ભાજપ દ્વારા ઘરના ઘરની યોજનાને હવે લોકસભાની ચૂંટણી પહેલાં જ પૂર્ણ કરાશે

February 7, 2018 at 11:51 am


ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં લોકોને સ્પર્શતી ઘરનુ ઘર યોજનાને તાકીદે હાથ ઉપર લેવા મ્યુનિ.સત્તાધીશોને સૂચના પાઠવી છે અને તેના પગલે મ્યુનિ.નાં સબંધિત વિભાગો-અધિકારીઓને લક્ષ્યાંક હાંસલ કરવાની તાકીદ કરવામાં આવી છે.

મ્યુનિ.સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આગામી લોકસભા ચૂંટણી પૂર્વે શાસક ભાજપ દ્વારા અનેક લોકાભિમુખ યોજનાઓનો યુધ્ધનાં ધોરણે અમલ કરાવવા કવાયત હાથ ધરાઇ છે. કેન્દ્ર સરકારનાં બજેટમાં પણ ગરીબો અને ગામડાઓને રાહતો જાહેર કરવામાં આવી છે. હવે શહેરી ગરીબ અને મધ્યમવર્ગની ઘરનાં ઘરની લાગણીને ધ્યાને લઇ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાઉસીંગ ફોર ઓલ-૨૦૨૨નો અમલ કરવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો છે અને ગત ચૂંટણીમાં તેમાંથી ૨૬માંથી ૨૬ બેઠકો ભાજપે કબજે કરતાં દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પરંતુ તે સમય અલગ હતો તેવુ સ્વીકારતાં મ્યુનિ. ભાજપનાં સૂત્રોએ કહયું કે, વિધાનસભા ચૂંટણીમાં જે રીતે પાર્ટીની બેઠકો ઘટી ગઇ છે તે જોતાં લોકસભા ચૂંટણીમાં ૨૬ સીટો જીતવા સામે મોટો પડકાર સર્જાયો છે. તેથી આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો કબજે કરવા અત્યારથી જ મતદારોને અનેક પ્રકારે રિઝવવાની રણનીતિ અમલમાં મુકવી પડશે.

મ્યુનિ. ભાજપનાં સૂત્રોએ કહયુ કે, કોંગ્રેસે પણ લોકોને ઘરનાં ઘર આપવાનુ વચન આપ્યુ હતું, તેની સામે ભાજપે પણ ઘરનાં ઘરનુ વચન આપ્યુ હતું. જોકે તમામ નાગરિકોને રાહતદરે ઘરનાં ઘર આપવા શકય ન હોવાથી ગરીબ આવાસ યોજના, એલઆઇજી-એમઆઇજી સ્કીમ ઉપરાંત એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ અમલમાં મુકાવવામાં આવી છે. તેમજ ચોથી એક સ્કીમ છે જેની મોટાભાગના નાગરિકોને જાણ જ નથી તે પણ આ વખતે તેની જાણકારી આપવાની જવાબદારી પ્રદેશ-શહેર ભાજપ ઉપર લાદવામાં આવશે.

સૂત્રોએ કહયું કે, શાસક ભાજપે અનેક લોકાભિમુખ યોજનાઓનો અમલ શરૂ કરવા કવાયત હાથ ધરી છે, તેમાંય લોકોને સ્પર્શતી ઘરનુ ઘર યોજના અંતર્ગત જુદા જુદા પ્રકારે ૩૦થી ૪૦ હજાર મકાનો તૈયાર કરાવવા મ્યુનિ. સત્તાધીશોને યુધ્ધનાં ધોરણે કામગીરી કરવા સૂચના પાઠવાઇ છે. તેના પગલે મ્યુનિ.કમિશનરે ઇડબલ્યુએસ અને એલઆઇજીનાં મકાનો બનાવવા નવા પ્લોટ આઇડેન્ટીફાઇ કરવા અને તેનાં કલીયરન્સ સહિતની કામગીરી એસ્ટેટ-ટીડીઓ મધ્યસ્થ કચેરીને સુપ્રત કરી છે.

પ્લોટસનુ કલીયર થઇ જાય તે પછી હાઉસીંગ પ્રોજેકટ વિભાગને ટેન્ડર-બાંધકામ સહિતની કામગીરી હાથ ધરવા તથા મકાનો તૈયાર થઇ જાય એટલે તેનાં વિતરણ માટે ફોર્મ, લકી ડ્રો વગેરેની જવાદારી એસ્ટેટ ટીડીઓ ખાતાને સોંપવામાં આવી છે. લાઇટ, રોડ, વોટર અને ડ્રેનેજ પ્રોજેકટ ઉપરાંત ઝોનલ ઇજનેર ખાતાને પણ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તો નાણાંખાતાએ ડ્રો બાદ બેંકો સાથે સંકલન કરી નાગરિકોને લોન અપાવવા સહિતની કામગીરી કરવાની રહેશે.
આમ આગામી દિવસોમાં તો મ્યુનિ. તંત્ર દ્વારા ઘરનાં ઘરની યોજનાનાં લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભારે દોડધામ કરવામાં આવશે તેવી માહિતી આપતાં સૂત્રોએ કહયું કે, વિવિધ યોજનાઓ અંતર્ગત એક વર્ષમાં ૩૦થી ૪૦ હજાર આવાસ તૈયાર કરી લોકાર્પણ કરાશે.

એસ્ટેટ-ટીડીઓ વિભાગને કામ પૂરા કરવાની જવાબદારી સોંપાઈ

મ્યુનિ. દ્વારા બાંધવામાં આવતાં મકાનો ઉપરાંત જયાં જયાં એફોર્ડેબલ હાઉસીંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને બિલ્ડરોને મ્યુનિ., રાજય તથા કેન્દ્ર તરફથી લાભ આપવામાં આવ્યા છે તેમને એફોર્ડેબલ હાઉસીંગનાં પ્રોજેકટ મુકાવવા, ઝડપથી પૂરા કરાવવા અને લોકોને મકાન સરળતાથી મળે તે માટે એસ્ટેટ-ટીડીઓ ખાતાને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ઝુંપડા ત્યાં આવાસ યોજના અંતર્ગત ઝુંપડાનો સર્વે કરવો-કરાવવો અને નાગરિકોને તૈયાર કરી બિલ્ડરોને કામ સોંપી પાકા મકાનો બનાવડાવવાની જવાબદારી પણ એસ્ટેટ-ટીડીઓ, હાઉસીંગ પ્રોજેકટ વગેરેએ સંયુક્ત રીતે કરવાની રહેશે.

Comments

comments

VOTING POLL