જેટ ઍરવેઝ બંધ થઈ તે જાણીને વિજય માલ્યા દુ:ખી દુ:ખી, સરકાર સામે બળાપો કાઢ્યો

April 18, 2019 at 11:32 am


જેટ ઍરવેઝના સ્થાપક નરેશ ગોયલને પોતાનો ટેકો જાહેર કરતા ભાગેડુ વિજય માલ્યાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પોતાનો બળાપો કાઢયો હતો.
સરકારી બેંકો સાથે રૂ. 9000 કરોડના કથિત નાણાં કૌભાંડના આરોપી માલ્યાએ સરકારી કંપ્ની ઍર ઇન્ડિયાને દેવામાંથી ઉગારવા પણ જેટ ઍરવેઝને મદદ ન કરવાનો કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો.

માલ્યાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે જેટ ઍરવેઝ એક જમાનામાં કિંગ ફિશરની પ્રતિસ્પર્ધી કંપ્ની હોવા છતાં બંધ થઈ છે તે જાણીને મને દુ:ખ થાય છે. સરકારે ઍર ઇન્ડિયાને દેવામાંથી ઉગારવા રૂ. 35000 કરોડ ફક્ત એ સરકારી કંપ્ની હોવાથી આપ્યા એ યોગ્ય ન ગણાય. મેં મોટેપાયે કિંગફિશરમાં નાણાં રોકયા અને એ ઝડપથી ભારતની સૌથી મોટી કંપ્ની બની ગઇ. એ વાત સાચી કે એ માટે મેં સરકારી બેન્કોમાંથી નાણાં ઉધાર લીધા હતા, પણ હું એ 100 ટકા પાછા આપવા તૈયાર હોવા છતાં સરકારે મને ગુનેગાર ગણાવ્યો. આને ઍરલાઇન્સના નસીબ જ ગણો. અમે કટ્ટર પ્રતિસ્પર્ધી હોવા છતાં પણ નરેશ અને નીતા ગોયલને મારા તરફથી સહાનુભૂતિ કે જેમણે ભારત ગર્વ લઇ શકે એવી ઍર લાઇન્સ કંપ્ની સ્થાપી. ભારતમાં અનેક ઍર લાઇન્સ કંપ્નીઓ ખાડામાં ગઇ એ દુ:ખદ વાત છે.

માલ્યા હાલ જામીન પર છે અને એના ભારતને પ્રત્યર્પિણ સામેની અરજીની લંડન કોર્ટ સમક્ષ મૌખિક સુનાવણીની રાહ જોઇ રહ્યો છે.

Comments

comments