મસૂદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવા યુનોમાં 23 એપ્રિલની ડેડલાઇન નથી: ચીન

April 18, 2019 at 11:25 am


અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંસ્થા જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવા માટે 23 એપ્રિલની ડેડલાઇન આપી હોવાના અહેવાલને ચીને બુધવારે ફગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે આ મુદ્દો સમાધાન તરફ આગળ વધી રહ્યો છે.
પુલવામા હુમલા બાદ યુનોની સુરક્ષા સમિતિની 1267 અલ કાયદા પ્રતિબંધ કમિટીમાં ફ્રાંસ, બ્રિટન અને અમેરિકાએ મસૂદને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવા નવેસરથી પ્રસ્તાવ કર્યો હતો. જોકે ચીને આ પ્રસ્તાવને ટેક્નિકલ કારણસર અટકાવી દીધો હતો. આથી બ્રિટન અને ફ્રાંસ સાથે મળી અમેરિકાએ યુનોની સુરક્ષા સમિતિમાં આ પ્રસ્તાવ કર્યો હતો.

ચીન સુરક્ષા સમિતિનું સભ્ય છે અને વીટો પાવર ધરાવે છે. તેણે આ પગલાંનો વિરોધ કર્યો હતો અને આ મુદૃો 1267 કમિટીમાં જ ચર્ચવામાં આવે એમ અપીલ કરી હતી.
અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે મસૂદને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવા માટે 23 એપ્રિલની ડેડલાઇન આપી હોવાના અહેવાલ અંગે ચીને જણાવ્યું હતું કે આવા અહેવાલો કોણ ફેલાવે છે એની તેને ખબર નથી. આ મુદ્દાનું નિરાકરણ સમાધાનથી જ આવી શકશે.
મસૂદ અઝહર અંગે ચીનનું વલણ સ્પષ્ટ અને અફર છે. આ મુદ્દો સમાધાન તરફ આગળ વધી રહ્યો છે, એમ ચીનના વિદેશ ખાતાના પ્રવક્તાએ જણાવ્યું હતું.

ચીન યુનોની સલામતી સમિતિનું સભ્ય છે. ભારત, અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ યુનોમાં મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવા માગે છે, જેને ચીન કોઇને કોઇ કારણસર રોકી દે છે.

Comments

comments