મોંઘવારીનો આતંક ક્યાં સુધી રડાવશે ? દળી દળીને ઢાંકણીમાં, તો આવો વિકાસ શું કામનો ?

July 15, 2019 at 11:17 am


કોઈ પણ દેશની જનતાની સુખાકારી, સંતોષ, આનંદ અને તંદૂરસ્ત જીવનનો આધાર દરેક ઘરની ઈકોનોમી અને દરેક ઘરના કિચનના બજેટની સલામતિ પર આધારિત હોય છે પરંતુ ભારે અફસોસ સાથે કહેવું પડે છે કે આપણા દેશમાં અત્યારે જનતાની સામે સૌથી ભયંકર મુદ્દો મોંઘવારીનો છે કારણ કે મોંઘવારી દેશના સામાન્ય જનને અને અતિ ગરીબોને વધુ બદહાલ અને વધુ નિરાશ કરી રહી છે. એનડીએની સરકાર બીજી વાર ચૂંટાઈ અને દેશની જનતાએ તેને બીજીવાર વિશ્ર્વાસ મુકીને સુકાન સોંપ્યું છે ત્યારે સરકારે મોંઘવારીને નાથવાની દિશા તરફ નિણર્ટિક અને પરિણામદાયક પગલાં લેવાની જર છે તેવી સ્થિતિ અત્યારે ઉભરીને સામે આવી છે. અત્યારે બધા જ મુદ્દા કોરાણે મુકી દઈને મોંઘવારીના રાક્ષસને નાથવાના કામને જ સરકારે ટોપ પ્રાયોરિટી આપવી જોઈએ તેવી લાગણી આમ જનની અને દેશવાસીઓની હોય તે સ્વાભાવિક છે.

એ વાત હકીકત છે કે દેશમાં કુદકે ને ભુસકે મોંઘવારી વધી રહી છે. ધારાસભ્યો મોંઘા થઈ રહ્યા છે અને સાથોસાથ મરચા પણ ખૂબ મોંઘા થઈ રહ્યા છે એટલે કે અતિ ગરીબ લોકો ધારે તો ચટણી પણ નિરાંતે ખાઈ શકે તેમ નથી કારણ કે ચટણીમાં મરચાની ભૂમિકા રહેલી છે. વિકાસના મોટા મોટા પ્લાન બને છે, પરેખાઓ ઘડવામાં આવે છે, આંકડાઓ જાહેર કરવામાં આવે છે, દેશમાં ક્યાં કેટલો વિકાસ થયો છે તેના અહેવાલો સમયાંતરે જાહેર થતાં રહે છે પરંતુ આવો વિકાસ શું કામનો કે જે દેશના ગરીબોના ઘર સળગાવે અને એમના કિચનમાં માતમ ફેલાવે ? મોદી સરકારની બીજી ટર્મમાં હવે વિકાસના કામોની સાથે સાથે મોંઘવારીને કચડી નાખવા માટેનો એક સંઘર્ષ અને એક અભિવાન શ થવું જરી છે કારણ કે ગયા જૂન માસમાં રિટેઈલ ફુગાવો વધીને 3.18 ટકા થઈ ગયો છે. સરકારની લાખ કોશિશો છતાં ગત મે માસમાં ઉત્પાદન દેશમાં ઘટી ગયું હતું અને 3.1 ટકાએ પહોંચી ગયું હતું અને સૌથી આઘાતજનક વાત એ છે કે સળંગ છઠ્ઠા મહિને રિટેઈલ ફુગાવામાં જોરદાર ઉછાળો આવ્યો છે. જૂન માસમાં અનાજ, દાળ સહિતની ખાદ્યાન્ન વસ્તુઓ એટલી બધી મોંઘી થઈ છે કે સામાન્ય જનના હાથ દાઝી જાય છે. મરચા પણ હવે રડાવી રહ્યા છે અને મરચા બજારમાં રેકોર્ડ સ્તરે ઉંચા ભાવ દેખાઈ રહ્યા છે.

