પંચાયતમાં જિલ્લા ફેરબદલીની સત્તા સ્થાનિક કક્ષાએથી છીનવાઈઃ હવે ઉપરથી આેર્ડર થશે

October 10, 2019 at 5:56 pm


Spread the love

પંચાયત સેવા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઆેની આંતર જિલ્લા બદલી ની સત્તા સ્થાનિક કક્ષાએથી છીનવી લેવામાં આવી છે અને હવે આ અંગેના હુકમો ગાંધીનગરથી જ કરવામાં આવશે તેઆે નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના અનુસંધાને રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ એમ.જી બંધીયાએ તમામ જિલ્લા વિકાસ અધિકારીઆેને પત્ર પાઠવી પોતાની પાસે પડતર રહેલી વર્ગ-3 અને વર્ગ-4 ની જિલ્લાફેરની તમામ અરજીઆે આગામી તારીખ 15 સુધીમાં પંચાયત વિભાગને મોકલી દેવા આદેશ કર્યો છે.

હાલની વ્યવસ્થા મુજબ આંતર જિલ્લા ફેર બદલીની અરજીઆે જે તે જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂ કરવામાં આવતી હતી અને ત્યારબાદ જે તે જિલ્લા પંચાયત દ્વારા અન્ય સંબંધિત જિલ્લા પંચાયતના સત્તાવાળાઆેની સંમતિ મેળવી બદલી સંદર્ભે ધોરણસરની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી અર્થે મોકલવામાં આવતી હતી અને મંજૂરી કે નામંજૂરીનો નિર્ણય લેવામાં આવતો હતો. હવે વ્યવસ્થા બદલવામાં આવતા તારીખ 30 સપ્ટેમ્બર સુધી રજૂ થયેલી આંતર જિલ્લા બદલી તમામ અરજી તારીખ 15 આેક્ટોબર સુધીમાં જે-તે જિલ્લાની સંમતિ મેળવ્યા સિવાય ચેક લિસ્ટ માં તમામ વિગતો ભરીને કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઆે ના નિયત બ્રેકઅપ પત્રક અને અન્ય તમામ આવશ્યક કાગળો સહિત પંચાયત વિભાગને મોકલી આપવાના રહેશે. ત્યારબાદ દરેક મહિનાના અંત સુધીમાં જિલ્લા પંચાયતમાં રજૂ થતી તમામ આંતર જિલ્લા ફેર બદલીની અરજીઆે પછીના મહિનાની 10 તારીખ સુધીમાં પંચાયત વિભાગને મોકલી આપવાની રહેશે. જિલ્લા સંમતિ મેળવવાની કાર્યવાહી પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવશે.