મહારાષ્ટ્રના ડ્રામામાં કોમેડી-સસ્પેન્સ ભરપૂર રહ્યા છે, જલ્દી એન્ડ આવે તો સારું

November 26, 2019 at 11:27 am


Spread the love

મહારાષ્ટ્રમાં જે નાટકીય વણાંકો છેલ્લા 15 દિવસથી જોવા અને સાંભળવા મળી રહયા છે તે હવે એક પોલીટીકલ કોમેડી જેવા લાગે છે અને દેશની જનતા કુુતુહલ સાથે આ મનોરંજન માણી રહી છે પરંતુ રાજકારણીઆેને કોઈ શરમ આવતી નથી. પવારના ઘરમાં ભંગાણ પડયુ છે અને તે જાણે એક રાષ્ટ્રીય આફત બની ગઈ હોય તેવુ ચિત્ર ઉભુ થયું છે. સુપ્રિમ કોર્ટમાં મામલો પહોચી ગયા બાદ હવે આપણે એવી આશા રાખીએ કે મહારાષ્ટ્રની જનતાને એક ટકાઉ સરકાર મળે. જો કે ઉધ્ધવ ઠાકરેના માણસોએ તો ઘણી માનતાઆે તો રાખી જ હશે અને આપણે તેમા સુર પુરાવી દઈએ. મહારાષ્ટ્રના પ્રકરણમાં સવાર, બપોર અને સાંજ નવા નવા નાટક જોવા મળી રહયા છે. શનિવારે સવારે એવો દાવો થતો હતો કે, એનસીપીના તમામ ધારાસભ્યો ભાજપ સાથે છે ને અજિત પવારે તમામ ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને આપ્યો છે. બપોર લગીમાં એ પણ સ્પષ્ટ થઈ ગયું કે, એનસીપીના 54 ધારાસભ્યોમાંથી આઠ-દસ ધારાસભ્યો જ ભાજપ સાથે છે ને સાંજ લગીમાં તો એ આંકડો ઘટીને પાંચ પર આવી ગયો. મોડી રાત લગી આ ડ્રામા ચાલ્યો ને એ દરમિયાન શિવસેના, કાેંગ્રેસ ને એનસીપી સુપ્રીમમાં પહાેંચેલાં. તેમણે ફડણવીસ સરકારને તાત્કાલિક વિશ્વાસનો મત મેળવવા આદેશ અપાય એ માગણી સાથે ધા નાંખી હતી. સુપ્રીમે રવિવારે સુનાવણી કરવાનું એલાન કરેલું તેથી બધાંની નજર રવિવારે શું થાય છે તેના પર મંડાયેલી હતી. દરમિયાનમાં શિવસેના-કાેંગ્રેસ ચેતી ગયેલાં ને ભાજપ પોતાના ધારાસભ્યોને તોડી ના જાય એટલે તેમને હોટલોમાં ખસેડી દીધેલા.
સુપ્રીમ કોર્ટનો આદેશ ભાજપને રાહત આપનારો છે એવું ઘણાંને લાગે છે કેમ કે બધાંને એવું લાગે છે કે ભાજપને બીજા કલાક મળી ગયા છે. જો કે એવું નથી કેમ કે સુપ્રીમે જેના આધારે ફડણવીસ ગાદી પર બેસી ગયા એ કાગળ લાવવાના છે અને સુપ્રિમમાં સોમવારે દસ્તાવેજો રજુ થયા છે.
આજે સુપ્રિમ કોર્ટ બહુમતી પરીક્ષણ અંગે ફાઈનલ આદેશ આપશે તેવી આશા સાથે આખો દેશ ચાતક નયને આ ઈન્તજારમાં છે. ભગતસિંહ કોશિયારીએ રાષ્ટ્રપતિશાસન લાદવાની ભલામણ શંકાસ્પદ સંજોગોમાં કરી હતી. રાજ્યપાલે ભાજપને સરકાર રચવા 48 કલાકનો ને શિવસેનાને 24 કલાકનો સમય આપેલો. એ બંને સરકાર ના બનાવી શક્યાં પછી રાજ્યપાલે પોતે જ એનસીપીને સરકાર રચવા અંગેનો નિર્ણય લેવા માટે 24 કલાક આપેલા. એનસીપીને તેમણે રાત્રે 8.30 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો પણ એનસીપીને પોતે