મ્હારો MLA થારા MLA સે કમ હે કે!

March 16, 2018 at 6:55 pm


નાના હતાં ત્યારે ક્લાસમાં મોનિટરને અને શિક્ષકને ચોક અને કાગળના ડૂચા મારતાં અને હવે માઈક માર્યું છે.ખાલી સમય,સ્થળ અને વસ્તુ જ બદલાયા છે એમાં આટલો બધો હોબાળો શા માટે એ સમજાતું નથી.આના કરતાં તો સ્કૂલના સાહેબ સારા હતા કે ખાલી એક પિરિયડ માટે જ ઉભો રાખતા અથવા ક્લાસની બહાર અંગુઠા પકડાવતા..આ ત્રણ વેદના જાણકાર ત્રિવેદી તો બહુ ભારે ગુસ્સાવાળા નિકળા.સીધા ત્રણ વર્ષ માટે બહાર કરી દીધા. આવો અન્યાય કેમ ચલાવી લેવાય..તમે ત્રણ ત્રણ વરસ સુધી વિધાનસભાના એસી હોલમાં આવવા જ નો દયો તો અમને બહાર ગરમી ન થાય..? એક તો અમને આપેલાં ક્વાર્ટર પણ ઠેકાણાં વગરના છે. અમારે ઉનાળામાં બપોરે સૂવું હોય તો કયાં સૂવું.. આ વ્યથા કોની હશે એ કહેવાની જરૂર જ નથી કારણકે રાજ્યની સાડા પાંચ કરોડની જનતાએ તેમના સેવાભાવી કૃત્યોને જોયા છે. વિધાનસભામાં ’સુલતાન’ અને ’દંગલ’ બન્ને એક સાથે ભજવાઈ. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ માઈક ઉગમ્યા એમાં બખેડો થયો છે પણ આ આખી ઘટનાને પોઝિટિવલી જોવામાં આવે તો આ ધારાસભ્યો ભાજપ્ને પ્રેમ કરવા માંગતા હતા એવું લાગે છે કારણ કે, તેઓએ ક્યાંક વાંચી લીધું હતું કે ભય વગર પ્રીત નથી. ધારાસભ્યોએ ગૃહમાં ધમાલ મચાવીને માત્ર પરંપરાનું પાલન કર્યું છે એમ કહી શકાય.તેમના વડવાઓ એટલે કે અગાઉના ધારાસભ્યોએ પણ આવા જ સત્કાર્યો કયર્િ હતા.

આપણી વિધાનસભા તો આવા બનાવો માટે ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે.આ વિધાનસભામાં ભૂતકાળમાં મુખ્યમંત્રી, અધ્યક્ષ અને સચિવ પર પણ હુમલા થયા છે.રાજકોટ ભાજપ્ની થિંક ટેન્ક ગણાતા કિરીટ પાઠકે જૂની કેટલીક ઘટનાઓ શેર કરી છે..તેઓ કહે છે કે, 26 જૂલાઈ 1995માં કેશુભાઈ પટેલની સરકાર હતી અને વિરોધ પક્ષના નેતા અમરસિંહ ચૌધરી હતાં ત્યારે પ્રશ્નોત્તરી દરમિયાન ખાદ્ય તેલ અંગેનો પ્રશ્ન પૂછાયો ત્યારે પૂરક પ્રશ્નમાં વિરોધ પક્ષ કોંગ્રેસે ભારે ધાંધલ ધમાલ કરી હતી. કોંગ્રેસના એક સભ્યએ તોફાની વાતાવરણ વચ્ચે વેલમાં ધસી આવીને સચિવના ટેબલ પર માઈકને મચડીને તોડવાનો પ્રયાસ કર્યો હતો.1996માં સુરેશ મહેતાની સરકાર હતી અને વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અમરસિંહ ચૌધરી હતા તે સમયે ભારે ધમાલ અને ધાંઘલ થઈ હતી. વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્યમંત્રી સુરેશ મહેતા પર પીન કુશન, તકીયા, ચોપડા, ચોપડી, અને માઈક ફેંકાયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહીલે પોતાની બેંચ પરથી માઈક તોડીને સુરેશ મહેતા તરફ ફેંક્યું હતું.આ ધમાલ પછી ગૃહની બહાર નીકળેલા કોંગ્રેસના ધારાસભ્યોને પોલીસે માર માર્યો હતો જેમાં વીરજી ઠુમર ઘવાયા હતા અને તેમને હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. બારીના કાચ તુટવાના કારણે કેટલાક પત્રકારો પણ ઘવાયા હતા અને તેમને હોસ્પિટલ સારવાર માટે લઈ જવા પડ્યા હતા. ગૃહમાં લોહી રેડાયું હતું. આ પછી તો રાજ્યપાલે તુરંત સરકાર બરતરફ કરી હતી અને રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતું. સુરેશ મહેતાની બહુમતી ધરાવતી સરકારને કોંગ્રેસે ગબડાવી હતી.શંકરસિંહ વાઘેલાની રાજપા સરકાર બનાવવામાં આ રીતે અમરસિંહ ચૌધરીએ મદદ કરી હતી.

