નર્મદાનું સિંચાઈનું પાણી બંધ કરાતા છેવટે અમદાવાદ જિલ્લામાં રવિ વાવેતરને અસર

February 6, 2018 at 11:34 am


સિંચાઇ માટેનું નર્મદાનું પાણી અમદાવાદ જિલ્લામાં આવતું બંધ થતા સિંચાઇના પાણી પર ખેતી કરતા ખેડૂતો દયનીય સ્થિતિમાં મૂકાઇ ગયા છે. હાલમાં નર્મદા કમાન્ડ સિવાયના વિસ્તારોમાં પાણી સદંતર બંધ કરી દેવાતા ઘઉં, ડાંગરનો પાક સુકાઇ રહ્યો છે. હવે સિંચાઇ માટે નર્મદાનું પાણી છેક જુન-જુલાઇ માસમાં મળનાર હોવાથી ચાર-પાંચ મહિના પાણી વગર શું ખેતી કરવી તેની મૂંઝવણમાં ખેડૂતો ચિંતાતુર છે. રવિ પાકમાં નુકશાની અને ઉનાળુ પાક તો લઇ ન શકાય તેવી સ્થિતિ ખેડૂતો માટે કપરી પુરવાર થઇ રહી છે.

આ અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ ખારીકટ કેનાલ વિસ્તારમાં ૨૬થી વધુ ગામોમાં ૮૦ ટકા જમીન પડતર પડી રહેવા પામી છે. ગત ઓક્ટોબર-નવેમ્બરમાં પાણી વિતરણનો કાર્યક્રમ જાહેર ન કરાતા ખેડૂતો છેલ્લી ઘડી સુધી મૂંઝવણમાં રહ્યા હોવાથી તેઓ સમયસર ઘઉંનું વાવેતર કરી ન શક્યા, અને હવે જ્યારે ઉનાળુ ડાંગર કરે છે ત્યારે પાણી જ બંધ કરી દેવાતા ખેડૂતોની બંને સીઝન બગડી હોવાનો દાવો ખેડૂતવર્ગ કરી રહ્યો છે.
૧૭ ડિસેમ્બરથી ૨૮ ફેબુ્રઆરી સુધી પાણી આપવાની વાત હતી જેમાં હવે ગત ૧ ફેબુ્રઆરીથી તો પાણી જ સદંતર બંધ કરી દેવાતા ૨૮ દિવસ કઇ રીતે કાઢવા તેની ચિંતામાં ખેડૂતો પડી ગયા છે. ઉનાળુ ડાંગર માટે ૧૫ માર્ચ સુધી પાણી આપવાની ખેડૂતોની માંગણી તો દુર રહી પરંતુ હાલમાં રવિ વાવેતરમાં ઘઉંનું વાવેતર જ જોખમાઇ ગયું છે. જમીન સૂકાઇ રહી છે, તેમાં તિરાળો પડી રહી છે અને પાક સુકાઇ રહ્યો છે. અન્ય જળાશયોમાંથી વૈકલ્પિક ધોરણે પાણી આપીને ખેતીને બચાવી લેવાની માંગણી જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ ચૂંટણીટાણે સરકાર ૧૦ કલાક વીજળી આપતી હતી હવે ૮ કલાક આપે છે. ચૂંટણી હોવાથી નર્મદાના પાણી ઘટની સ્થિતિ સરકારે છૂપાવી અને ખેડૂતોને અંધારામાં રાખ્યા, વિજળી અને સિંચાઇ જેવી સગવળો વગર ખેતી કઇ રીતે કરવી તેની ચિંતામાં ખેડૂતો લાચાર બની ગયા છે.

જો સરકારે અગાઉથી જાણ કરી દીધી હોત તો ખેડૂતો વાવેતર ન કરતા અને તેઓ ભારે આર્થિક નુકશાનીમાંથી બચી જતા. ખેડૂતોએ ખેડ, ખાતર, બિયારણ, જંતુનાશક દવાનો છંટકાવ, ધરૃનું રોપણ અને મજૂરી ખર્ચ મળીને વિઘે ૧૫ હજારનો ખર્ચ કરી નાંખ્યો ત્યારે સરકાર હવે સિંચાઇનું પાણી આપવાની ના પાડી રહી હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાણીના અભાવે આ વખતે રાયણ, જાંબુ અને આંબા જેવા ઝાડ પર મોર પણ આવ્યા ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

અમદાવાદમાં વિરમગામ, સાણંદ, બાવળા, ધોળકા, દસક્રોઇ તાલુકાઓના ગામોમાં સિચાઇનું પાણી ખારીકટ અને ફતેવાડી કેનાલમાંથી અપાતું બંધ કરાતા અનેક ગામોના ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. નોંધપાત્ર છેકે નળકાંઠાના છેવાડાના ૩૨ ગામોમાં તો નર્મદાનું પાણી સિંચાઇ માટે આજદીન સુધી અપાયું જ નથી.

Comments

comments

VOTING POLL