દેશમાં વેચાતું મિનરલ વોટર WHOના માપદંડ મુજબ નથી

December 2, 2019 at 11:24 am


Spread the love

દેશના અનેક શહેરોમાં સપ્લાય કરવામાં આવતાં પાણીની ગુણવત્તાને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે સરકાર આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર પાણીને સ્વચ્છ બનાવવાની તૈયારી કરી રહી છે. જો કે દેશમાં વેચાતું બોટલપેક પાણી પણ આંતરરાષ્ટ્રીય માપદંડો ઉપર ખરું ઉતરી રહ્યું નહી હોવાનો ખુલાસો થયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઆે)એ પાછલા વર્ષે સીલપેક પાણીના માપદંડોમાં ફેરફાર કર્યો હતો પરંતુ ભારતીય માપદંડ બ્યુરો અને એફએસએસએઆઈએ પોતાના માપદંડોમાં આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર ફેરફાર કર્યા નહોતા.
ભારતીય માપદંડ બ્યુરો (બીઆઈએસ)ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સીલપેક પાણીને લઈને બીઆઈએસ અને એફએસએસએઆઈના માપદંડ આંતરરાષ્ટ્રીય માપદંડથી અલગ છે. આ ફર્ક માત્ર સીલપેક પાણી જ નહી બલ્કે મીનરલ વોટરમાં પણ છે.
ડબલ્યુએચઆેએ સીલપેક પાણીમાં રસાયણોને લઈને જૂલાઈ-2017માં અમુક દિશા-નિર્દેશ જારી કર્યા હતા પરંતુ અત્યાર સુધી બીઆઈએસે આ દિશા-નિર્દેશોને લાગુ કર્યા નથી. બીઆઈએસનું કહેવું છે કે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં નિષ્ણાતોની સમિતિની બેઠક મળશે તેમાં આ દિશા-નિર્દેશો પર વિચાર કરવામાં આવશે.
બીઆઈએસનું કહેવું છે કે સીલપેક પાણીને લઈને બીઆઈએસના માપદંડ 2016માં બન્યા હતા. બીઆઈએસ 2021માં આ માપદંડોની સંપૂર્ણ રીતે સમીક્ષા કરશે. મીનરલ વોટરને લઈને બીઆઈએસે અંતિમ સંશોધન આેક્ટોબર-2018માં કર્યું હતું. બીઆઈએસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મીનરલ વોટરની ગુણવત્તાને લઈને ડબલ્યુએચઆેએ કોઈ ફેરફાર કર્યો નથી. આમ છતાં નિષ્ણાતોની સમિતિ ડબલ્યુએચઆેની ગુણવત્તાના ધોરણોને લઈને બેઠક કરી માપદંડની સમીક્ષા કરશે.