નેતા–નેતીઓની સુરક્ષા પાછળ કરોડોના ધૂમાડા અને ૨૪ કલાક જોખમમાં રહેતા જવાનો માટે એરટ્રાન્ઝીટની વ્યવસ્થા નહીં!

April 1, 2019 at 12:33 pm


દેશ અને દુનિયાભરને હચમચાવી મુકનાર પુલવામા ખાતેના આતંકી હુમલાની કાળી યાદો પીછો છોડતી નથી. ૪૦થી વધુ જવાનોને અહીં શહીદ કરી નાખવામાં આવ્યા હતાં અને ત્યારબાદ આપણે બાલાકોટમાં જઈને ઓપરેશન કર્યુ હતું અને આતંકી હાટડાઓનો સફાયો કરીને સેંકડો આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં અને એક સારો એવો બદલો આપણે લીધો હતો. આ મુદો લોકસભાની ચૂંટણીમાં નેગેટીવ અને પોઝીટીવ બંને પ્રકારના રિએકશન સાથે રાજકીય પક્ષોની લડાઈનું નિમિત પણ બન્યો છે. નોડાઉટ આ લડાઈ શરમજનક છે પરંતુ રાજકારણીઓને જે દિવસે શરમ આવશે ત્યારે ઈતિહાસ કરવટ બદલી લેશે. પોતાનું શરીર વેંચીને ગુજરાન ચલાવતી એક વેશ્યા પોતાનું મન ફરે તો સાધ્વી થઈ શકે છે પરંતુ આપણા દેશના બેઈમાન અને સિધ્ધાંતવિહોણા નેતાઓ સુધરવાના નથી તે વાતની ગળા સુધીની ખાતરી છે. જમ્મુ–શ્રીનગર હાઈવે પર બનીહાલ પાસે ફરીવાર પુલવામાના હુમલાની યાદ તાજી થઈ અને સીઆરપીએફનો કાફલો હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક સેન્ટ્રો કારમાં સિલીન્ડર બ્લાસ્ટ થયો હતો અને આ કારે સેનાની એક ગાડીને પાછળથી ટકકર પણ મારી હતી અને ત્યારબાદ તેનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ બીજો રહસ્યપૂર્ણ અને ગંભીર ચિંતા જન્માવતો બનાવ બન્યો છે. દેશના સિમાડાઓની અને જનતાની રક્ષા કરી રહેલા અને પોતાનું પવિત્ર બલિદાન આપી રહેલા જવાનોની દેખભાળ અને એમની હિફાઝત કરવામાં આપણા નેતાઓ કેટલી ગુનાહિત બેદરકારી અને ઉદાસીનતા દાખવી રહ્યા છે તે આ ઘટના પરથી ફરી ફલીત થાય છે.
પુલવામાના આતંકી હુમલા વખતે હાઈ સિકયોરિટી ઝોન વિસ્તારમાં આરડીએકસથી ભરેલી એક કાર જવાનોના કાફલામાં ઘુસી જાય છે અને આત્મઘાતી હુમલો થાય છે. આવી બોદી, તકલાદી અને અન્યાયથી ભરેલી વ્યવસ્થા શા માટે હતી ? તેવો પ્રશ્ન આજે પણ અનુત્તર છે. જવાનો પર આતંકીઓ તરફથી સતત ૨૪ કલાક જોખમ રહે જ છે તે વાતનું નોલેજ આપણી સરકારોને છે જ છતાં જવાનોની હિફાઝત કરવામાં તેની અઘોરી આળસ શા માટે છે ? તેવો પ્રશ્ન અત્યારે દેશ આખાને મુંઝવી રહ્યો છે.
આતંકીઓ ગમે ત્યારે ઘુસણખોરી કરી નાખે છે અને ગમે તે વિસ્તારમાં ઘુસી જાય છે તેવી સ્થિતિમાં જવાનો માટે એરટ્રાન્ઝીટ (હવાઈ માર્ગ)ની વ્યવસ્થા શા માટે થતી નથી? તેનો જવાબ તો માત્ર સરકાર જ આપી શકે છે. જવાનોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે હજુપણ હાઈવેનો એટલે કે કાર અને અન્ય ફોર અને સિકસ વ્હીલરનો જ ઉપયોગ થઈ રહ્યો છે તે બાબત ખરેખર અત્યતં જોખમી અને ધૃણાસ્પદ છે. જમ્મુ–કાશ્મીરમાં ઈન્ટરનલ વ્યવસ્થા માટે પણ જવાનોને એરલિફટ કરવા જોઈએ. દાખલા તરીકે ગુલમર્ગથી શ્રીનગર અને શ્રીનગરથી ગુલમર્ગ જતાં જવાનોને હાઈવે પરથી મિલીટ્રીના ટ્રકમાં ભરીને મોકલવા કરતાં એમના માટે એરટ્રાન્ઝીટ શા માટે થતું નથી? સરકારને કેમ આવી મહત્વની બાબત ગળે ઉતરતી નથી? કોઈપણ નેતાનું ઢીંઢું ભાંગી જાય કે તેના દાંત સડી જાય કે વધારે પડતી છીંક આવે તો ચાર્ટર્ડ ફલાઈટ કરીને તે વિદેશ જાય છે. નેતા કે નેતીઓના પરિવારજનોને સામાન્ય બિમારી હોય તો પણ દેશમાં જ એમને વિમાનોમાં ઉડવાની સુવિધા મળે છે તો પછી દેશના લાડકા અને દેશની જનતા માટે સૌથી મહત્વના એવા આ જવાનોને આ સુવિધા શા માટે મળતી નથી? દેશના નેતા અને નેતીઓની સુરક્ષા પાછળ કરોડો નહીં અબજો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ દેશ માટે નેતાઓ કરતાં વધુ મહત્વના જવાનો માટે આટલો ખર્ચ શા માટે થતો નથી? તાજેતરમાં એક સર્વે થયો હતો જેમાં હિન્દુસ્તાનની જનતાએ નેતા અને નેતીઓ કરતાં સેના પર વધુ વિશ્ર્વાસ હોવાનો મત આપ્યો હતો.
પુલવામા હુમલા પહેલા સીઆરપીએફએ શ્રીનગર જવા માટે ગૃહમંત્રાલયને એરટ્રાન્ઝીટની પરવાનગી માગી હતી પરંતુ એમની માગણીને ફગાવી દેવામાં આવી હતી તેવો આરોપ જે તે સમયે મુકાયો હતો પરંતુ સરકારે આ વાતને રદીયો આપીને એવી ચોખવટ કરી હતી કે અમે એરલિફટ કરવા માટે ના પાડી જ નથી. પુલવામાના અવંતીપરામાં જમ્મુથી શ્રીનગર જઈ રહેલા સીઆરપીએફના કાફલા પર ફિદાઈન હુમલો થયો જેમાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા. આ સડક માર્ગ બરફને કારણે પાછલા કેટલાક દિવસોથી બધં પડયો હતો અને એટલા માટે જ સીઆરપીએફએ હવાઈ માર્ગથી શ્રીનગર જવા માટે ગૃહમંત્રાલયની પરવાનગી માગી હતી. ન્યુઝ વેબસાઈટ ધ કવીન્ટને પોતાની ઓળખ ગુ રાખવાની શરતે પુલવામા હુમલા બાદ એક જવાને તેનો ખુલાસો પણ કર્યેા હતો. તેણે કહ્યું હતું કે બરફમારાને લીધે જમ્મુમાં ઘણા બધા જવાનો ફસાઈ ગયા હતાં. ચોથી ફેબ્રુઆરીના રોજ આ માર્ગથી અંતિમ કાફલો નીકળ્યો હતો માટે અમે સીઆરપીએફ હેડકવાર્ટરને પત્ર લખીને અનુરોધ કર્યેા હતો કે હવાઈ માર્ગથી જવાનોનું પારગમન કરવાની મંજુરી આપવામાં આવે પરંતુ એવું કાંઈ થયું ન હતું.
શ્રીનગરમાં સીઆરપીએફના સિનિયર અધિકારીની પોસ્ટીંગ બાદ સીઆરપીએફ હેડકવાર્ટરને લેટર લખાયો હતો તે ગૃહમંત્રાલયને મોકલી દેવાયો હતો પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો ન હતો તેવો ખુલાસો આ જવાને કર્યેા હતો પરંતુ સરકારે તેને રદીયો આપ્યો છે. પુલવામા હુમલા પહેલા ઈન્ટેલીજન્સ બ્યુરોએ ૮મી ફેબ્રુઆરીએ આઈઈડી ધડાકાના ઈનપુટની જાણકારી આપી હતી પરંતુ ગુચર એજન્સીઓએ સ્થળ અને ટાઈમ વિશે કોઈ જાણકારી આપી ન હતી. રિટાયર્ડ સીઆરપીએફના એક અધિકારીનું માનવું છે કે આટલી મોટી સંખ્યામાં જવાનોનો કાફલો એક સાથે રવાના થઈ શકે જ નહીં. સામાન્ય રીતે ૩૦૦થી ૪૦૦ જવાન જ એક સાથે નીકળી શકે છે પરંતુ તેનાથી બમણી સંખ્યામાં જો જવાનોનો કાફલો નીકળે તો સરકારે બુલેટપ્રુફ વાહન અથવા હવાઈ માર્ગની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈતી હતી. આમ જોઈએ તો પુલવામામા થયેલો હુમલો સંપૂર્ણ રીતે ઈન્ટેલીજન્સ ફેલ્યોર માનવામાં આવે છે અને ૩૦ માર્ચે એટલે કે શનિવારે જમ્મુ–શ્રીનગર હાઈવે પર બનીહાલ પાસે સીઆરપીએફનો કાફલો જઈ રહ્યો હતો ત્યારે એક કારમાં ધડાકો થયો અને ફરી એરટ્રાન્ઝીટનો મુદો ગાજવા લાગ્યો હતો. ન્યુઝ ચેનલોમાં ડીબેટમાં નિષ્ણાંતોએ જવાનો માટે એરટ્રાન્ઝીટ ફરજીયાત બનાવવાની વાતો કરી છે પરંતુ સરકારને કોણ જાણે કેમ તેની ગંભીરતા સમજાતી નથી એ ખરેખર આપણી કમનસીબી છે.

Comments

comments