મત ગણતરી કેન્દ્ર ખાતે અર્ધલશ્કરી દળો સહિત ૮૦૦ જવાનો તૈનાત

May 22, 2019 at 12:43 pm


Spread the love

રાજકોટ સહિત દેશભરમાં આગામી ૨૩–મેના રોજ લોકસભાની ચૂંટણીની મત ગણતરી યોજાનાર હોય ૧૦–રાજકોટ સંસદીય મત વિસ્તારની મત ગણતરી રાજકોટની ભાગોળે આવેલ કણકોટ સ્થિત સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવનાર હોય જેની તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે. મત ગણતરી કેન્દ્ર ખાતે સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળોને સાથે રાખી ત્રિસ્તરીય સુરક્ષા–વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને મત ગણતરી કેન્દ્ર ખાતે ૮૦૦ જેટલા જવાનોને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાના સુપરવિઝન હેઠળ સમગ્ર બંદોબસ્તનું રિહર્સલ પણ યોજાયું હતું. મત ગણતરી કેન્દ્ર ખાતે કોઈ ગરબડી ન થાય તે માટે સઘન સુરક્ષા–વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રાજકોટ લોકસભાની બેઠક માટે યોજાનાર મત ગણતરી કેન્દ્ર ખાતે પોલીસ છેલ્લા એક માસથી બંદોબસ્ત જાળવી રહી છે અને ઈવીએમની સુરક્ષા–વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યા બાદ રાઉન્ડ ધ કલોક ચોકીપહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો.
આગામી બે દિવસ બાદ ૨૩–મેના રોજ યોજાનાર મત ગણતરી દરમિયાન પોલીસ સુરક્ષા–વ્યવસ્થા જાળવશે. બંદોબસ્ત માટ રાજકોટના સ્થાનિક પોલીસ ઉપરાંત મોરબી જિલ્લાની પોલીસને પણ બંદોબસ્ત માટે બોલાવવામાં આવી છે. રાજકોટ લોકસભાની બેઠકમાં ૭–વિધાનસભાની સીટનું મતદાન થયું હોય આથી મત ગણતરી કેન્દ્ર ખાતે રાજકીય પક્ષના આગેવાનો સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં આવનાર હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ પોલીસ તકેદારી રાખી રહી છે તેના માટે સ્થાનિક પોલીસ સાથે બીએસએફની એક કંપની તેમજ એસઆરપીની બે કંપની સહિત ૮૦૦થી વધુ પોલીસ જવાનોને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે.જિલ્લા ચૂંટણી તત્રં દ્રારા પણ પોલીસ સાથે તૈયારીઓને આખરીઓપ આપી મત ગણતરી કેન્દ્ર આસપાસ કોઈ ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. ચૂંટણીપંચના આદેશ મુજબ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને મત ગણતરી કેન્દ્રની અંદર તેમજ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે તેમજ મત ગણતરી કેન્દ્રની બહાર ઘોડેસવાર પોલીસ પણ પેટ્રોલિંગ કરશે અને સ્થાનિક પોલીસ પણ પેટ્રોલિંગ કરશે તેમજ વાહન ચેકિંગ કરવામાં આવશે