આપેલા સમય સુધી પણ રાહ ના જોઈ. એનસીપીએ પોતે સરકાર રચી શકે છે કે નહી તે અંગે કોઈ સ્પષ્ટતા રાજ્યપાલને મળીને કરી નહોતી છતાં રાજ્યપાલે રાષ્ટ્રપતિશાસન લાદવાની ઉતાવળ કરી નાંખી. રાજ્યપાલ પોતે લીધેલા નિર્ણય પર પણ મક્કમ ના રહી શક્યા એ શરમજનક કહેવાય. એનસીપીનું પ્રતિનિધિમંડળ સત્તાવાર રીતે આવીને સરકાર નહી રચી શકાય એવી જાણ કરે એ પહેલાં તેમણે રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરીને પોતાના હોદ્દાનું ગૌરવ ઘટાડેલું. અંતે સોમવારે એટલે કે ગઈકાલે એનસીપી, કાેંગ્રેસ અને શિવસેનાના નેતાઆે રાજયપાલને મળ્યા હતા અને અમારી પાસે 162 સભ્યોનો ટેકો છે તેમ જણાવીને પોતાનો દાવો આગળ કર્યો હતો. આમ અજીત પવાર અને ભાજપની મંડળી કહે છે કે અમારી પાસે બહુમતી છે. હવે આ બન્નેના બહુમતીના દાવા વચ્ચે ફલોર ટેસ્ટની કુસ્તીમાં કોણ જીતે છે તેના તરફ આખા દેશની નજર મંડાયેલી છે. આપણે એવી આશા રાખીએ કે આ કુસ્તી જલ્દી પુરી થઈ જાય અને પોલીટીકલ ડ્રામાનો અંત આવે કારણ કે આ ડ્રામામાં ઘણા બધા સસ્પેન્સ રહ્યા છે. સસ્પેન્સ પરથી પડદો ઉચકાશે ત્યારબાદ જ દેશની જનતાને કલાઈમેક્ષનો આનંદ મળશે.
મહારાષ્ટ્રમાં હવે શું થશે તે ખબર નથી પણ અત્યાર લગી જે કંઈ થયું તેના કારણે લોકશાહીના સાવ ધજાગરા ઉડી જ ગયા છે. આશા રાખીએ કે હવે બધું સરખું થાય ને બહુ જલદી રાજ્યને સ્થિર સરકાર મળે.
ગઈકાલે સુપ્રિમ કોર્ટમાં જોરદાર દલીલો થઈ છે અને બન્ને પક્ષની ધારદાર દલીલો સુપ્રિમે સાંભળી છે અને હવે સૌથી મહત્વની બાબત આ કસરત પહેલા એ છે કે સૌ પ્રથમ ગૃહમાં પ્રાેટેમ સ્પીકરની નિમણુંક કરવી પડે એમ છે આ સ્પીકર ધારાસભ્યોને સપથ લેવડાવે ત્યારબાદ જ ગૃહમાં તેઆે પોતાનો મત આપી શકશે. સેના, એનસીપી અને કાેંગ્રેસના વકીલોએ વહેલા વિશ્વાસના મત માટે ઘણો સંઘર્સ કર્યો અને સુપ્રિમમમાં ઘણી બધી દલીલો કરી પરંતુ અજીત પવાર અને ભાજપના સારા નસીબે તત્કાળ ફલોરટેસ્ટનો સુપ્રિમે આદેશ આપ્યો ન હતો.
બીજી બાજુ સંસદમાં પણ વિરોધપક્ષના સભ્યોએ મહારાષ્ટ્રના આ પ્રકરણને લઈને અભુતપૂર્વ હંગામો અને ધમાલ કરી મુકયા હતા અને સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ધમાલને પગલે સંસદના બન્ને ગૃહો આખાદિવસમાટે મુલતવી રહ્યા હતાં. કાેંગ્રેસના મહિલા સાંસદોએ એવો આરોપ મુકયો હતો કે ગૃહના માર્શલોએ અમને ધકકે ચડાવ્યા છે અને અણછાજતુ અને અપમાન જનક વર્તન કરવામાં આવ્યું છે. મહિલા સાંસદોએ સંસદ ભવનના પરિસરમાં દેખાવો પણ કર્યા હતાં. આમ મહારાષ્ટ્રની આ લડાઈ કેન્દ્ર વિરૂધ્ધ વિપક્ષની પણ બની ગઈ હોય તેવુ ચિત્ર ઉભુ થયું છે.