દાળના ભાવમાં જેટઝડપે લાગી રહેલો ‘વઘાર’: ભાવ 100ને પાર

June 11, 2019 at 10:25 am


દાળના ભાવમાં છેલ્લા બે મહિનાની અંદર જેટઝડપે ઉછાળો નાેંધાયો છે. અડદની દાળના જથ્થાબંધ ભાવ 100 રૂપિયાની પાર પહાેંચી ગયા છે. છેલ્લા બે મહિનામાં જથ્થાબંધ ભાવમાં આવેલી તેજીથી આ ઉછાળો જોવાયો છે. જો ચોમાસું સામાન્ય ન રહે તો દાળના ભાવ અને તેમાં પણ ખાસ કરીને અડદની દાળના ભાવ આસમાનને આંબી શકે છે.

અડદની દાળ બજાર અને મોલમાં 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. કોમોડિટી એજન્સી એનએનએસનું કહેવું છે કે છેલ્લા બે મહિનામાં જથ્થાબંધ ભાવમાં અંદાજે એક હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઉછાળો આવ્યો છે. લેમન તુવેર 5850 સુધી અને અડદની દાળ 7300 રૂપિયા સુધી પહાેંચી ચૂકી છે. દાળ પટકા 7600થી 8200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી છે. તેમનું કહેવું છે કે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઆેથી પાછલા એક સપ્તાહમાં ભાવ થોડા ઘટયા પણ છે પરંતુ જથ્થાબંધ વિક્રેતાઆેએ ભાવમાં ઘટાડો કર્યો નથી.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે દાળના ભાવ ઉંચા છે. દાળના મોટા ઉત્પાદક દેશ મ્યાનમારમાં પણ પાક આ વખતે અડધો રહ્યાે છે. તેમનું કહેવું છે કે અડદનો નવો પાક તો ડિસેમ્બર-જાન્યુઆરી સુધી આવવાનો નથી એવામાં તેજી યથાવત રહી શકે છે. બજારમાં ખોટા સમયે હસ્તક્ષેપ કરવાથી નુકસાન થાય છે. સરકારે ઉંચા ભાવ દરમિયાન 90 રૂપિયામાં બજારમાંથી દાળ ખરીદી અને પછી નાફેડના માધ્યમથી 30 રૂપિયામાં વેચી દીધી હતી. મસૂર અને ચણા પણ સસ્તા ભાવે વેચવામાં આવ્યા છે. ભાવ ઝડપથી નીચે જશે તો ખેડૂતોને પણ નુકસાન થઈ શકે છે.

Comments

comments