ભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો વધારોઃ રાજકોટની ગટરનું પાણી ઠલવાતા આજી-2માં 2 ફૂટ નવા નીર

June 19, 2019 at 12:39 pm


Spread the love

રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ નહી પરંતુ રૂ’પાણી’ સરકાર વરસતા ભાદર-1 ડેમ સુધી સૌની યોજનાના નર્મદા નીર પહાેંચ્યા છે અને તે નર્મદા નીરથી ડેમની સપાટીમાં વધારો થયો છે. કુલ 34 ફૂટની ઉંડાઈના ભાદર-1 ડેમની સપાટી હાલ 4.30 ફૂટ થઈ ગઈ છે.

વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કુલ 79 પૈકી હજુ 74 ડેમ કોરાધાકોડ પડયા છે. ફકત આજી, ન્યારી અને ભાદર તેમજ ગાેંડલના વેરી તળાવ અને આશાપુરા ડેમમાં સૌની યોજનાનું પાણી છે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગઈકાલે મોસમનો પહેલો અઢી ઇંચ વરસાદ વરસતાં શહેરમાં ચોમેર પાણી-પાણી થઈ ગયું હતું. સ્માર્ટ સિટી રાજકોટમાં વરસાદી પાણીના સંગ્રહની કોઈ વ્યવસ્થા ન હોય શહેરમાં વરસતા વરસાદનું પાણી ડ્રેનેજ ગટર મારફતે સીધું પડધરી નજીક આવેલા આજી-2 ડેમમાં ઠલવાઈ જાય છે. દરમિયાન ગઈકાલે રાજકોટમાં અઢી ઇંચ પાણી વરસતાં આજી-2 ડેમની સપાટીમાં 1.90 ફૂટનો વધારો નાેંધાયો છે. કુલ 30 ફૂટની ઉંડાઈના આજી-2 ડેમની સપાટીમાં 1.90 ફૂટનો વધારો થતાં હાલ ડેમની સપાટી 12.80 ફૂટે પહાેંચી ગઈ છે. આજી-2 ડેમમાં મહદ્અંશે રાજકોટની ડ્રેનેજનું પાણી જ ઠલવાતું રહે છે.