ધોરણ-૧૨માં પાસ પરંતુ ત્રણ વિદ્યાર્થી જિંદગીમાં ફેઇલ થયા

May 25, 2019 at 8:34 pm


સુરતના અગ્નિકાંડમાં જે ૨૩ વિદ્યાર્થીઓના મોત થયા છે, તેમાંથી પાંચ વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે ૧૨માં ધોરણ( સાયન્સના બે અને કોમર્સના ત્રણ)ની પરીક્ષા આપી હતી. આ પાંચ મૃતક વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓનું ધોરણ-૧૨ કોમર્સનું પરિણામ જાહેર થયું છે. પરંતુ કમનસીબે તેઓ તેમનું જ પરિણામ જોવા માટે જીવિત રહ્યા નથી. એક તરફ આજે પરિણામ જાહેર થયું હતું અને તેઓ સારા ટકાથી પાસ થયા હતા પરંતુ તેઓ જીંદગીની પરીક્ષામાં નાપાસ થયા હતા. એકબાજુ, પરિણામ આવ્યું ને બીજીબાજુ, આ વિદ્યાર્થીઓ અંતિમ સફરે નીકળ્યા હતા. પરિણામ બાદ સાથી વિદ્યાર્થીઓ, સ્કૂલ વર્તુળ સહિતના લોકોમાં શોકનો માતમ પથરાયો હતો અને તેઓએ પરિણામની પણ ઉજવણી કરી ન હતી. તમામે ભારે શોક અને આઘાત સાથે તેમના સાથી મિત્રોને શ્રધ્ધાંજલિ અર્પી હતી. સુરતના સરથાણાના તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં ૨૩નાં મોત થયા છે. જેથી આખું ગુજરાત આજે સ્તબ્ધ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્લાસીસ સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરવામાં આવી છે. તો બિલ્ડર હજુ સુધી ફરાર છે. આગની ઘટનામાં ૪૦થી વધુ લોકો માટે બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. પરિણામે બીજા માળે કલાસીસમાંથી ત્રીજા માળે ટેરેસ પર ભાગ્યા હતા. એટલામાં આગની જ્વાળાઓ છેક ટેરેસ સુધી પહોંચી જતાં કેટલાક વિદ્યાર્થીઓએ તો જીવ બચાવવા માટે ચોથા માળેથી છલાંગ મારી દીધી હતી. ફાયરે પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ આ કોમ્પલેક્સમાં આગની જ્વાળાઓને બહાર નીકળતા માટે હવા-ઊજાસની કોઈ જગ્યા ન હતી. જેના કારણે લોકો ગૂંગળામણ અને આગની ઝપેટમાં આવી જતા મોત થયા હતા. ચીફ ફાયર ઓફિસર પરિકે જણાવ્યું હતું કે, ૧૬ મૃતદેહો અમે બળેલી હાલતમાં હતા તેને બહાર કાઢ્યા હતા. દરમ્યાન આ મૃતક વિદ્યાર્થીઓમાં પાંચ વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે ૧૨માં ધોરણ( સાયન્સના બે અને કોમર્સના ત્રણ)ની પરીક્ષા આપી હતી. આ પાંચ મૃતક વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓનું ધોરણ-૧૨ કોમર્સનું પરિણામ જાહેર થયું હતું પરંતુ તેઓ પરિણામ જાવા રહ્યા ન હતા. જેને લઇ આજે તેમના સાથી વિદ્યાર્થી મિત્રો દ્વારા પણ પરિણામની ઉજવણી કરાઇ ન હતી અને શોકમગ્ન હૃદયે મૃતક મિત્રોને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. તપાસનો દોર જારી રહ્યો છે. સંચાલકની ધરપકડ કરાઈ છે.

Comments

comments

VOTING POLL