પેટાચૂંટણીના પ્રચાર પ્રસારમા બંને પક્ષોના કાર્યકરોની ઉદાસીનતાથી ભાજપ અને કાેંગ્રેસની પ્રદેશ નેતાગીરી ચિંતિત

October 9, 2019 at 11:09 am


Spread the love

રાજ્ય વિધાનસભાની ખાલી છ બેઠકો પર તા. 21 મી આેક્ટોબરના રોજ યોજાનારી પેટાચૂંટણીના પ્રચાર માટે હવે માત્ર 11 દિવસનો જ સમય બાકી રહ્યાે છે ત્યારે હજુ સુધી પેટાચૂંટણીનો રાજકીય માહોલ જામ્યો નથી. ભાજપ અને કાેંગ્રેસના કાર્યકરો નીરસ અને નિષ્ક્રિય હોવાથી બંને પક્ષોના પ્રદેશ નેતાઆે ચિંતાતુર બન્યા છે અને કોઈ પણ ભોગે પક્ષના કાર્યકરોને સમજાવી ફોસલાવી પ્રચાર કાર્યમાં જોડવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. તેમ છતાં કાર્યકરોનું શિથિલ વલણ પ્રદેશ નેતાગીરી માટે અકળાવનારું બની રહ્યું છે.
સૂત્રોનું માનીએ તો પક્ષની નેતાગીરીની તાનાશાહી તથા એક તરફી નિર્ણય થી ભાજપના કાર્યકરો હવે ગળે આવી ગયા છે. દિવસ-રાત જોયા વગર પક્ષને વિજય અપાવવા લોહી પાણી એક કરનાર ભાજપના કાર્યકરોને ચૂંટણીટાણે ટિકિટ આપવાના બદલે બહારથી આવેલા તથા પક્ષ પલટો કરીને આવેલા ઉમેદવારોને ટિકિટ અપાતા ભાજપના કાર્યકરો સખત નારાજ થતા મોટાભાગના કાર્યકરો ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા છે. વાત હવે તો ત્યાં સુધી પહાેંચી ગઈ છે કે પ્રદેશના સ્વાર્થી નેતાઆે સાથે હવે ભાજપનો કાર્યકર અંતર રાખતો થઈ ગયો છે જે ભાજપ માટે સારી નિશાની તો હરગીજ ગણી ન શકાય.
આ પરિસ્થિતિમાં ભાજપને તેના સંગઠન પર્વ દરમિયાન નવા કાર્યકરોની નાેંધણીનો લક્ષ્ય પણ પૂરો થઈ શક્યો નથી. પરિણામે સ્થાનિક નેતાઆે, સાંસદો અને ભૂતપૂર્વ મંત્રીઆે વગેરેની ચૂંટણી સભાઆેમાં કાગડા ઉડતાં દેખાય છે અને સભામાં મતદારો તથા કાર્યકરોની ભીડ નહી દેખાતા નેતાઆે એવો બફાટ કરી રહ્યા છે કે એકાદ સીટ આેછી આવશે તો પણ ભાજપને કોઈ ફરક પડશે નહી.!!!
જ્યારે બીજી તરફ જૂથવાદ અને આંતર કલહથી પીડાતી કાેંગ્રેસની હાલત બાર સાંધે અને તેર તૂટે જેવી છે. સંગઠન ઉપર કાેંગ્રેસની પકડ એટલી બધી કમજોર થઈ ગઈ છે કે પક્ષના તાકાતવર નેતા અને કાર્યકરો પ્રદેશ પ્રમુખ સામે ખુલ્લેઆમ આક્ષેપો કરતા થઈ ગયા છે અને પ્રદેશ પ્રમુખના રાજીનામાની પણ માંગણી કરતા થયા છે. કાેંગ્રેસમાંથી ભાજપમાં જવાનો સિલસિલો યથાવતરીતે જારી રહ્યાે છે આ સંજોગોમાં ગુજરાતમાં કાેંગ્રેસની ડૂબતી નૈયા કેટલા ઉમેદવારો ને જીતાડશે તેના ઉપર મોટો પ્રશ્નાર્થ લાગી ગયો છે.
આમ પેટા ચૂંટણીનું ચિત્ર બરાબર જામ્યું નથી ત્યાં ભાજપ કરતાં કાેંગ્રેસની હાલત વધુ બદતર બની છે જેનો મહત્તમ લાભ ભાજપ ઉઠાવશે તેવી ચર્ચા ખુદ કાેંગ્રેસના વતુર્ળોમાં જ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.