દૂધ છોડો, તમારા જોખમે જીવી લ્યો, ભેળસેળના બિછાને ખુશ્બુદાર મોત પામી લ્યો…!

April 9, 2018 at 8:46 pm


પણી સિસ્ટમમાં જે ઘડ પડી જાય છે તે પછી કયારેય સીધી થતી નથી એટલે કે તેમાં ફેરફારનો અવકાશ રહેતો નથી. પછી ભલે ગમે તેની સરકાર આવે. ૨૪ ઈંચ, ૩૪ ઈંચ, ૫૬ ઈંચ કે ૭૬ ઈંચ વાળી સરકાર આવે તો પણ આ ઘડને તોડવા માટે તેઓ કરૂણ રીતે રકાસ પામતા હોય છે. ખાસ કરીને લોકોના આરોગ્ય અને એમના બેઝીક અધિકારોની વાત આવે ત્યારે ચિંતા ખુબ જ ઉંડી બની જાય છે. હવે ઘર ઘરમાં ચિંતાની આગ લાગી ચુકી છે કારણકે દૂધમાં પણ ભેળસેળ અને ભયંકર પ્રકારની ભેળસેળ બહાર આવી છે. રાજયભરમાં દૂધમાં ભેળસેળની ફરિયાદ થયા બાદ સરકારે કાર્યવાહી કરવા આદેશ કર્યેા અને ફુડ એન્ડ ડ્રગ્ઝ કચેરીના ગુજરાત રાજયમાં ૧૫૦ સ્થળે દરોડા પડયા. મિલ્ક સ્કેનર પર અને લેબોરેટરીમાં ટેસ્ટીંગની પ્રક્રિયા શરૂ થઈ છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, અમરેલી, ભુજ સહિતના વિસ્તારોમાંથી અઢીસોથી વધુ નમુના લેવામાં આવ્યા છે. ચિંતાની બાબત એ છે કે લોકોને હવે બધું જ નકલી અને ભેળસેળીયું મળી રહ્યું છે. એમની નસેનસમાં એક જોખમી પ્રવાહ વહેતો થયો છે. જેને કોઈ અટકાવી શકે એમ નથી. સિન્થેટીક દૂધનો વેપાર છાતી ખોલીને લોકો કરી રહ્યા છે. ગુજરાતમાં દૂધની ગુણવત્તા ખરેખર નિયમ મુજબની જ હતી કે કેમ? તે ચેક કરવાનું હવે તંત્રવાહકોને યાદ આવ્યું છે અને દરોડાના નાટક શરૂ થયા છે. ગાયના દૂધના નામે લુઝ દૂધનું વેચાણ કરનારા લોકોને રોકી રોકીને એમની પાસેથી સેમ્પલો લેવામાં આવ્યા છે. ભેંસના દૂધના છુટક વેચાણકારોને પણ અટકાવીને નમુના લેવાયા છે. સફેદ દૂધના આ કાળા કારોબારની ક્રૂર કહાની લોકોના આરોગ્ય માટે અત્યતં જોખમી છે અને ભારે ઉંડી ચિંતા જગાવનારી છે. ક્રૂરતા શબ્દનો પ્રયોગ એટલા માટે કરવો પડયો છે કે સામાન્ય રીતે દૂધમાં એમોનીયમ સલ્ફેટ, યુરિયા, માલ્ટો ડેકસ્ટ્રીન, પાણી અને સુક્રોઝની ભેળસેળ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. સિન્થેટીક દૂધ બનાવવા માટે અલગ અલગ ટાઈપના શેમ્પુનો પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે અને બીજી ઈતર ચીજો પણ તેમાં ભેળવવામાં આવી રહી છે. ગુજરાત સરકારે દૂધની આ ભયંકર ભેળસેળને પકડવા માટે એક ખાસ વેન વસાવી છે અને આ વેનમાં મિલ્કો સ્કેનની મદદથી દૂધની ભેળસેળને પકડી શકાય છે. ફેટ સિવાયની કોઈ સોલીડ વસ્તુની ભેળસેળ જો થઈ હોય તો તેને પણ આ સિસ્ટમ પકડી પાડે છે. જનરલી ગુજરાત રાજયમાં સિન્થેટીક મિલ્કને સારા દૂધમાં મિકસ કરીને તેનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે. કચ્છમાં પણ ફુડ વિભાગે દોડાદોડી કરી છે અને દૂધની ડેરીઓમાંથી નમુના લીધા છે. લોકોમાં એવો પ્રશ્ન પણ પુછાઈ રહ્યો છે કે આજે સેમ્પલોના નમુના ભેગા કરવામાં આવ્યા છે તેના પરિણામ કયારે આવશે અને એ પરિણામ ખરેખર ઈમાનદારીપૂર્વકના હશે કે તેમાં પણ સેટીંગ હશે ?
અત્યારે લોકોની હાલત એવી છે કે તેને ઘી પણ ભેળસેળવાળું મળે છે. મરચા મસાલામાં ભેળસેળ, દૂધમાં ભેળસેળ, છાશમાં ભેળસેળ, મીઠાઈમાં ભેળસેળ, અન્ય ખાધ સામગ્રીઓમાં પણ ભેળસેળનો સામનો કરવો પડે છે એટલે આનો અર્થ એવો થયો કે લોકોએ ખુદ પોતાના જોખમે જ જીવી લેવાનું છે. કાં દૂધ છોડી દેવાનું છે અને કાં દુનિયા છોડી દેવાની છે. બાકી આપણી સરકારો તો આવી રીતે જ તાલી વગાડતી રહેશે અને દરોડાના નાટકો થયા કરશે. આપણે ત્યાં સિસ્ટમ એવી છે કે દરેક અભિયાન થોડાક દિવસ ચાલે છે અને પછી થોડાક દિવસ બાદ પાછા કારીગરો કામે લાગી જાય છે અને ફરી પાછી બેઈમાની સોળે કળાએ ખીલી ઉઠે છે. કહેવાનો મતલબ એ છે કે ગુજરાતના લોકોને હવે કદાચ ચોખ્ખું દૂધ જીવનભર ચાખવા મળશે નહીં તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચુકયું છે. તેમના બાળકોના આરોગ્ય જોખમમાં છે, માતાના આરોગ્ય પર ખતરો છે. જે કોઈ દૂધ પીએ છે તેના આરોગ્ય પર મોટો ખતરો છે માટે દૂધ પીનારે ખુદ પોતાના જોખમે જીવી લેવાનું છે.
દરોડાઓની પણ એક સીઝન હોય છે અને તંત્રવાહકોએ આખા વર્ષમાં એજન્ડા બનાવી લીધા છે. ગરમી આવે ત્યારે શેરડીના ચીચોડા, બરફના ગોલા પકડવામાં આવે છે અને રેંકડીઓ જ કરવામાં આવે છે. આ બધા નાટકો સીઝન પ્રમાણે ચાલ્યા કરે છે પરંતુ સમસ્યા જયાં છે ત્યાંની ત્યાં જ રહે છે અને સમસ્યાની નાબુદી આપણી સિસ્ટમમાંથી કયારેય થતી નથી. દૂધની ભેળસેળ રોકવામાં ગુજરાત સરકાર કે પછી કેન્દ્ર સરકાર સફળ થશે તેવી કલ્પના કરવી તે પોતાની જાત સાથે ધોખાબાજી કરવા સમાન છે. હવે આપણે દૂધનો પણ વિકલ્પ શોધવાનો છે. દૂધની સિન્ડીકેટ એટલી બધી મજબુત છે કે તેને જે પોલિટીકલ બેકીંગ મળ્યું છે તે અભેધ છે. આ દૂધના ભેળસેળીયાઓની સિન્ડીકેટને કોઈ પડકારી શકે એમ નથી કારણકે પહેલેથી લઈને છેલ્લે સુધી મલાઈ પાથરી દેવામાં આવે છે અને એમ કરીને દૂધમાં ભેળસેળનો આ કાળો કારોબાર ભયંકર લેવલ પર પહોંચી ગયો છે.
સરકારે તમામ અધિકારીઓને ઈમાનદારીનું પ્રવાહી પીવડાવી દઈને સાચા દિલથી જનતાના આરોગ્યના ભલા માટે દૂધને ભેળસેળથી મુકત કરવા માટેનું અભિયાન લાંબા સમય સુધી ચલાવવું પડશે. થોડા ઘણા દરોડા પાડીને, થોડાઘણા કેસ કરીને આ સમસ્યાનો અતં કયારેય આવવાનો નથી તે હકીકતને સમજી લેવાની જરૂર છે. જો એમ નહીં થાય તો ગુજરાતની જનતાનું આરોગ્ય સો ટકા જોખમમાં છે તેમ કહેવામાં જરાપણ અતિશયોકિત નથી

Comments

comments

VOTING POLL