પોરબંદરમાં મકાન પચાવી પાડવાના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર કરતી હાઈકોર્ટ

September 11, 2018 at 4:50 pm


Spread the love

પોરબંદરમાં મકાન પચાવી પાડવાના કેસમાં આરોપીના આગોતરા જામીન હાઈકોર્ટે મંજુર કર્યા છે.પોરબંદરના જયેન્દ્ર મોરારજી વાયડા દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નાેંધાવેલ હતી કે કેશુભાઈ બોખીરીયા અને નિલેશ પાંજરી દ્વારા દાદાગીરી કરી તેનું મકાન ગેરકાયદેસર રીતે પચાવી પાડેલ છે. અને મકાનમાં રહેલો તેનો સામાન પણ સગેવગે કરી નાંખેલ છે અને તેથી જ તે અન્વયે નિલેશ પાંજરી દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા અને તેમાં હાઈકોર્ટના એડવોકેટ આશિષ ડગલી દ્વારા વિગતવારની દલીલ કરી જણાવેલ કે આ મકાન નિલેષ પાંજરી દ્વારા અઘાટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ છે અને તેઆે કાયદેસરના મકાનના માલીક છે. એટલું જ નહી ફરિયાદી જયેન્દ્રભાઈ દ્વારા પોરબંદરની સિવીલ કોર્ટમાં દાવો પણ કરેલ છે અને તે દાવો પણ પેન્ડીગ છે. એટલું જ નહી, આ જ બાબતની અગાઉ જયેન્દ્રભાઈ દ્વારા ફરિયાદ કરેલી હતી અને તેમાં પોલીસે જવાબો પણ લીધેલા છે અને તે રીતે એકને એક ફરિયાદ વારંવાર થઈ શકે નહી. તેમજ એક ને એક કાર્યવાહી બીજીવાર કરી શકાય નહી. અને જ્યાં સિવિલ મેટર પેન્ડીગ હોય ત્યારે તે બાબતે ફોજદારી કાર્યવાહી કરી શકાય નહી તેવી સુપ્રિમ કોર્ટની આેથાેરીટી રજુ કરતા ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એ.જી. દેસાઈ દ્વારા રેકર્ડ ઉપરના તમામ આધારો, પોલીસ પેપર્સ તથા રજી. વેચાણ દસ્તાવેજ તથા સિવીલ કોર્ટના દાવાની હકિકતો ધ્યાને લઈ ખારવા આગેવાન નિલેષ પાંજરીના આગોતરા જામીન શરતોને આધીન મંજુર કરેલ છે. આ કામમાં આરોપી વતી અમદાવાદમાં આશિષભાઈ ડગલી તથા પોરબંદરમાં ભરતભાઈ બી. લાખાણી, નવઘણભાઈ જાડેજા રોકાયેલા હતા.