બાકીના ત્રણના 26 જાન્યુઆરીએ ખાતમુહંર્ત કરાશે

December 2, 2019 at 4:12 pm


Spread the love

આગામી તારીખ 26 જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની રાજકોટમાં ઉજવણી કરવામાં આવનાર છે અને તે માટે મુખ્ય કલેકટર કચેરી, જૂની કલેકટર કચેરી, અને બંને ઝોન મામલતદાર કચેરી મળી ચાર નવા જનસેવા કેન્દ્ર શરુ કરવામાં આવશે તેવી જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
પરંતુ હવે એક માત્ર નવી કલેકટર કચેરીમાં ગાંધીનગરની પેટર્ન પર નવું જનસેવા કેન્દ્ર શરુ કરવામાં આવશે.બાકીની ત્રણ જગ્યાએ હાલ તુરત માત્ર ખાતમુહંર્ત કરાશે અને ભવિષ્યમાં જન સેવા કેન્દ્ર શરુ કરાશે.
કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ બંને મામલતદાર કચેરીમાં જો જનસેવા કેન્દ્ર શરુ કરવામાં આવે તો હાલની કામગીરીને અસર થાય તેમ હોવાથી ત્યાં માત્ર ખાતમુરત કરવામાં આવશે.જયારે જુની કલેકટર કચેરીમાં હાલના કેન્દ્રને અપગ્રેડ કરવામાં આવશે. વરસાદી પાણી કેન્દ્રની અંદર ન આવે તે માટે જૂની કલેકટર કચેરીમાં આવા કેન્દ્ર પર છાપરા નાખવાનું કામ કરવામાં આવશે.
નવી કલેકટર કચેરીમાં શરુ થનારા જન સેવા કેન્દ્રમાં અરજદારોને બેસવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને દરેક અરજદારને ટોકન ફાળવવામાં આવશે. નંબરના આધારે જે અરજદારનો વારો આવે તેણે કાઉન્ટર પર જવાનું રહેશે.આ ઉપરાંત પીવાના પાણી, ટેલિવિઝન જેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.વધારામા અરજદારો સાથે આવતા નાના બાળકો માટે ખાસ ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવવામાં આવનાર છે. નવું જન સેવા કેન્દ્ર વાતાનુકૂલિત હશે.