મારી પ્રતિષ્ઠા હણવાનું ષડયંત્ર થાય છે : નીતિન પટેલ

May 25, 2018 at 12:31 pm


છેલ્લા બે દિવસથી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું રાજીનામું લઈ લેવા અંગે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પોસ્ટ પણ મૂકવામાં આવી રહી છે. આ અંગે નીતિન પટેલે ગુરુવારે રાત્રે એક ટિ્‌વટ કરીને ખુલાસો કર્યો હતો. શુક્રવારે સવારે પણ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેમજ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી છે.

મીડિયા સાથે વાતચીત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક દિવસથી કેટલાક વ્યક્તિઓ તરફથી મને બદનામ કરવામાં આવી રહ્યો છે. આવું કરવા પાછળનો ઉદેશ્ય મારા વિશે ગુજરાતની જનતામાં, ભારતીય જનતા પાર્ટીમાં, મારા શુભેચ્છાકોમાં, ભાજપના કાર્યકરોમાં અને મારા મત વિસ્તારના લોકોમાં અપ્રચાર કરવાનો છે. મારી પ્રતિષ્ઠાને નુકસાન થાય તે રીતે સોશિયલ મીડિયામાં મેસેજ મૂકવામાં આવી રહ્યા છે.’

નીતિનભાઈએ વધુમાં કહ્યું હતું કે, ‘ગુરુવારે રાત્રે જ મારા ધ્યાન પર આવી એક પોસ્ટ આવી છે. રાજકીય હેતુ કે કોઈ બદઈરાદો પાર પાડવા માટે મારા વિશે આવા મેસેજ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. મને ટાર્ગેટ કરવા માટે કેટલાક લોકો આવું કરી રહ્યા છે. હું લોકોને વિનંતી કરી છું કે કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આવી પોસ્ટ મૂકવામાં આવે તે વિશ્વાસ કરવો નહીં.’ નાયબ મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, ‘અત્યારે એવી વ્યવસ્થા છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી શકે છે. નાદાન લોકો આવા કામ કરતા હોય છે. લાખો લોકોની વચ્ચે આવા કેટલાક લોકોને શોધવાનું કામ પણ ખૂબ મુશ્કેલ છે. આ લોકો સમાજ-સમાજ વચ્ચે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વિવાદ થાય એવું ઇચ્છતા હોય છે. પરંતુ મારી વિનંતી છે કે આવા લોકને સાચા માનવા નહીં.”

સોશિયલ મીડિયામાં તેમની વિરુદ્ધ ફેલાવવામાં આવતા ખોટા પ્રચાર અંગે ફરિયાદ કરવામાં આવશે કે નહીં તે અંગે પૂછતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘મેં ટિ્‌વટ કરીને મારા મનની વાત મૂકી દીધી છે. પરંતુ જો વ્યક્તિ જાહેર વિનંતી છતાં આવું કૃત્ય ચાલુ જ રાખશે હું સાયબર નિષ્ણાતોની સલાહ લઈને યોગ્ય કાર્યવાહી કરીશ.’

આ સાથે નીતિન પટેલ એવું પણ કહ્યું હતું કે હું વિદ્યાર્થી કાળથી ભાજપ સાથે છું. પહેલા જનસંઘ હતું ત્યારે તેની સાથે જોડાયેલો હતો, બાદમાં ભાજપની સ્થાપના થઈ હતી. હું આજીવન ભાજપનો જ સભ્યો છું.
નીતિન પટેલે સોશિયલ મીડિયામાં તેમની વિરુદ્ધ થઈ રહેલા અપપ્રચારનો સણસણતો જવાબ આપવા આજે સવારે મીડિયા સમક્ષ હાજર થઈ જે કડક નિવેદન આપ્યું છે તેનાથી રાજકીય વર્તુળોમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે.

Comments

comments

VOTING POLL