મસાલો ખાવા બાબતે પિતાએ ઠપકો સગીરા ઘેરથી જતી રહી

July 17, 2019 at 8:26 pm


શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સોસાયટીમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને પિતાએ વિમલ ગુટખા અને મસાલો ખાવા બાબતે ઠપકો આપતા આવેશમાં આવી આ સગીરા પુત્રી રિસાઇને ઘર છોડીને જતી રહી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અમરાઈવાડી પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના અમરાઇવાડી વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સોસાયટીમાં રહેતી ૧૫ વર્ષની સગીરા તેના માતા-પિતા અને બે બહેન સાથે રહે છે. સગીરાએ ગત માર્ચમાં ધો. ૧૦ની પરીક્ષા આપી હતી. જેમાં તે નાપાસ થઈ હતી. પંદર દિવસ પહેલા સગીરાની માતાને જાણ થઈ હતી કે તેમની પુત્રી વિમલ ગુટખા અને સોપારીવાળો મસાલો ખાય છે. જેથી તેમણે સગીરાના પિતાને જાણ કરી હતી. પિતાએ પુત્રીને ઠપકો આપી આવું ન કરવા સમજાવ્યું હતું. ચાર દિવસ પહેલા જ્યારે સગીરા ઘરે હાજર હતી ત્યારે તેના પિતા તેને મસાલો ખાતા જોઈ ગયા હતા જેથી તેણીને ઠપકો આપ્યો હતો. જેથી સગીરાને મનમાં લાગી આવ્યું હતું અને તે રિસાઇને બપોરના સમયે ઘરમાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. પુત્રી અચાનક ઘરમાંથી જતી રહેતા માતા-પિતાએ આસપાસમાં અને સગા સંબંધીના ત્યાં જાણ કરી તપાસ કરી હતી પરંતુ સગીરા મળી આવી ન હતી. જેથી તેઓએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ આ બનાવ પરથી સ્પષ્ટ છે કે, સમાજમાં આજકાલના બાળકો ખાસ કરીને યુવા પેઢીની માનસિકતાની વાસ્તવિકતા રજૂ કરે છે, જે અંગે સભ્ય સમાજે ગંભીર ચિંતન કરવાનો સમય પાકી ગયો જણાય છે.

Comments

comments