પદ્મશ્રી ડો.સુધીર પરીખને સરદાર પટેલ વિશ્ર્વ પ્રતિભા એવોર્ડ ગવર્નરના હસ્તે એનાયત

February 5, 2018 at 11:41 am


વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ અને કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ પ્રદાન સમારંભ યોજાયો હતો.
ભારત-અમેરિકી સમાજના શ્રેષ્ઠીજન અને અમેરિકાસ્થિત પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને ા.અઢી લાખનો રોકડ પુરસ્કાર પ્રદાન થયો હતો, જયારે રિસર્ચ ડાયરેકટર ડો. અશોક વૈદ્યને કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને રૂ. એક લાખનો રોકડ પુરસ્કાર એનાયત થયો હતો.
સમારંભના અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલી અને અતિથિવિશેષપદે જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિશ્વ ગુજરાતી સમાજના ઉપક્રમે સુરુચિ ટ્રસ્ટ-સુરતના સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ પ્રસ્થાપિત છે અને શ્રી કનૈયાલાલ દેસાઈ સ્મારક ટ્રસ્ટ-સુરતના સહયોગથી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ પ્રસ્થાપિત છે.
સ્વાગત પ્રવચન કરતાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાન્ત વખારિયાએ ડો. સુધીર પરીખ અને ડો. અશોક વૈદ્યનો પરિચય આપ્યો હતો. કૃષ્ણકાન્ત વખારિયાએ કહ્યું કે વિવિધ ક્ષેત્રે સમાજસેવા કરતા આ બન્ને મહાનુભાવોનું ત્રણ અદા કરવાનો આ અવસર છે.
રાજ્યપાલ ઓ. પી. કોહલીને સ્મૃતિચિહ્ન અર્પણ કરી, શાલ ઓઢાડી સૂતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે ડો. સુધીર પરીખને શાલ ઓઢાડી રોકડ ધનરાશિ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન પ્રદાન કરવામાં આવ્યાં હતાં, જ્યારે ડો. અશોક વૈદ્યને પણ રાજ્યપાલના હસ્તે રોકડ ધનરાશિ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન પ્રદાન કરવામાં આવ્યાં હતાં.
રાજ્યપાલ ઓ. પી. કોહલીએ આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ડો. સુધીર પરીખ અને ડો. અશોક વૈદ્યને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે આ બન્ને મહાનુભાવો જનસેવક છે અને સમાજસેવા કરી રહ્યા છે તે બદલ તેમનું સન્માન કરાયું છે. વિષ્ણુ પંડ્યાએ વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રે દેશવિદેશમાં વસતા ગુજરાતીઓએ જે નોંધપાત્ર કામગીરી કરી છે તેમને સન્માનવાનો વિશ્વ ગુજરાતી સમાજનો ઉપક્રમ વર્ષોથી ચાલે છે. વિશ્વ ગુજરાતી સમાજ જે સન્માન આપે છે તે ગુજરાતનું નોબેલ પ્રાઇઝ છે.
પ્રતિભાવ આપતાં ડો. અશોક વૈદ્યે કહ્યું હતું કે આધ્યાત્મિક વિકાસ વિનાનો વિકાસ એ વિકાસ નથી. ગુજરાતની ભૂમિ પર ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામીનારાયણ, ગાંધીજી, દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિઓએ જન્મ લીધો છે જેના કારણે ગુજરાત બીજા પ્રાંતો કરતાં આર્થિક-સાંસ્કૃતિક રીતે સુખી છે. ગુજરાતને આધ્યાત્મિક પુરુષોના આશીવર્દિ મળ્યા છે. આથી આધ્યાત્મિક ધરોહર જાળવવી જોઈએ, જ્યાં અન્યાય થાય છે ત્યાં અવાજ ઉઠાવવાનું ગુજરાતીઓનું કર્તવ્ય છે. ડો. અશોક વૈદ્યે ગાંધીજીનાં મૂલ્યો જીવંત રાખવાની પણ વાત કરી હતી.
પ્રતિભાવ વ્યક્ત કરતાં ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ પ્રાપ્ત કરતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ એવોર્ડ પ્રદાન થતાં હું લોર્ડ મેઘનાદ દેસાઈ, રાજમોહન ગાંધી, લોર્ડ ભીખુ પારેખ અને અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ જેવાં વ્યક્તિવિશેષોની યાદીમાં જોડાયો છું તેનો સવિશેષ આનંદ છે. 2010માં પદ્મશ્રી એવોર્ડ, 2012માં નાઇટ ઓફ ધ એક્યુમેનિકલ હોસ્પિટોલર ઓર્ડર ઓફ સેન્ટ જોહન નાઇટ્સ ઓફ માલ્ટા એવોર્ડ, 2006માં પ્રવાસી ભારતીય સમ્માન મળ્યું હોવા છતાં પણ આ એવોર્ડ અને સન્માન મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે દુનિયાની સર્વોચ્ચ ગુજરાતી સંસ્થા તરફથી મને મળ્યું છે. મને મળેલી આ ધનરાશિ હું વિશ્વ ગુજરાતી સમાજને પરત કરું છે, જેનો ઉપયોગ સંસ્થા વિવિધ માનવતાવાદી કાર્યો-પ્રવૃત્તિઓમાં કરી શકશે.
ડો. સુધીર પરીખે કહ્યું કે જ્યારે તમે ગુજરાત અને ગુજરાતીઓ વિશે વાત કરતા હો ત્યારે સૌપ્રથમ આપણને એ જ વિચાર આવે કે આ ઉદ્યોગસાહસિક પ્રજા છે અને જ્યાં ગુજરાતી પ્રજા સ્થાયી થઈ છે ત્યાં તેમની પ્રશંસા થઈ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા રજૂ થયેલા સોવેનિયર નેશન્સ તરીકે નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતીઓ સ્થાયી થયેલા છે. વિશ્વવ્યાપી ભારતીય ડાયસ્પોરાના લગભગ 33 ટકા ગુજરાતીઓ છે. અમેરિકામાં સૌથી વિશાળ સંખ્યામાં 15 લાખ ગુજરાતીઓ છે, યુકેમાં સાત લાખ ગુજરાતીઓ વસે છે, ત્યાર પછી કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલેન્ડમાં ગુજરાતીઓની વધુ સંખ્યા છે.
ડો. સુધીર પરીખે ઉમેર્યું કે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આશીવર્દિ સાથે, મેં ન્યુ યોર્કમાં થિન્ક ટેન્ક પરીખ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયાઝ ગ્લોબલ ડેવલપમેન્ટની શરૂઆત કરી છે જે અમેરિકા-ભારત વચ્ચેના રાજકીય મુદ્દાઓ વિશે કાર્યરત છે. ભારતીય-ગુજરાતી દ્વારા પશ્વિમના દેશમાં શરૂ થયેલી આ સૌપ્રથમ થિન્ક ટેન્ક છે. ડો. પરીખે કહ્યું કે અમેરિકામાં તેઓ ટૂંક સમયમાં નવી ટેલિવિઝન ન્યુઝ-એન્ટરટેઇનમેન્ટ ચેનલ લોન્ચ કરી રહ્યા છે.
આ સમારંભમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્ર, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી એનઆરઆઇ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments

comments