ભાનુશાલી હત્યા કેસનો આરોપી જયંતિ ઠક્કર આઠ દિવસના રિમાન્ડ પર

April 13, 2019 at 9:04 am


ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીના ચકચારી હત્યા કેસમાં એક પછી એક આરોપીઓને ધરબોચી લેવામાં સીટને સફળતા મળી રહી છે. ગુરૂવારે આ કેસમાં સંડોવાયેલા જયંતિ ઠક્કર (ડુમરાવાળા)ની ધરપકડ કર્યા બાદ ભચાઉ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મનાતા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની અટકાયત અને રિમાન્ડમાં આવેલી વિગતો બાદ સીટની ટીમ દ્વારા ગુરૂવારે ભુજમાંથી જયંતિ ઠક્કરની ધરપકડ કરી હતી અને આ કેસમાં તેની સંડોવણી અંગે સઘન પૂછપરછ કરવા માટે ભચાઉ કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડની માગ સાથે રજૂ કરતાં ભચાઉ કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સીટની ટીમ દ્વારા આ કેસમાં જયંતિ ઠક્કરની આર્થિક મદદ કે શાર્પ શૂટરો સાથે આર્થિક વ્યવહારની આશંકા વ્યક્ત થઈ રહી છે અને આ આઠ દિવસના રિમાન્ડ દરમિયાન આ મુદ્દે તેની સઘન પૂછપરછ કરવામાં આવે તેમ મનાઈ રહ્યું છે. ભાજપના નેતા જયંતિ ભાનુશાલીની હત્યા બાદ કચ્છ સહિત ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. તાત્કાલિક સરકાર દ્વારા સીટનું ગઠન કરી તપાસના આદેશો આપ્યા બાદ સીટની ટીમ દ્વારા એક પછી એક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં મુખ્ય સૂત્રધાર મનાતા છબીલ પટેલની વિદેશમાંથી આવતાંની સાથે જ એરપોર્ટ પરથી અટકાયત કરી લેવામાં આવી હતી અને રિમાન્ડ દરમિયાન તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી જેમાં અનેક ખુલાસાઓ થયા હોવાનું મનાઈ રહ્યું છે.
ગુરૂવાર સાંજે સીટની ટીમ દ્વારા ભુજથી આ ગુનામાં સંડોવાયેલા જયંતી ઠક્કર (ડુમરાવાળા)ની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. અને બાદમાં ભચાઉ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરતાં કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દિવસોમાં આરોપીની સઘન પૂછપરછ કરી હત્યા કેસની કડીઓ મેળવવામાં આવશે. અત્યાર સુધીમાં આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વધુ એક આરોપીની ધરપકડથી કચ્છમાં ભારે ચકચાર જાગી છે અને રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસાઓ બહાર આવે તેમ મનાઈ રહ્યું છે.

Comments

comments