પેસેન્જર વ્હિકલનું વેચાણ 17 ટકા ઘટયું, 8 વર્ષનો તીવ્ર ઘટાડો

May 14, 2019 at 10:31 am


એપ્રિલમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ 17.07 ટકા ઘટયું હતું, જે ઓકટોબર 2011 પછીનો સૌથી તીવ્ર ઘટાડો છે. તરલતાની તંગી, ચૂંટણી પરિણામોને લઈને પ્રવર્તતી અનિશ્ર્ચિતા અને વાહનોની ઉંચી કિંમત જેવા કારણોસર ગ્રાહકોનું સેન્ટિમેન્ટ ખરડાયું હોવાથી વેચાણ પર અસર પડી હતી. એપ્રિલમાં થયેલા ઘટાડાને કારણે પેસેન્જર વ્હિકલના વેચાણમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો થયો હતો. એપ્રિલ-18માં ભારતમાં કુલ 2,98,504 પેસેન્જર વ્હિકલ્સ વેચાયા હતા, જેની સામે એપ્રિલ-19માં 2,49,541 યુનિટનું વેચાણ થયું હતું. છેલ્લે ઓકટોબર 2011માં વેચાણમાં 19.87 ટકાનો તીવ ઘટાડો નોંધાયો હતો. એપ્રિલમાં ટૂ-વ્હિલર્સ અને કોમર્શિયલ વ્હિકલ્સ સહિતના તમામ મુખ્ય સેગમેન્ટ્સના વેચાણ ઘટયા હતા એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચર્સ (એસઆઈએએમ) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી માહિતી પરથી જાણવા મળે છે.

એપ્રિલ-2018માં 2,00,183 કાર વેચાઈ હતી જેની સામે એપ્રિલ-19માં 1,60,279 કાર વેચાઈ હોવાથી તેમાં 19.93 ટકાનો ઘટાડો થયો હતો. મોટરસાઈકલનું વેચાપ 12,30,046 યુનિટની સામે 11.81 ટકા ઘટીને 10,84,811 યુનિટ થયું હતું.

એપ્રિલમાં ટુ-વ્હિલરનું વેચાણ 16.36 ટકા ઘટીને 16,38,388 યુનિટ થયું હતું, જે ગયા વર્ષના એપ્રિલમાં 19,58,761 યુનિટ હતું. આવી જ રીતે કોમર્શિયલ વ્હિકલનું વેચાણ પણ 5.98 ટકા ઘટીને 68,680 યુનિટ થયું હતું. ઓટો ઉદ્યોગના તમામ સેગમેન્ટ્સના વેચાણમાં 15.93 ટકાનો ઘટાડો થયો હતો એમ એસઆઈએએમએ જણાવ્યું હતું. કુલ વેચાણ 23,90,294 યુનિટથી ઘટીને 20,01,096 યુનિટ થયું હતું. એસઆઈએએમના ડેપ્યુટી ડિરેકટર જનરલ સુગાતો સેને જણાવ્યું હતું કે, જો રિટેલ વેચાણના આંકડા જોઈએ તો તમામ સેગમેન્ટમાં વેચાણ ઘટયું હતું. હોલસેલ વેચાણ પણ ડાઉન છે.

Comments

comments

VOTING POLL