ત્રીજી ઘટનામાં 30 જૂન 1998ના રોજ તેલના ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસે વિધાનસભામાં સૂત્રોચ્ચાર હતો એક સભ્યએ ઊભા થઈ ને તેલની એક બોટલ પુરવઠા મંત્રીની ડેસ્ક પર પછાડી હતી. તે વખતે તેમને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ પણ કરાયા હતા. આ પછી 24 ફેબ્રુઆરી 1999માં પ્રશ્નોત્તરી સમય દરમિયાન અભૂતપૂર્વ ધાંધલ ધમાલ થઈ હતી. વિપક્ષના કેટલાંક સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. વિરોધ પક્ષના નેતા તરીકે અમરસિંહ ચૌધરી હતા. અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ વિધાનસભા ગૃહમાં હાજર હતા. તે સમયે કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. કેટલાંક સભ્યો વિધાનસભાના સચિવ કાંતિભાઈ પંચાલના ટેબલ પર ચઢી ગયા હતા અને તેમનું માઈક તોડી નાંખ્યું હતું. વળી ઘડિયાળ પણ તોડી નાંખવામાં આવી હતી.. વિધાનસભામાં માઈક તોડી નાંખવાની આ પ્રથમ ઘટના બની હતી. 23 ફેબ્રુઆરી 2000માં પ્રશ્નોત્તરી સમય પૂરો થતાં જ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ભારે ધાંધલ ધમાલ કરવામાં આવી હતી .કોંગ્રેસના ધારાસભ્યો આરએસસેસની ખાખી ચડ્ડી અને કાળી ટોપી પહેરીને આવ્યા હતા અને રાજ્યપાલ સુંદરસિંહ ભંડારી ઉપર ટોપી ફેંકી હતી. આ ઘટનામાં ધારાસભ્યોને એક અઠવાડિયા સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 22 માર્ચ 2001ના રોજ વિરોધ પક્ષના નેતા અમરસિંહ ચૌધરીને સસ્પેન્ડ કરાતાં સભ્યો વેલમાં ધસી આવ્યા હતા. ધારાસભ્યો તેની પાટલીઓ ઉપર ચઢી ગયા હતા. અધ્યક્ષ ધીરૂભાઈ શાહ ઉપર ફાઈલો ફેંકી હતી. પુસ્તકો ફેંક્યા હતા. ઘણાં બધા માઈકો તોડી નંખાયા હતા. કોંગ્રેસના તમામ સભ્યોને સાર્જન્ટો દ્વારા બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા. તેથી તમામ ધારાસભ્યો અધ્યક્ષની કચેરીમાં ધસી ગયા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી. અધ્યક્ષ સાથે અસભ્ય વર્તન કર્યું હતું. અધ્યક્ષ ધીરૂભાઈ શાહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી હરેન પંડ્યાએ તમામને સમગ્ર સત્ર સુધી સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરી હતી. અધ્યક્ષનું અપમાન થતાં ધીરૂભાઈ શાહ 30 માર્ચથી 72 કલાકના ઉપવાસ પર બેસી ગયા હતા. આ દિવસે એટલી ધમાલ થઈ હતી કે વિધાનસભાની કાર્યવાહી 9 વખત મુલતવી રાખવી પડી હતી. આ ઘટનાક્રમ વચ્ચે આશ્ચર્યની વાત એ છે કે, ત્યાર બાદ આવેલી નરેન્દ્ર મોદીની સરકારમા ક્યારેય માઈક ફેંકાયા ન હતા અને હવે વિજય રૂપાણીની સરકારને આ લાભ મળ્યો છે. નરેન્દ્ર મોદીના સમયમાં તો તેમના કદાચ નામનો પ્રભાવ કારણભૂત હશે.અધિકારીઓ પણ ચું કે ચા નહોતા કરતા. હવે રૂપાણી રાજમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ચું કે ચા નહીં કરવાનું નક્કી કર્યું છે.એટલે કે તેઓ અસહકાર કરશે અને ગૃહમાં મૂંગા બેઠાં રહેશે.જો કોંગ્રેસ આ નીતિ ચાલુ રાખશે તો તો ભાજપને જલસા પડી જવાના.

Comments

comments

VOTING POLL