂ કરી દેવાઈ છે.

Comments

comments