પોતાના જ સાથી જબીર મોતીની દાઉદે જ ધરપકડ કરાવ્યાની આશંકા

August 22, 2018 at 11:20 am


તાજેતરમાં જ લંડનમાંથી દાઉદ ઈબ્રાહીમના જમણા હાથ સમાન જબીર મોતીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે એવો ધડાકો થયો છે કે જબીરની ધરપકડ દાઉદ ઈબ્રાહીમે જ કરાવી હતી ! સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદ જેના ઉપર ભરોસો નથી કરતો તેને ગેંગમાંથી બહાર કરી રહ્યો છે. દાઉદની આ કથિત રણનીતિથી તેના વિરોધીઓની સાથે સાથે સુરક્ષા એજન્સીઓ પણ આશ્ર્ચર્યચકિત છે.
પોતાના સૌથી વફાદાર સહયોગી છોટા શકિલને પોતાની જગ્યા બતાવ્યા બાદ લાંબા સમયથી બીમાર દાઉદ ઈચ્છે છે કે તેનો કારોબાર હવે પરિવારનો જ કોઈ વ્યક્તિ સંભાળે. દાઉદના મુખ્ય સહયોગી જબીર મોતીની તાજેતરમાં જ લંડનમાંથી ધરપકડ કરવામાં આવી છે જે એ વાત પર ઈશારો કરે છે કે દાઉદ એક-એક કરીને અવિશ્ર્વસનીય સહયોગીઓને બહારનો રસ્તો બતાવી રહ્યો છે તેથી જ દાઉદે જ જબીરની ધરપકડ કરાવી હોઈ શકે છે.
દાઉદ છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર છે અને હવે તે માત્ર યુકે અને યુએસથી જ નહીં પરંતુ એશિયન અને આફ્રિકન દેશોમાંથી પણ પોતાનો કારોબાર સમેટી લેવા માગે છે. તે ઈચ્છે છે કે બીજો કારોબાર હવે તેનો ભાઈ અનીસ ઈબ્રાહીમ અને તેના પરિવારજનો કોઈ વ્યક્તિ સંભાળે.
જો કે જબીરની લંડનમાંથી ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓને આશાનું કિરણ નજરે પડયું છે. ખાસ કરીને એ એજન્સીઓને જે મોઝેમ્બીકમાં આ વર્ષે બિઝનેસ ટાયકુન પ્રમોદ ગોયન્કાના અપહરણ અને હત્યાની તપાસ કરી રહ્યા છે.
હવે ભારતીય સુરક્ષા એજન્સીઓ ઈન્ટરપોલ મારફતે લંડન પોલીસનો સંપર્ક કરી શકે છે. જો કે ભારત લંડન પાસેથી જબીરનો કબજો લઈ શકે તેમ નથી. ઈન્ટરપોલ યુકે પોલીસ સામે જબીરની પૂછપરછ કરી શકે છે.
લંડનમાં રહેતો પાકિસ્તાની નાગરીક જબીર યુકે અને યુએસમાં દાઉદનો કારોબાર સંભાળતો હતો. તે દાઉદના સહયોગી ઈકબાલ મીર્ચી અને તેના લંડનમાં રહેતાં કારોબારી ભાણેજ આસિફ સાથે પણ નજીકનો ઘરોબો ધરાવતો હતો.

Comments

comments

VOTING POLL