નવી સરકાર સામે રોજગાર, મોંઘવારી, નબળા ચોમાસા સહિતના પાંચ પડકારો

May 25, 2019 at 10:40 am


Spread the love

પહેલાં કરતાં પણ વધુ બહમતિ સાથે સતત બીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદી સામે આર્થિક મોરચાથી લઈને આધારભૂત માળખા સુધીના મોટા પડકારો મોઢું ફાડીને ઉભા છે. આ પડકારોમાં રોજગાર, નિકાસને વધારવી, મોંઘવારી પર લગામ મુકવી, ઔદ્યોગિક ઉત્પાદન દર વધારવા અને નબળા ચોમાસાની આશંકા વચ્ચે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા સહિતનાનો સમાવેશ થાય છે.

સરકાર યથાવત રહેવાથી નીતિગત મામલામાં નિરંતરતા રહેવાને કારણે આ મોરચે વધુ અડચણો તો નહીં આવે પરંતુ સરકારે ઝડપથી કામ કરવું પડશે. છેલ્લા ત્રણ મહિનામાં ચૂંટણી માહોલ અને આચારસંહિતાને કારણે અનેક કામો અધ્ધરતાલ થઈ ચૂક્યા છે. નવીસરકારના બજેટમાં સરકાર નવા એજન્ડા સાથે આવશે. દરેક મંત્રાલયમાં 100 દિવસના એજન્ડાને લઈને કામ શ થઈ ગયું છે.
મોદી સરકારે રોજગારના મોરચે ઝડપ લાવવી પડશે. આ ચૂંટણીમાં વિપક્ષે પણ તેને મુદ્દો બનાવ્યો હતો. છેલ્લા છ મહિનામાં સરેરાશ રોજગાર સર્જનમાં 26 ટકાનો ઘટાડો થયો છે જેના કારણે બેરોજગારીનો દર વધી ગયો છે. આ ઉપરાંત નિકાસ વૃદ્ધિદર એપ્રિલ મહિનામાં ચાર મહિનાના નીચલા સ્તર પર રહ્યો હતો જેના કારણે વેપારખાધ પણ પાંચ મહિનાના ઉચ્ચસ્તરે પહોંચી ગઈ હતી.
ઈરાનથી તેલ નિકાસ પર પ્રતિબંધ લગાવવા અને અમેરિકા-ચીન વચ્ચે વેપારયુદ્ધ તણાવની અસર મોંઘવારી પર પડી રહી છે અને તેના કારણે ક્રૂડનો ભાવ કુદકે કે ભુસકે વધી રહ્યો હોય જેનો ઉકેલ શોધવો પણ મોદી સરકાર માટે પડકાર રહેશે. દરમિયાન પાછલા નાણાકીય વર્ષ 2018-19માં ઔદ્યોગિક વૃદ્ધિદર 3.6 ટકા રહ્યો હતો જે પાછલા ત્રણ વર્ષમાં સૌથી ઓછો હતો. ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે જે ચિંતાનો વિષય છે. મોદી સરકાર સામે પાંચમો પડકાર નબળા ચોમાસાને લઈને છે. આ વર્ષે પ્રિ-મોન્સુન વરસાદમાં 22 ટકાનો ઘટાડો આવવાથી ચોમાસાને લઈને આશંકા વધી ગઈ છે જેની સીધી અસર કૃષિ ઉત્પાદન ઉપર પડશે.