દુબઇના વ્યસ્ત એરપોર્ટ પાસે નાનું વિમાન તૂટી પડતા ચારનાં મોત

May 18, 2019 at 10:38 am


દુનિયાના સૌથી વધુ વ્યસ્ત આંતરરાષ્ટ્રીય વિમાનમથકોમાંના એક અહીંના આંતરરાષ્ટ્રીય વિમાનમથકની નજીક એક નાનું વિમાન તૂટી પડતાં ચાર જણ માયર્િ ગયા હતા. વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાળાઓએ તુરત જાહેર નહોતું કર્યું, પરંતુ ડાયમંડ ડીએ62 પ્રકારના આ વિમાનનો ટેલ નંબર ઇંગ્લેન્ડની શોરેહેમની ફ્લાઇટ કેલિબ્રેશન્સ સર્વિસ લિમિટેડનો હતો.

સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના મુલકી ઉડ્ડયન વિભાગે જણાવ્યું હતું કે આ વિમાનમાં ત્રણ બ્રિટિશ અને દક્ષિણ આફ્રિકાનો એક નાગરિક હતા અને તેઓ બચ્યા નથી.
દુબઇના એક મહત્ત્વના જળાશયની નજીક મુશરીફ પાર્કમાં આ દુર્ઘટના થઇ હતી. વિમાનમથક ખાતે ફ્લાઇટ્સનું આગમન અને ઉડ્ડયન રાતે 7.36 વાગ્યાથી રાતના 8.22 વાગ્યા સુધી બંધ રખાયું હતું. અગાઉ, ઇંગ્લેન્ડની શોરેહેમની ફ્લાઇટ કેલિબ્રેશન્સ સર્વિસ લિમિટેડે નવેમ્બરમાં જાહેર કર્યું હતું કે અમને દુબઇના વિમાનમથકનો રનવે ક્યાં છે અને ત્યાં કઇ રીતે ઉતરાણ કરવું તેની માહિતી આપતા વિમાનમથકની આસપાસની દીવાદાંડી ગણાતા નેવેડ્સનો કોન્ટ્રેક્ટ મળ્યો છે.

દુબઇ વિમાનમથકના સત્તાવાળાઓએ અમુક ફ્લાઇટના સમયમાં ફેરફાર કર્યો હતો, જ્યારે કેટલીક ફ્લાઇટને દુબઇ વર્લ્ડ સેન્ટ્રલના અલ મક્તોમ વિમાનમથક ખાતે વાળવામાં આવી હતી. સંયુક્ત આરબ અમીરાતમાં દુબઇ મહત્ત્વનું રજવાડું છે અને અહીં આંતરરાષ્ટ્રીય મુસાફરોનું મોટી સંખ્યામાં આગમન થાય છે.

Comments

comments

VOTING POLL