મુખ્યમંત્રીના પિતરાઈ ભાઈને 108ની સેવા સમયસર ન મળતાં મોતઃ તપાસનો આદેશ

October 9, 2019 at 11:07 am


દેશમાં ક્યાંય ન હોય તેટલી ઝડપી 108ની સેવા ગુજરાતમાં છે તેવા દાવા સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના પિતરાઈ ભાઈને 108ની સેવા સમયસર ન મળતાં તેનું મૃત્યુ થયું હોવાની ચાેંકાવનારી વાત બહાર આવવા પામી છે.આ બાબતે હકીકત શું છે તેની તપાસ કરી જાણ કરવા માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર રમયા મોહનને સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્ર કેન્દ્ર માં રહેતા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના પિતરાઈ ભાઈ અનિલ ભાઈ સંઘવી છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. ગયા શુક્રવારે તેની તબિયત એકાએક બગડતાં તેના પુત્ર ગૌરાંગભાઈએ 108ને જાણ કરી હોસ્પિટલમાં ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી પરંતુ 108ની સેવા સમયસર મળી ન હતી અને હોસ્પિટલ ખસેડવામાં વિલંબ થવાથી અનિલભાઈને સારવાર સમયસર મળી ન હતી અને તેનું મૃત્યુ થયું હતું. ગયા સોમવારે અનિલભાઈનું ઉઠામણું રાખવામાં આવેલ હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ગઈકાલે રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે અનિલ ભાઈના પુત્ર ગૌરાંગ એ આ બાબતે મુખ્યમંત્રી નું ધ્યાન દોર્યું હતું અને મુખ્યમંત્રીએ તાત્કાલિક જિલ્લા કલેકટરને તપાસ કરવાના આદેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 108ને સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર માંથી કોલ મળ્યો હતો પરંતુ ત્યાં જવાના બદલે 108 ઈશ્વરીયા પહાેંચી ગઈ હતી .સરનામું ગોતવામાં વિલંબ થવાના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.

Comments

comments