મોદી સરકારની સાથે આર્થિક મોરચે અનેક પડકારો છે અને તેનો સાવધાનીપૂર્વક સામનો કરવાની જર છે. ક્રૂડ તેલ પણ ચિંતા કરાવે છે અને દોઢ મહિનાની ટોચે પહોંચ્યું છે એટલો બધો તેમાં ઉછાળો આવી ગયો છે. બીજી બાજુ સોના-ચાંદીમાં ઉતાર-ચડાવ ચાલું રહ્યા છે, ડોલર ઉછળી રહ્યો છે અને પિયો સતત ગગડી રહ્યો છે, શેરબજાર તૂટતું જાય છે. વાહનોનું વેચાણ મંદ પડી ગયું છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સંકટમાં છે, ટેક્સટાઈલ ઉદ્યોગ સંકટમાં છે, ઓટોપાર્ટસ ક્ષેત્રમાં ભારે નિરાશા છે. એ જ રીતે એનબીએફસીની નાણાકીય કટોકટીની અસર આપણા દેશના ટેક્સટાઈલ ઉદ્યોગ પર ભારે પ્રમાણમાં જોવા મળી રહી છે. વર્કિંગ કેપિટલ નથી માટે કંપ્નીઓ વિસ્તરણ કાર્યક્રમ કોરાણે મુકીને બેઠી છે.

બીજી બાજુ વરસાદે દગો દીધો છે અને વરસાદથી જે આશા હતી તે અત્યારે ધુંધળી બની ગઈ છે. પંજાબ, હરિયાણા અને યુપીમાં એકંદરે ઓછા વરસાદને કારણે ડાંગરના ખેડૂતોના ખર્ચમાં વધારો થયો છે અને તેની અસર બીજા રાજ્યો ઉપર પણ પડવાની છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ જ નથી અને અહીં ઉદ્યોગો અને નાના-નાના એકમોની હાલત બદતર છે. સૌરાષ્ટ્રનું અર્થતંત્ર અત્યારે જોખમમાં છે. બીજી બાજુ મોંઘવારીએ બળતામાં ઘી હોમી દીધું છે.

દેશને પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવવાનો કેન્દ્ર સરકારનો પ્લાન છે અને પ્રયાસ છે પરંતુ એ પહેલાં મોંઘવારીને મારવી જરી બનશે. કેટલા ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનશે તેમાં ગરીબોને રસ હોતો નથી, તેને તો રોજ સાંજે તેના રસોડામાં એક રોટલી એક શાક બને તે જરી હોય છે. નવા નાણામંત્રી નિર્મલા સીતારમણ વધુ પડતાં ઉત્સાહી છે પરંતુ મોંઘવારીને દૂર કરવા માટેનો કોઈ માસ્ટર પ્લાન એમની પાસે હોય તેવું દેખાતું નથી. જો મોંઘવારીની આવી જ સ્થિતિ ચાલું રહેશે તો દેશના ગરીબ અને સાવ સામાન્ય પછાત લોકોની જિંદગી વધુ પડકારજનક બની જશે અને સરકારમાં એમનો વિશ્ર્વાસ ડગમગી જશે તેમાં કોઈ શંકા નથી.

કેન્દ્રીય મંત્રીઓ અને રાજકીય પક્ષના નેતાઓના લકઝરી અને મોર્ડન લાઈફસ્ટાઈલમાં કોઈ ઘટાડો થતો નથી. બીજી બાજુ આમ જનતાનું જીવન વધુને વધુ નીચલા સ્તરે જઈ રહ્યું છે. સરકારી ગાડીઓ રોજ લાખો-કરોડો પિયાના પેટ્રોલ-ડીઝલ બાળી નાખે છે અને બીજા અનાવશ્યક ખચર્િ કરવામાં આવે છે ત્યારે સરકારે તાત્કાલિક કરકસરના પગલાં જાહેર કરવાની જર છે. મોંઘવારીને મારવા માટે એક નહીં અનેક પગલાં જરી બનશે અને આ કામને અત્યારે ટોપ પ્રાયોરિટી મળવી જોઈએ તેવી સમગ્ર દેશની જનતાની લાગણી સાથે આપણે પણ સૂર પૂરાવીએ છીએ કારણ કે મોંઘવારી તો બધાને નડે છે. નો ડાઉટ અમીરોને કે હાયર મીડલ ક્લાસને મોંઘવારી નડતી નથી પરંતુ આપણા દેશમાં સામાન્ય વર્ગની વસતી વધારે છે તે વાત સરકારે હંમેશા યાદ રાખવી જોઈએ.

Comments

comments