પાંચ મહિના પહેલા બહેનપણીને જીવતી સળગાવનાર મહિલાએ જેલમાં આપઘાતનો પ્રયાસ કર્યો

October 11, 2018 at 3:40 pm


શહેરના માધાપર પાસે 25 વારિયા કવાર્ટરમાં પાંચ મહિના પહેલા બહેનપણીને જીવતી સળગાવનાર હત્યા કરનાર મહિલાએ જેલમાં આપઘાતની કોશિશ કરતા સારવારમાં ખસેડવામાં આવી છે.

બનાવ અંગેની વિગત મુજબ પોપટપરામાં આવેલ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતી સપના હરી ગામીત ઉ.વ.22 નામની યુવતીએ ગઈકાલે જેલમાં બેરેક નં.2માં હતી ત્યારે અન્ય મહિલા કેદી સાથે ઝઘડો થતાં લાગી આવતા સાબુ ખાઈ જઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પોલીસ પાસેથી વધુ વિગત મળી હતી કે સપના અગાઉ પાંચ મહિના પહેલા માધાપર પાસે 25 વારિયામાં રહેતી તેની બહેનપણી તેજલ અશોક કોળી સાથે રહેતી હતી અને કોઈ બાબતે ઝઘડો થતાં તેજલને સપનાએ કેરોસીન છાટી જીવતી સળગાવી નાખતા સારવારમાં ખસેડયા બાદ તેણીનું મોત નીપજતાં હત્યા કરવાના ગુનામાં પોલીસે અપનાની ધરપકડ કરી જેલ હવાલે કરી હતી.

યુવાને ઝેરી દવા પીધી

દેવપરામાં રહેતો રાહુલ અરૂણભાઈ બોરિચા ઉ.વ.19 નામના વાિલ્મકી યુવાને અગાઉ થોરાળામાં રહેતી કાજલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય અને બન્ને ઉપરોકત સ્થળે સાથે રહેતા હોય ગઈકાલે પત્ની કાજલ સાથે બોલાચાલી થતાં લાગી આવતા તેણે પેડક રોડ પર આવેલા તેની માતાના ઘર પાસે આવેલ બગીચામાં ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગેની જાણ બી ડિવિઝન પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL