તમિળનાડુ : ભારે વરસાદથી ૨૫ના મોત, જીનજીવન ઠપ

December 2, 2019 at 8:25 pm


Spread the love

તમિળનાડુમાં ભારે વરસાદથી મુશ્કેલી સર્જાઈ ગઈ છે. વરસાદ સંબંધિત જુદા જુદા બનાવોમાં છેલ્લા ચાર દિવસમાં ૨૫ લોકોના મોત થઇ ચુક્યા છે. કોઇમ્બતુર જિલ્લામાં મેટ્ટુપાલિયમમાં એક સંકુલની દિવાલ તુટી પડતા ૧૭ લોકોના મોત થઇ ગયા હતા. મુખ્યમંત્રી પલાનીસામીએ ૨૫ લોકોના પરિવાર પૈકી દરેકને ચાર લાખ રૂપિયાના નાણાંકીય સહાયતાની જાહેરાત કરી દીધી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ૧૩૦૫ ઝુંપડપટ્ટીને નુકસાન થયું છે. ૧૦૦૦થી વધુ લોકોને રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તમિળનાડુ અને પુડ્ડુચેરીમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. રવિવારથી જ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયેલા છે. મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વરસાદ સંબંધિત બનાવોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સ્કુલ અને કોલેજામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સોમવારના દિવસે જ મુટ્ટુપાલિયમ વિસ્તારમાં નાદુર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં ત્રણ મકાનને નુકસાન થયું હતું અને ૧૭ લોકોના મોત થઇ ગયા હતા. આગામી ૨૪થી ૪૮ કલાકમાં ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. રામાનાથપુરમ, તુતીકોરિન, વેલ્લોર સહિતના વિસ્તારોમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદના કારણે મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટીમાં સોમવારની પરીક્ષાઓને રદ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદના કારણે જનજીવન ઉપર પણ માઠી અસર થઇ છે. તંત્ર બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત છે.