નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપવામાં વિલંબ કેમ?: માતાએ મહિલા પંચમાં ફરિયાદ કરી

September 12, 2018 at 10:59 am


2012માં દિલ્હીની પેરામેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નિર્ભયા પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજારી તેની હત્યા કરવા બદલ અપરાધીઓને કરવામાં આવેલી સજાના અમલમાં વિલંબ થતો હોવાની ફરિયાદ સાથે નિર્ભયાની માતાએ દિલ્હીના મહિલા પંચ સમક્ષ ધા નાખી છે.
નિર્ભયા રેપ એન્ડ મર્ડર કેસ અંતર્ગત સજા પામેલા હત્યારાને સજાના અમલમાં થતા વિલંબ અંગે મહિલા પંચ દ્વારા તિહાર જેલ ઓથોરિટીને નોટિસ પાઠવવામાં આવી છે. નિર્ભયા કેસના અપરાધીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે પરંતુ સજાના અમલમાં વિલંબ થઈ રહ્યો હોવાથી નિર્ભયાની માતા આશાદેવીએ અવાજ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેનો અમલ નહીં થાય ત્યાં સુધી તેમની દીકરીનો ન્યાય અપૂર્ણ ગણાશે.
અગાઉ પણ આશાદેવીએ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હત્યારાઓને ફાંસી નહીં અપાયા અંગે ડીડબલ્યુસીમાં ફરિયાદ કરી હતી. જુલાઈમાં તેમણે ફરીવાર ડીડબલ્યુસીમાં એ જ કારણ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. મે 2017માં સુપ્રીમ કોર્ટે નિર્ભયા કાંડના ચાર અપરાધીને તેમના ઘોર અપરાધ બદલ ફાંસીની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે ત્રણ અપરાધીની રિવ્યૂ અરજી પણ ફગાવી દીધી હતી.
ડીડબલ્યુસીના ચેરપરસન સ્વાતિ માલિવાલે તિહાર જેલ ઓથોરિટીને નોટિસ પાઠવી તાત્કાલિક જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયા રેપ એન્ડ મર્ડર કેસ અંગે દેશભરમાંથી વિરોધ ઊભો થયો હતો. દેશની જનતાએ એક અવાજે અપરાધીઓને મોતની સજાની માગણી કરી હતી.

Comments

comments

VOTING POLL