મુંબઈ ઍરપોર્ટ પર દુબઈ અને ટોકીયો કરતા પણ વધુ ખાનગી વિમાનોની અવરજવર

April 16, 2019 at 10:45 am


મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી 2018-19ના નાણાકીય વર્ષમાં 1516 ખાનગી ચાર્ટર વિમાનની અવરજવર થઇ હતી. તેથી મુંબઈના ઍરપોર્ટે દુબઇ અને ટોકિયોને પણ આ બાબતે પાછળ છોડી દીધા છે. આ નાણાકીય વર્ષમાં વિમાનોની તથા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ખાનગી વિમાનોનો ઉક્ત આંકડો પણ ઍરપોર્ટ માટે રાહત દેનારો છે.

નાઇટ બ્રેક સર્વેક્ષણમાં જણાવ્યાનુસાર મુંબઈ ઍરપોર્ટ પરથી ખાનગી વિમાનોનું ઉડ્ડયન વધી રહ્યું છે. તેથી બે મોટા શહેરને મુંબઈના ઍરપોર્ટે પાછળ છોડી દીધા છે. મુંબઈના ઍરપોર્ટ પરના ખાનગી વિમાનોનો આંકડો દુબઈના ઍરપોર્ટ કરતા 8.28 ટકા તથા ટોકિયો કરતા વીસ ટકા વધુ છે.

આ બન્ને શહેરનો આંકડો અનુક્રમે 1400 તથા 1202 છે. ખાનગી ચાર્ટર વિમાનોની અવરજવર માટે ન્યૂ યોર્ક ઍરપોર્ટ સૌથી આગળ છે જેમાં એક વર્ષમાં 66,989 ખાનગી વિમાનોની અવરજવર થઇ હતી. મુંબઈ ઍરપોર્ટ તે યાદીમાં 146 ક્રમાંકે છે. દેશોનો વિચાર કરીએ તો અમેરિકામાં સૌથી વધુ 13,685 ખાનગી ચાર્ટર વિમાન છે. ત્યાર બાદ યુરોપ, રશિયા તથા પૂર્વ સોવિયેત દેશ (સીઆઇએસ)નો ક્રમાંક આવે છે. બ્રિટન, ફ્રાન્સ, યુએઇ, જર્મની, કેનેડા, મેક્સિકો એ ખાનગી ચાર્ટર વિમાન પ્રવાસ માટેના અગ્રણી દેશો છે, પરંતુ મુંબઈ તથા દિલ્હી ઍરપોર્ટ તેમાં બહુ પાછળ છે. મુંબઈ ઍરપોર્ટ પર એક જ વખતે ફક્ત એક રન-વે વાપરવાનું શક્ય છે છતાં રોજ 950 વિમાનની અવરજવર થાય છે.

Comments

comments

VOTING POLL