ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત

November 30, 2019 at 9:01 pm


Spread the love

અમદાવાદ શહેરમાં સગીરો દ્વારા આત્મહત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરના મેઘાણીનગર અને નરોડામાં બે સગીરાઓએ આત્મહત્યાકરી છે. શહેરના નરોડા વિસ્તારમાં ધો-૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ધોરણ-૧૦ની વિદ્યાર્થીની છેલ્લા ત્રણ દિવસથી માનસિક રીતે ખૂબજ અસ્વસ્થ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. જયારે મેઘાણીનગરમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પિતાએ ધો-૧૨ પાસ કરે પછી મોબાઈલ ફોન લઈ આપવાનું કહેતા વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ બંને બનાવો અંગે મેઘાણીનગર અને નરોડા પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના નરોડા રેલવે ફાટક પાસે શીતળાનગરમાં રહેતા નગીનભાઈ વાઘેલાની ૧૬ વર્ષની પુત્રી જયોતિકા ધો.૧૦માં અભ્યાસ કરતી હતી. છેલ્લા ત્રણ દિવસથી જયોતિકા માનસિક રીતે ખૂબજ વ્યથિત જણાતી હતી. ઘરના સભ્યોએ આ બાબતે પૂછ્યું પણ હતું જો કે તે કોઈ જવાબ આપતી ન હતી.દરમ્યાનમાં ગુરુવારે જયોતિકાના ઘરના સભ્યો બેસણામાં જવાના હતા જેથી શાળામાં રજા રખાવી હતી. દરમિયાનમાં જયોતિકાએ પોતાના ઘરનો દરવાજા બંધ કરી સવારના સમયે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોની પુછપરછ કરતા તેઓએ જયોતિકા છેલ્લા ત્રણ દિવસથી માનસિક રીતે અસ્વસ્થ રહેતી હોવાથી કારણ જાણવા માટે નરોડા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. દરમ્યાન અન્ય એક બનાવમાં, મેઘાણીનગરના રામેશ્વરમાં આવેલી સિહેશ્વરીની ચાલીમાં રહેતા રામજીભાઈ
રાઠોડની ૧૬ વર્ષની પુત્રી દિશા રાઠોડ ધો-૧૦માં અભ્યાસ કરતી હતી. છેલ્લા ઘણા સમયથી દિશા તેના પિતા રામજીભાઈ તથા સગા સંબંધીઓ પાસે મોબાઈલ ફોનની માંગણી કરતી હતી. રામજીભાઈ નોકરી કરી ગુજરાન ચાવે છે અને આર્થિક સ્થિતિ નબળી છે. પુત્રી દિશાએ મોબાઈલ ફોનની માંગણી કરતા રામજીભાઈ પોતાની પુત્રીને મોબાઈલ ફોન અપાવવા માટે ઉત્સુક હતા પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી પુત્રીને ફોન અપાવી શકતા ન હતા. પુત્રી દિશાને ધો.૧૨ પાસ કરે પછી મોબાઈલ ફોન લઇ આપવા કહ્યું હતું. દરમ્યાનમાં ગુરુવારે દિશા ઘરે એકલી હતી ત્યારે ઘરનો દરવાજા બંધ કરી ગળે ફાંસો ખાઈ લીધો હતો.