પૉપકોર્નવાળાએ રીક્ષાના પૈંડા ઉધાર લઈ ઘરે જ બનાવ્યું પ્લેન

May 9, 2019 at 8:52 pm


પાકિસ્તાનમાં એક પૉપકોર્ન વાળો ખૂબ વાહ વાહી લૂટી રહ્યો છે. તેણે જે પરાક્રમ કરી બતાવ્યું છે તેનાથી પાકિસ્તાનની એરફોર્સનું ધ્યાન પણ તેના તરફ ખેંચાયું છે. મોહમ્મદ ફૈયાઝે એક દેશી પ્લેન બનાવ્યું છે. એટલું જ નહીં તેણે દાવો કર્યો છે કે આ પ્લેન તેણે આકાશમાં પણ ઉડાવ્યું હતું. પ્લેનનું એન્જીન બનાવવા માટે તેણે રોડકટરનો ઉપયોગ કર્યો હતો, જ્યારે તેના પાંખીયા બનાવવા માટે ઝાડા કંતાનનો ઉપયોગ કર્યો હતો, તો વ્હિલ માટે રીક્ષાના પૈંડા ઉધાર લીધા હતા. મોહમ્મદ ફૈયાઝ ખૂબ ઓછું ભણેલો છે.

ફૈયાઝે ટીવી ક્લિપ્સ અને ઓનલાઇન બ્લૂપ્રિન્ટ્સ જોઈને આ દેશી વિમાન બનાવ્યું હતું. ફૈયાઝ કહે છે કે, “હું ખરેખર હવામાં હતો. મને બીજો કોઈ અહેસાસ થઈ રહ્યો ન હતો.”ફૈયાઝે દાવો કર્યો છે કે તેણે પોતાના પ્લેનને હવામાં ઉડાવ્યું હતું. આ વાતને પાકિસ્તાન એરફોર્સ ગંભીરતાથી લીધી હતી અને તેના પ્રતિનિધિઓ અનેક વખત મારી મુલાકાત લઈ ચુક્યા છે. મારા કામની પ્રશંસા કરતા તેઓ મને સર્ટિફિકેટ પણ આપી રહ્યા છે.
ફૈયાઝ હાલ પંજાબ વિસ્તારના તબુર ગામમાં ત્રણ રૂમના મકાનમાં રહે છે. આ સમાચાર પ્રગટ થયા બાદ અનેક લોકો તેના ઘરની મુલાકાત લઈ રહ્યા છે અને તેના સર્જન વિશે માહિતી મેળવી રહ્યા છે.

32 વર્ષીય ફૈયાઝની બાળપણથી એરફોર્સમાં જોડવાની ઈચ્છા હતી. ફૈયાઝ જ્યારે ધો-8માં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેના પિતાનું મોત થયું હતું, આથી તેણે અધવચ્ચે જ અભ્યાસ છોડવો પડ્યો હતો. ફૈયાઝે બાદમાં તેની માતાને કામમાં મદદ કરવાનું કામ શરૂ કર્યું હતું. આકાશમાં ઉડવાની ઈચ્છા અધૂરી રહી ગયા બાદ સમય જતાં ફૈયાઝે પોતાનું જ પ્લેન બનાવવાનું શરૂ કરી દીધું હતું. ફૈયાઝ દિવસે પૉપકોર્ન વેચવાનું કામ કરતો હતો, જ્યારે રાત્રે સુરક્ષા ગાર્ડ (ચોકીદાર)નું કામ કરતો હતો. તે પોતાની કમાણીનો એક એક પૈસાની બચત કરતો હતો.

પ્લેન બનાવવા માટે ફૈયાઝે પોતાની જમીનનો નાનો ટુકડો પણ વેચી નાખ્યો હતો, એટલું જ નહીં તેણે એક એનજીઓ પાસેથી રૂ. 50 હજારની લોન પણ લીધી હતી.ફૈયાઝ કહે છે કે બે વર્ષની મહેનત બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેનું પ્લેન તૈયાર થઈ ગયું હતું. ફૈયાઝે દાવો કર્યો હતો કે ફેબ્રુઆરીમાં તેણે પ્રથમ વખત પ્લેનને હવામાં ઉડાવ્યું હતું. આ માટે તેના મિત્રોએ એક રસ્તાને થોડા સમય માટે બંધ કરી દીધો હતો. આ રસ્તાનો તેણે રન-વે તરીકે ઉપયોગ કર્યો હતો.

પ્રથમ વખતની ટ્રાયલ સફળ રહ્યા બાદ ફૈયાઝે ગામ લોકો સામે પ્લેન ઉડાવવાનું નક્કી કર્યું હતું. જોકે, આ સમયે તે પ્લેન ઉડાવે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેનું વિમાન પણ જપ્ત કરી લીધું હતું. જોકે, બાદમાં તેને રૂ.3,000ના જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL