મુખ્યમંત્રી સંક્રાંત રાજકોટમાં ઉજવશેઃ પોલીસને બંદોબસ્તની ‘ફિરકી’ પકડવી પડશે

January 12, 2019 at 3:21 pm


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિલ્હી ખાતે યોજાયેલી ભાજપની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આવતીકાલે ગાંધીનગર આવી જશે અને મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી પોતાના હોમટાઉન રાજકોટ ખાતે પોતાના જૂના 12 મિત્રો અને તેના પરિવારો સાથે કરનારા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો તા.14ને મકરસંક્રાંતિનો સત્તાવાર કાર્યક્રમ હજુ જાહેર કરાયો નથી પરંતુ તા.14ના રોજ બપોરે 3 વાગ્યે એરપોર્ટ ખાતે આગમન થશે અને ત્યાં રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા શિક્ષણ માટે તૈયાર કરાયેલા ‘વાઉ’ પ્રાેજેકટ અંતર્ગત મોબાઈલ બસને લીલીઝંડી આપશે.
એરપોર્ટનો કાર્યક્રમ પુરો કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના મિત્રો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરશે. વિજયભાઈ રૂપાણી વર્ષોથી પોતાના જૂના 12 મિત્રો સાથે પરિવાર સહિત સંક્રાંતની ઉજવણી કરે છે. તમામ મિત્રો અને તેના પરિવારજનો કોઈ એક મિત્રના ઘેર ટેરેસમાં ભેગા થાય છે. ગઈ મકરસંક્રાંતિએ ભાસ્કરભાઈ રાજ્યગુરુને ત્યાં મકરસંક્રાંતિની મુખ્યમંત્રીએ ઉજવણી કરી હતી. આ વખતે કયાં ઉજવણી કરવી તેનો નિર્ણય આવતીકાલે લેવામાં આવશે. મોટાભાગને જ્યોતિન્દ્રભાઈ મહેતા (મામા) અથવા તો અભયભાઈ ભારદ્વાજના ઘેર ઉજવણી થાય તેવી વાતો બહાર આવી રહી છે. આ ઉપરાંત ત્રિકોણબાગ નજીક ઉભા કરાયેલા કરૂણા અભિયાન પ્રાેજેકટની પણ મુખ્યમંત્રી મુલાકાત લેશે. મકરસંક્રાંતિના તહેવારોમાં પતંગ-દોરાથી ઈજા પામતા પક્ષીઆેને સારવાર આપવા માટેનું અભિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરૂણા અભિયાન અંતર્ગત ઉપાડયું છે.
હાલ રાજકોટ ખાતે ડી.એચ. કોલેજના કમ્પાઉન્ડમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા દ્વારા મહિલા સંમેલન અને સેવા સંમેલનનું આયોજન કરાયું છે તેમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુલાકાત લેશે તેમ જાણવા મળે છે.
મુખ્યમંત્રીની રાજકોટની મુલાકાતના કારણે પોલીસતંત્ર અને કલેકટર તંત્ર હરકતમાં આવી ગયું છે. મકરસંક્રાંતિની રજા હોવા છતાં પોલીસતંત્રને બંદોબસ્તની ‘ફિરકી’ પકડવી પડશે.

Comments

comments

VOTING POLL