બહેન પાસેથી મોબાઇલ મળતાં ધર્મેશ ઉશ્કેરાયો અને વાત પ્રેમીના મિત્રની હત્યા સુધી પહોંચી

May 29, 2018 at 4:20 pm


કુવાડવા રોડ પાસે ગઈકાલે સાંજે સરાજાહેર યુવાનની થયેલી હત્યામાં પોલીસે ચાર શખસો વિધ્ધ ગુનો નોંધીને ખૂનીઓની શોધખોળ હાથ ધરી છે. એવામાં ચોંકાવનારી વિગત એવી પણ આવી છે કે, બહેન પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં ઉશ્કેરાયેલો તેનો ભાઈ પ્રેમિના મિત્રની હત્યા કરવા સુધી પહોંચી ગયો હતો. પોલીસે ખૂનીઓના ઘરે દરોડો પાડતાં ત્યાં તાળાં લટકતા જોવા મળ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે કુવાડવા રોડથી જૂના મોરબી રોડને અડતાં 80 ફૂટ રોડ સુધીમાં બનેલી આ ઘટનામાં કિશન ધીભાઈ જાદવાણી (ઉ.વ.20)ની હત્યા થઈ હતી. આ બનાવ અંગે મોરબી રોડ પાસે જમના પાર્ક શેરી નં.7માં રહેતા કિશનના પિતા ધીભાઈ હરિભાઈ જાદવાણી (ઉ.વ.50)ની ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે રાકેશ ઉર્ફે લાલો સુરેશ સગર, ધર્મેશ ઉર્ફે ધમો બાબુભાઈ ભાલુ સગર અને બે અજાણ્યા ઈસમો વિધ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, કિશનના મિત્ર જતીન મગનભાઈ ગોહેલ (રહે.મોરબી રોડ પાસે, જકાતનાકા શાકમાર્કેટ નજીક)ને આરોપી ધર્મેશ ઉર્ફે ધમોની બહેન વૈશાલી સાથે પ્રેમસંબંધ હતો. વૈશાલી પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં ધર્મેશના તેના અફેરની ખબર પડી હતી એ સાથે જ ઉશ્કેરાયેલા ધર્મેશે પોતાના સાગરીતો સાથે મળીને બઘડાટી બોલાવવાનું કાવતરું ઘડયું હતું જે અનુસાર ગઈકાલે સાંજે ધર્મેશે જતીનને કુવાડવા રોડ પર સમાધાન કરવા માટે બોલાવ્યો હતો.
જતીન સાથે તેનો કૌટુંબિક ચિરાગ દેવશી ગોહેલ અને કિશન ધીભાઈ જાદવાણી એક જ બાઈક પર ગયા હતા. કુવાડવા રોડ પર નાગબાઈ પાનના ગલ્લેથી સમાધાન પતાવ્યા બાદ જતીન, ચિરાગ અને કિશન બાઈક પર પરત ઘેર જતા હતા ત્યારે હમલાખોરો પૈકી બે શખસોએ અપશબ્દો ભાંડયા હતા જેમાં પાછળ બેઠેલા કિશને સામા અપશબ્દો કહેતા હમલાખોરે તેને છરીનો એક ઘા ગરદનથી નીચે પાછળના ભાગે ઝીંકી દીધો હતો.
હમલા બાદ છરી નીચે પડી ગઈ તેને ઉપાડીને હમલાખોર બીજો ઘા ઝીંકશે તેવી બીકે કિશનના મિત્રએ બાઈક ભગાવ્યું હતું તે દરમિયાન કિશનને હોસ્પિટલે લઈ જવામાં તે પહેલાં જ તેની લોથ ઢળી ગઈ હતી.
એક વર્ષ પહેલાં અકસ્માતના બનાવમાં માંડ માંડ બચેલા કિશનનું મિત્રના પ્રેમ પ્રકરણને લીધે જીવ લેવાતાં ગુર્જર સુથાર પરિવારમાં ભારે શોક પ્રસરી ગયો હતો. બે ભાઈ અને બે બહેનમાં બીજા નંબરનો કિશન છોટા હાથી ચલાવીને ગુજરાન ચલાવતો હતો.
આ બનાવની ખબર પડતાં જ બી-ડિવિઝનના પીઆઈ આર.એસ. ઠાકર તેમજ ડી-સ્ટાફની ટીમે હત્યારાઓને પકડી પાડવા માટે મોરબી રોડ પાસે કચ્છી લોહાણા વાડી નજીક આવેલ તેમના રહેણાંક પર દરોડા પાડયા હતા. જો કે, પોલીસ પહોંચે તે પહેલાં હથિયારા ઘરે તાળાં મારીને નાસી છૂટતાં પોલીસે અન્યત્ર શોધખોળ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL