દેશભરમાં ચાલતાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનું મુળ રાજકોટમાં

April 15, 2019 at 5:36 pm


ભારત સહિત વિશ્ર્વભરમાં સટ્ટાનું નેટવર્ક હવે આધુનિક થઈ રહ્યું છે. ભારતમાં દર વર્ષની જેમ આઈપીએલની શરૂઆત થતાંની સાથે જ સટ્ટાબજાર પણ ગરમાયું છે. સટોડિયાઓ પણ હવે પોલીસથી બચવા નવતર કિમિયો અજમાવી રહ્યા છે. હવે ક્રિકેટનો સટ્ટો ઓનલાઈન થઈ ગયો છે જેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી હવે આઈપીએલનો સટ્ટો રમાડવામાં આવે છે. દેશભરમાં ચાલતા આ ક્રિકેટ સટ્ટાનું મુળ રાજકોટમાં હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના જ એક જાણીતા બુકીએ આ નેટવર્ક મારફતે કરોડો રૂપિયા કમાવાનું શરૂ કર્યું છે જેમાં યુવાધન ધકેલાઈ રહ્યું છે. ક્રિકેટનો જ સટ્ટો નહીં પરંતુ ઓનલાઈન તીનપતીનો જુગાર પણ રમાડવામાં આવે છે જેને પોલીસ હજુ સુધી પકડી શકી નથી કે પકડવા માગતી નથી તે એક વિચારવાનો પ્રશ્ન છે.
રાજકોટનો બુકી કે જે હાલ વિદેશમાં રહે છે તેણે આ પ્રકારે સટ્ટો રમાડવાનું શરૂ કર્યું છે. ઓનલાઈન એપ્લિકેશન સીસ્ટમ થકી સટ્ટાબજારમાં આ બુકી સક્રિય છે અને બેરોકટોક સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યો છે. આઈપીએલની શરૂઆતની સાથે જ આ બુકીએ પોતાના નેટવર્કને દેશ–વિદેશના ફલક ઉપર પહોંચાડી દીધું છે. આ બુકીને પોલીસ અને રાજકારણીઓના છૂપા આશીર્વાદ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

અગાઉ ક્રિકેટ સટ્ટામાં બોબડીકાર્ડ તેમજ અન્ય સાધનો દ્રારા અને મોબાઈલ મારફતે ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવતો હતો પરંતુ હવે ક્રિકેટ મેચમાં સટ્ટો રમવા
માટે ઓનલાઈન એપ્લિકેશન દ્રારા સટ્ટોડિયાઓએ આઈડી અને પાસપર્ડ મારફતે ધંધો શરૂ કર્યેા છે. આઈડી પાસવર્ડ માટે ૨૦ હજારથી લઈ લાખો, કરોડો સુધીની ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. આ રકમ જમા થયા બાદ મેચ ઉપર રૂપિયા લગાડવામાં આવે છે અને જે રૂપિયા જમા હોય તેમાંથી સટ્ટો લખાવવામાં આવે છે અને તે રકમ જમા રકમમાંથી બાદ મળે છે.

રાજકોટના બુકીએ શરૂ કરેલા આ ઓનલાઈન સટ્ટાના આઈડીના કાળા કારોબારમાં અનેક મોટામાથાઓની સંડોવણી પણ છે. પોલીસના છૂપા આશીર્વાદથી શરૂ થયેલા આ ઓનલાઈન સટ્ટામાં હાલ યુવાધન ધકેલાઈ રહ્યું છે. પબજી કરતાં પણ વધુ ખતરનાક અને પાયમાલ કરી દેનારી આ ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનના રવાડે રાજકોટ જ નહીં પરંતુ દેશભરના યુવાનો ચડી ગયા છે જેમાં બુકીને દરરોજના કરોડો રૂપિયાની કમાણી થાય છે.
આ એપ્લિકેશન બધં કરાવવા માટે જો પોલીસ ધારે તો આ સટ્ટો બધં થઈ શકે છે. સાયબર ક્રાઈમ પોલીસ આઈડી મારફતે ચાલતા આ ક્રિકેટ સટ્ટાના નેટવર્કને બધં કરાવી શકે છે પરંતુ પોલીસ અને રાજકારણીઓના છૂપા આશીર્વાદથી ચાલતા આ નેટવર્કને હજુ સુધી પોલીસે હાથ પણ અડાડયો નથી

