પંચનાથ પ્લોટમાં 100 વર્ષ જૂની શ્યામસુંદર હવેલીના ભયગ્રસ્ત હિસ્સાનું કરાયું ડિમોલિશન

August 30, 2018 at 3:07 pm


રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.7માં પંચનાથ પ્લોટ શેરી નં.9માં આવેલી વૈષ્ણવ સંપ્રદાયના હજારો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમી શ્યામ સુંદરજીની હવેલીની ઈમારતનો ભયગ્રસ્ત હિસ્સો તોડી પાડવા માટે આજે મહાપાલિકાની બાંધકામ શાખાએ આેપરેશન હાથ ધર્યું હતું. જો કે ટાઉન પ્લાનિંગ શાખાના બદલે બાંધકામ શાખા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ હવેલીની ઈમારતના હિસ્સાનું ડિમોલિશન કરવામાં આવી રહ્યા અંગે વર્તમાન નગરસેવકો તેમજ પૂર્વ નગરસેવકો સહિતના તમામ અજાણ હોવાનું પણ બહાર આવ્યું હતું.

વિશેષમાં આ અંગે સેન્ટ્રલ ઝોન કચેરીના સિટી એન્જિનિયર મહેન્દ્રસિંહ કામલિયાનો સંપર્ક સાધતાં તેમણે ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હવેલીનું ડિમોલિશન કરવામાં આવ્યું નથી પરંતુ હવેલીની ઈમારત 100 વર્ષ જૂની હોય તેનો અમુક ભયગ્રસ્ત હિસ્સો દૂર કરવામાં આવ્યો હતો. દરમિયાન ઈજનેર ગોપાલ સુતરીયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે બિલ્ડિંગ ભયગ્રસ્ત હોય તેમજ અવારનવાર બિલ્ડિંગમાંથી પોપડા નીચે પડતાં હોય વાહન પાર્કિંગ કરતાં લોકો વિગેરેમાં ભયની લાગણી પ્રસરી જતી હતી. આજુબાજુના રહીશો તરફથી પણ જૂની ઈમારતનો ભયગ્રસ્ત હિસ્સો દૂર કરવા ફરિયાદ અરજી મળી હતી જેના અનુસંધાને નિયમાનુસાર તમામ નોટિસોની બજવણી કરવામાં આવી હતી અને સ્વૈિચ્છક રીતે ભયગ્રસ્ત હિસ્સો દૂર કરવા જણાવાયું હતું પરંતુ હવેલી તરફથી કોઈ કાર્યવાહી નહી થતાં અંતે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજાશાહી વખતની અંદાજે 100 વર્ષ જૂની આ હવેલીનું બિલ્ડિંગ હાલમાં જર્જરિત થઈ ગયું છે.

દરમિયાન આ મામલે વોર્ડ નં.7ના કોર્પોરેટર કશ્યપ શુક્લ, અજય પરમાર, મીનાબેન અનિલભાઈ પારેખ તેમજ મહિલા કોર્પોરેટરના પતિદેવ નિરવ મહેતા સહિત તમામનો સંપર્ક સાધતાં વર્તમાન એક પણ કોર્પોરેટરને હવેલીનું ડિમોલિશન થઈ રહ્યા અંગેની જાણ ન હતી ! જ્યારે પૂર્વ કોર્પોરેટર દેવાંગ માંકડ અને અનિલ લીબડનો સંપર્ક સાધવા પ્રયાસ કરતાં તેમના બન્નેના મોબાઈલ પણ સતત સ્વીચ આેફ આવ્યા હતા.

Comments

comments