પુજારાને ટીમમાં સ્થાન ન આપીને કોહલીએ ગંભીર ભૂલ કરી ?

August 3, 2018 at 8:38 pm


પહેલી ટેસ્ટમાં પુજારાને ન મળી તક

ભારતીય ટેસ્ટ ટીમના મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં રમવાની તક ન મળી. કેપ્ટન વિરાટ કોહલીએ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન આપ્યું. આ પાછળનું કારણ પુજારાનું ખરાબ ફોર્મ પણ માની શકાય છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલા બે દિવસની રમત પર નજર નાખીએ તો અત્યાર સુધી આ મુકાબલો બરાબરીનો રહ્યો છે. ત્રીજા દિવસે ભારતીય બોલર્સ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને જલ્દી આઉટ કરવાનું લક્ષ્ય હશે. પહેલી ઈનિંગની વાત કરીએ તો ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 149 રન બનાવ્યા. કોહલી ઉપરંતા અન્ય કોઈ બેટ્સમેન 30 રન બનાવવામાં પણ સફળ નહોતો રહ્યો. પહેલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં ભારતનો મીડલ ઓર્ડર જેવી રીતે ફેલ થયો છે તેનાથી સવાલો થઈ રહ્યા છે કે શું પુજારાના ટીમમાં શામેલ ન કરવો વિરાટ કોહલીની ભૂલ તો નથી ને?

શું કહે છે આંકડાઓ?

પાછલા કેટલાક સમયથી ચેતેશ્વર પુજારા આઉટ ઓફ ફોર્મમાં છે. ઈંગ્લેન્ડમાં રમાયેલી કાઉન્ટી મેચોમાં પણ તેનું પ્રદર્શન સારું નહોતું રહ્યું. હાલમાં પુજારા આઉટ ઓફ ફોર્મ હોવા છતા ટીમને તેની ગેરહાજરી નડી હશે. પુજારાના આંકડાની વાત કરીએ તો તેની ઉપસ્થિતિમાં ભારતીય ટીમ લગભગ 57 ટકા મેચોમાં જીતી છે. તો પુજારા વિના ટીમ 23 ટેસ્ટમાં માત્ર 6 જીત મેળવી શકી છે.

પુજારાનું ટેસ્ટ કરિયર પર એક નજર

પુજારાના કરિયરની વાત કરીએ તો પુજારાએ અત્યાર સુધીમાં 58 ટેસ્ટ મેચોમાં 50.34ની એવરેજથી 4,531 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 સદી અને 17 અડધી સદી ફટકારી છે. જોકે વર્ષ 2018માં પુજારાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પુજારાએ આ વર્ષે રમાયેલી 4 ટેસ્ટ મેચોમાં 20થી પણ ઓછી એવરેજથી માત્ર 135 રન બનાવ્યા.

બીજી ટેસ્ટમાં મળશે સ્થાન?

પહેલી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં જે રીતે ચેતેશ્વર પુજારાની ગેરહાજરીમાં ભારતીય ટીમના મીડલ ઓર્ડરનો હાલ થયો છે, તેને જોતા આગામી મેચમાં વિરાટ કોહલી પુજારાના અનુભવનો ફાયદો ઉઠાવશે અથવા પછી ફરીથી નવા ખેલાડીને સ્થાન આપશે તે જોવું રહ્યું.

Comments

comments