પબજી ઉપર સંપૂર્ણ પાબંદી લગાડનાર પોલીસ ઓનલાઇન જુગાર પણ બધં કરાવી શકશે ?
પબજી જેવી ગેઈમ ઉપર તેમજ મોમો ચેલેન્જ ગેઈમ ઉપર સરકારે તાજેતરમાં પ્રતિબધં લગાવી દીધો છે તેમજ પોલીસે પણ આ ગેઈમ રમનાર સામે કાર્યવાહી કરી ગેઈમ રમવા ઉપર પ્રતિબધં ફરમાવતું જાહેરનામું બહાર પાડી દીધું છે ત્યારે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના નેટવર્કને પણ સરકાર અને પોલીસ ધારે તો બધં કરાવી શકે છે પરંતુ હજુ સુધી આ ક્રિકેટ સટ્ટાના નેટવર્ક સુધી પહોંચવા પોલીસના હાથ શા માટે ટૂંકા પડે છે ? આઈડીના ક્રિકેટ સટ્ટાના નેટવર્કને ચલાવનાર અને એપ્લિકેશન બનાવનાર સામે પણ કાર્યવાહી થાય તો આ સટ્ટો સંપૂર્ણ બધં થઈ જાય

હાર–જીતના હિસાબની બુકીની જ આંગડિયા પેઢી મારફતે લેવડ–દેવડ !!
ઓનલાઈન આઈડી મારફતે ચાલતા ક્રિકેટના સટ્ટાના નેટવર્કમાં રાજકોટના જ બુકીએ શરૂ કરેલા આ કારોબારમાં નાણાંની લેવડ–દેવડ અંગે પણ સુઆયોજિત નેટવર્ક ગોઠવાયેલું છે. દરરોજ આઈપીએલમાં કે અન્ય મેચ ઉપર કે પછી તીનપતીના જુગાર ઉપર સટ્ટો રમનારની હાર–જીતનો હિસાબ કરવામાં આવે છે અને જો આ સટ્ટો રમનાર વ્યકિત રકમ જીતી હોય તો તેને રાજકોટના બુકીની જ નકકી કરેલી આંગડિયા પેઢીમાંથી જીતેલી રકમ મળી જાય છે અને જો રકમ હારી જાય તો તેણે જે તે રકમ આંગડિયા પેઢીમાં જમા કરાવી દેવી પડે છે. આમ, રાજકોટના નામચીન બુકીએ ઓનલાઈન નેટવર્ક સાથે નાણાંની લેવડ–દેવડમાં કોઈ ગરબડ ન થાય તે માટે પોતાની જ આંગડિયા પેઢી મારફતે સુઆયોજિત નેટવર્ક ગોઠવી પોલીસ પોતાના સુધી ન પહોંચે તેવી વ્યવસ્થા કરી છે

આઇડી મારફત ઓનલાઇન જુગારનું નેટવર્ક ચલાવતાં બુકીનો ઉપરથી નીચે સુધી ‘વહીવટ’
ઓનલાઈન આઈડી મારફતે ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતાં બુકીને દરરોજ કરોડો રૂપિયાની આવક થાય છે જેમાંથી તેણે પોતાના નેટવર્કને કોઈ પોલીસનું વિધ્ન ન નડે તે માટે ઉપરથી લઈ નીચે સુધીનો ‘વહીવટ’ ગોઠવી દીધો છે. આ એપ્લિકેશનનો ઉપયોગ દેશના યુવાવર્ગ કરી રહ્યો છે અને એપ્લિકેશન દ્રારા દેશનું યુવાધન ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. ઓનલાઈન એપ્લિકેશનના સટ્ટા રમવાના કારણે ઘણા યુવાનો પૈસાની લાલચે તેમજ બે પૈસા કમાવાની લાલચે એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પોતાની કારકિર્દી પણ રોળી રહ્યા છે. મહત્વની જોવાની બાબત એ છે કે, ગુજરાતની નંબર–૧ કહેવાતી આપણી સાયબર ક્રાઈમ પોલીસ ધારે તો સટ્ટોડિયા સુધી પહોંચી શકે છે પરંતુ પોલીસને આ સટ્ટોડિયા સુધી અને બુકી સુધી પહોંચવામાં કોઈને કોઈ મોટામાથાની ભલામણ કે કોઈની શરમ નડે છે

