મવડીમાં ડામર રોડને 1.52 કરોડનું નુકસાનઃ નાનામવા, રૈયાને સિમેન્ટ રોડ મવડીને નનૈયો

November 8, 2019 at 4:22 pm


Spread the love

1998-99માં મવડી,નાનામવા અને રૈયા ગામને રાજકોટ મહાપાલિકાની હદમાં ભેળવ્યાને 20 વર્ષ વિતી ગયા છતા મવડી વિસ્તાર અને તેને લાગુ સોસાયટીઆેમાં રસ્તાઆેની સ્થિતિ હજુ પણ જેમની તેમ જ રહી છે. દર વર્ષે ડામર રોડ બનાવાય છે અને ચોમાસામાં તેનું ધોવાણ થઇ જાય છે તેમ છતાં ક્યારેય મવડીને સિમેન્ટ રોડની ભેટ આપવામાં આવતી નથી.

બીજી બાજુ નાનામવા મેઈન રોડ અને રૈયા ચોકડી થી રૈયા ગામ સુધીના રૈયારોડને સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યા છે તેના ખૂબ સારા પરિણામો નજરે જોઈ શકાય છે અને લોકો પણ અનુભવી રહ્યા છે. નાનામવા સિમેન્ટ રોડને દસ વર્ષ વીતી જવા છતાં વરસાદથી રસ્તાને કોઈ જ નુકસાન થયું નથી અને રૈયા સિમેન્ટ રોડ બન્યાને પણ પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો છે છતાં ત્યાં આગળ પણ વરસાદથી કે અન્ય કોઈપણ પ્રકારે રસ્તાને કોઇ નુકસાન થયું નથી. એકંદરે રાજકોટમાં સિમેન્ટ રોડનો પ્રયોગ સફળ રહ્યાે છે તેમ છતાં તેમ છતાં અકળ કારણોસર ડામર રોડ પાછળ જ કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યાે છે અને સિમેન્ટ રોડ બનાવવાની દિશામાં મહાપાલિકાના અધિકારીઆે કે પદાધિકારીઆે કોઈ જ વિચારણા કરતા નથી. મહાપાલિકાની બાંધકામ શાખાના ઇજનેરોએ કરેલા સર્વે અનુસાર મવડી ચોકડી થી મવડી મેઈન રોડ પર બંને બાજુએ કુલ 19 હજાર ચોરસમીટર કામ કરવામાં આવ્યું હતું અને ચોમાસામાં ભારે વરસાદથી આ ડામર રોડ ને 1.52 કરોડનું નુકસાન થયાનું રિપોર્ટમાં જાહેર કરાયું છે. આ સર્વે રિપોર્ટ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગમાં મોકલવામાં આવ્યો હતો અને સમગ્ર શહેરના તમામ મેમ્બરોને કુલ રુપિયા એકાવન કરોડનું નુકસાન થયાનું જણાવાયું હતું જે સંદર્ભે સરકારે રુપિયા 25 કરોડની રકમ ફાળવી છે અને તે રકમ ગઇકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જ્યાં આગળ ડામર રસ્તાઆેને નુકસાન થયું છે ત્યાં આગળ નવા ડામર રોડ બનાવવા માટે મંજૂર કરવામાં આવી છે.
દર વર્ષે બનાવતા અને ચોમાસા બાદ દર વર્ષે તૂટી જતાં મવડી રોડ ને પણ નાનામોવા મેઈન રોડ અને રૈયારોડ ની જેમ સિમેન્ટ રોડ બનાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠી રહી છે.