મહાપાલિકાના સ્પેશ્યલ બોર્ડમાં અધિકારીઓ મોબાઈલમાં મસ્ત

March 16, 2018 at 4:47 pm


રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર ડો.જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને મિલકતવેરામાં કાર્પેટ એરિયાબેઈઝ પદ્ધતિના નિયમો મંજૂર કરી આ નવી પદ્ધતિ આગામી તા.૧લી એપ્રિલથી લાગુ કરવા માટે સ્પેશ્યલ બોર્ડ મિટિંગ બોલાવવામાં આવી હતી. દરમિયાન હજુ ગઈકાલે જ મેયરે એવી જાહેરાત કરી હતી કે આગામી બોર્ડથી નગરસેવકોને મોબાઈલ સાથે સભાગૃહમાં પ્રવેશવા દેવામાં ન આવે તેવા નિયમો ઘડવાનું વિચારાધીન છે. સભાગૃહની બહાર લોકર રાખવામાં આવશે અને તે લોકરમાં નગરસેવકોએ તેમના મોબાઈલ અને મહિલા કોર્પેારેટરોએ તેમના પર્સ સહિતની ચીજવસ્તુઓ લોકરમાં મુકીને જ સભાગૃહમાં પ્રવેશવાનું રહે તેવા નિયમો સલામતિના ભાગરૂપે તૈયાર કરવામાં આવનાર છે. દરમિયાન આજે મળેલી સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં નગરસેવકો તો દૂર પરંતુ ખુદ કમિશનરની પીઠ પાછળ બેઠેલા અધિકારીઓ મોબાઈલમાં મસ્ત હોવાનું નજરે પડયું હતું.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની શાસકો અને વિપક્ષના નગરસેવકોના અણીયાળા સવાલોના જવાબો આપતાં રહ્યા હતા અને તેમની પાછળ બેઠેલા અધિકારીઓ મોબાઈલમાં મશગૂલ દેખાતા હતા.

મહાપાલિકાની બોર્ડ મિટિંગમાં સામાન્ય રીતે દર વખતે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો મોબાઈલમાં વ્યસ્ત હોય તેવા દ્રશ્યો નજરે ચડતાં હતા અને ટીકાપાત્ર બનતા હતા પરંતુ હવે મોબાઈલમાં મસ્ત રહેવાની બાબતમાં જાણે અધિકારીઓએ નગરસેવકો સાથે હરિફાઈ કરી હોય તેમ લગભગ મોટાભાગના અધિકારીઓ મોબાઈલમાં જ રમતાં નજરે પડયા હતા. કોઈ વીડિયોગેઈમ રમતું હતું તો કોઈ વોટસએપમાં વ્યસ્ત હતું પરંતુ દરેક અધિકારીઓના મોબાઈલ તેમના હાથમાં જ નજરે પડતા હતા. હદ તો ત્યાં આવી જાય છે કે સ્પેશ્યલ બોર્ડ હોવા છતાં અધિકારીઓએ તેમના મોબાઈલ ફોન સાઈલેન્ટ મોડમાં રાખ્યા ન હતા અને બોર્ડની કાર્યવાહી દરમિયાન અલગ અલગ પ્રકારના રિંગટોન સાથેની મોબાઈલની રિંગ સતત ગુંજતી રહી હતી. પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા વેળાએ મ્યુનિસિપલ કમિશનર જવાબ આપતા હોય છે અને પૂરક જવાબો આપવા માટે સંબંધિત શાખા અધિકારીઓએ ઉપસ્થિત રહી જવાબો આપવાના હોય છે પરંતુ આજે ઉલટી ગંગા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તમામ સવાલોના જવાબો કમિશનરે આપ્યા હતા અને અધિકારીઓ ફકત મોબાઈલમાં રમતાં નજરે પડયા હતા.

Comments

comments

VOTING POLL