ક્રિકેટ સટ્ટાની હોટ ફેવરિટ એપ્લિકેશન
ઓનલાઈન ક્રિકેટના સટ્ટામાં આઈડીના કાળા કારોબારમાં ઘણી બધી એપ્લિકેશન હોટ ફેવરીટ છે જેમાં રાજકોટના બુકીએ બનાવેલી ડાયમંડ, ગેલેક્ષી અને એલસી જેવી એપ્લિકેશન હોટ ફેવરીટ છે ઉપરાંત બેટ સ્ટાર, બેટ ફોર વીન, બેટ–૯, બેટ ફોર ફન, બઝબેટ, સ્પોર્ટસ–૯૯૯, ફન બૂક, ગોવા લાઈન, હેવી એકસચેન્જ સહિતની એપ્લિકેશનો મહત્તમ ઉપયોગ થાય છે. રાજકોટના બુકીની ડાયમડં અને ગેલેક્ષી એપ્લિકેશન હાલ ખુબ જ હોટ ફેવરીટ છે

રાજકોટમાં ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટાનો બેરોકટોક કારોબાર
રાજકોટમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક બેરોકટોક ચાલે છે. પોલીસ હાલ ઓનલાઈન એપ્લિકેશન મારફતે જુગાર રમતાં એકલ–દોકલ વ્યકિતને પકડીને સંતોષ માને છે અને એપ્લિકેશન કોણે બનાવી ? સંચાલક કોણ ? તે સહિતના મુદ્દાઓ પર હજુ સુધી પોલીસ તપાસ કરતી જ નથી માત્ર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતાં લોકોને પકડીને કેસ કરી અધિકારીઓ પાસે વાહવાહી મેળવે છે પરંતુ જો આ સટ્ટાનું નેટવર્ક શોધવું હોય તો તેના મુળ સુધી જઈને તપાસ કરે તો અનેક મોટા બુકીઓના નામ બહાર આવી શકે છે પરંતુ પોલીસ હજુ સુધી એક પણ બુકીનું નામ ખોલાવી શકી નથી

કઇ રીતે એપ્લિકેશન મારફતે રમાય છે ક્રિકેટનો સટ્ટો ?
ગુજરાતમાં ટોપમોસ્ટ બુકીઓમાં જેનું નામ આવે છે તે રાજકોટના બુકી હાલ વિદેશમાં છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ રાજકોટના બે બુકીઓએ આઈપીએલની શરૂઆતના એક માસ પૂર્વે વિદેશ જતા રહે છે અને રાજકોટ તેમજ ગુજરાતમાં ક્રિકેટના સટ્ટાનું ઓપરેટિંગ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટનો આ બુકી પોતાના પન્ટરો મારફતે એપ્લિકેશનનો ઉપયોગ કરી ત્યાંથી આવતા મેસેજના આધારે ક્રિકેટનો સટ્ટો ચલાવે છે. આ મોટા બુકીઓના નીચે કેટલાક નાના બુકીઓ પણ કામ કરે છે અને આમ, દરેક બુકીની ચેનલ દ્રારા દરેક વિસ્તારમાં એક અથવા બે બુકી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક સંભાળે છે તેમજ ઉપરના બુકીઓ બેટિંગ લગાવી સટ્ટો રમાડે છે. આ સટ્ટામાં બોલ ટૂ બોલ સેશનના ભાવ બદલાય છે તેમજ દર ૧૦થી ૧૫ ઓવરનું સેશન હોય છે. મેચમાં કુલ ૬ સેશન રમાડવામાં આવે છે ઉપરાંત મેચનો ભાવ ખોલવામાં આવે છે. એપ્લિકેશન ઓપરેટિંગ બુકીઓના માણસો દ્રારા જે તે જગ્યાએથી કરવામાં આવે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરી તેમાં ભાવ આપવામાં આવે છે અને તેના મારફતે ક્રિકેટના સટ્ટા ઉપર ભાવ અને સેશન લેવામાં આવે છે. હાર–જીતનો હિસાબ દરરોજ મેચ પુરો થયા બાદ મેસેજ મારફતે થાય છે અને વિદેશ બેઠેલા બુકી પોતાનો હિસાબ પોતાના નેટવર્ક મારફતે ગોઠવાયેલા બુકીઓ અને પન્ટરો પાસેથી મેળવી આંગડિયા પેઢી મારફતે લેવડ–દેવડ કરે છે

Comments

comments