બોપલમાં પાણીની ટાંકી તુટી જતાં ત્રણ લોકોના કરૂણ મોત

August 12, 2019 at 9:22 pm


અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીની વિશાળ એક ટાંકી ધરાશાયી થઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિના મોત અને છ વ્યકિતઓ ઘાયલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જર્જરિત થઇ ગઇ હોવાના કારણે પાણીની આ ટાંકી આજે બપોરે ધરાશયી થઇ જતાં તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ. દુર્ઘટનાને પગલે વિદેશ પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોનિક વાતચીત કરીને કલેક્ટર પાસે સ્થિતિની માહિતી મેળવી હતી. દુર્ઘટનાનો બનાવ બાજુમાં આવેલી કેટરિંગના શેડ પાસે બન્યો હતો. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી કકડભૂસ થતાં તેની નીચે છ થી વધુ લોકો દબાયા હતા. જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં એક વ્યક્તિના બે પગ કપાઇ જતા તેની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અચાનક ટાંકી નમી ત્યારે કારીગરો પૈકી જે હતા હાજર તેઓ દોડીને બહાર નીકળ્યા ગયા હતા. જો કે, નવ લોકો બહાર નીકળી શક્યા ન હતાં. આ ગંભીર દુર્ઘટનામાં રવિ જાદવ, રામદરી કુશવાહ, વિક્રમ ભૌમિકના કરૂણ મોત નીપજયા હતા જયારે સુશીલ દિવાકર, અજય દિવાકર, જયરામ, અઠ્ઠાદારામ, કિશોર અને ચેહર ઠાકોર ઇજાગ્રસ્ત થયા હતા. મુખ્યમંત્રીએ રશિયાથી કલેકટર વિક્રાંત પાંડે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને મૃતકોને સહાય આપવાની ખાતરી આપી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચનાને પગલે અમદાવાદ જિલ્લા કલેકટરે તાત્કાલિક સમગ્ર દુર્ઘટનામાં જરૂરી તપાસના આદેશો આપ્યા હતા. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે બોપલ ખાતે પાણીની ટાંકી તુટી પડતાં સર્જાયેલી દુર્ઘટના બાબતે અમદાવાદના કલેક્ટર તથા સ્થાનિક પદાધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તેમજ તેમના પરિવારોને યોગ્ય સહાય મળે તે માટે સૂચનાઓ આપી હતી. ભાજપાના પદાધિકારીઓ અને કાર્યકરોને પણ આ દુઃખની ઘડીએ ઇજાગ્રસ્તોની સાથે રહી તેમને સાંત્વના આપી તમામ પ્રકારની મદદ પહોંચાડવા સૂચના આપી હતી. બોપલમાં બનેલી કમકમાટીભરી ઘટનાને લઇને શહેરમાં ભારે ચર્ચા જાવા મળી હતી. આ બનાવની નોંધ અમિત શાહે પણ લીધી હતી.

Comments

comments