પિતાની સંપત્તિમાં તમામ મહિલાનો બરાબરનો હક્ક: સુપ્રીમ

February 3, 2018 at 10:24 am


કેન્દ્ર સરકારે વર્ષ 2005નાં હિંદુ ઉત્તરાધિકાર કાયદામાં સંશોધન કરીને પૈતૃક સંપત્તિઓમાં દીકરીઓને પણ બરાબર હક્ક દેવાની વ્યવસ્થા કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કાયદા મામલે એક સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, આ કાયદો બધી જ મહિલાઓ પર લાગુ થાય છે ભલે તેઓ 2005 પહેલા જન્મી હોય.
જસ્ટિસ એ.કે. સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, સંશોધીત કાયદો ગેરંટી આપે છે કે દીકરી પણ જન્મથી જ પિતાની સંપત્તિમાં બરાબરની ભાગીદાર છે. જે રીતે દીકરાના હક્ક અને ફરજ હોય છે તેમ દીકરીના પણ હક્ક અને ફરજ એક સમાન જ છે. ત્યારે જો કોઈ મહિલા 2005 પહેલા જન્મી છે તેવા આધાર હેઠળ તેમને પોતાના હક્કથી દૂર રાખી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદુ ઉત્તરાધિકાર કાયદો-2005 તેની પહેલાના જૂના તમામ કેસ અને ત્યાર બાદ થયેલા તમામ કેસમાં લાગુ પડે છે. બંચે કહ્યું કે, સંયુક્ત હિંદુ પરિવારથી જોડાયેલ કાયદો મિતાક્ષરા કાયદાથી સંચાલિત થાય છે. જેમાં સમય સમય પર ઘણો બદલાવ આવ્યો છે.
તેમણે કહ્યું કે, કાયદામાં જે સંશોધન થયું હતું તેનો ઉદ્દેશ્ય દીકરીઓને પણ દીકરા સમાન જ હક્ક આપવાનો હતો. તેથી તે આવા દરેક મામલે લાગુ પડે છે. સર્વોચ્ચ ન્યાયાલયે આ આદેશ બે બહેનો દ્વારા કરવામાં આવેલ અરજીને આધારે કર્યો છે. આ બંને બહેનો પિતાની સંપત્તિમાં પોતાનો હક્ક ઇચ્છતી હતી પરંતુ ભાઈઓએ તેમને સંપત્તિમાં ભાગ આપવાની ના પાડી હતી. જે બાદ 2002માં તેમણે અદાલતની શરણ લીધી હતી.
ટ્રાયલ કોર્ટે વર્ષ 2007માં તેમની અપીલને એમ કહીને ઠુકરાવી દીધી હતી કે તેમનો જન્મ વર્ષ 2005 પહેલા થયો છે. તેના કારણે તેઓ સમાન અધિકારીના હક્કદાર નથી. જે બાદ હાઈકોર્ટે પણ આવો જ ચુકાદો આપ્યો હતો. જે બાદ બંને બહેનો સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. અને સુપ્રીમ કોર્ટે પોતાનું અવલોકન આપતા હાઈકોર્ટના ચુકાદને પલટાવી નાખ્યો હતો.

Comments

comments

VOTING POLL